૮મી માર્ચ મહિલા દિન તરીકે ઉજવાશે! એક દિવસ પૂરતુ મહિલાઓને સન્માનના શિખર પર બિરાજમાન કરાશે! શું ખરેખર આપણા દેશમાં કે શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે? વારંવાર અખબારી આલમ દ્વારા મહિલાઓ પર ગુજારાતા માનસિક ત્રાસ, હત્યા, અન્યાય, દહેજ માટે અપાતો શારિરીક તથા માનસિક ત્રાસ, દીકરી ન જન્મે એવા પ્રયાસ વિ. અનેક ઘટનાઓ જાણવા મળે જ છે! મહિલા, કે જે એક માતા છે, પત્નિ છે, બહેન છે પુત્રી છે એના પર જ આ પ્રકારનો ત્રાસ? સમાજમાં શા માટે સ્ત્રીને ત્રાસ આપવામાં આવે? ગ્રીષ્મા વેકરિયાનું ઉદાહરણ હજુ તાજું જ છે, પલસાણાના જોળવા ગામે થયેલો સગીરા પર અત્યાચાર િવ. અનેકવાર થતાં દુષ્કર્મો માટે પુરુષ જ જવાબદાર હોય છે ને? તો વિશ્વ મહિલાદીનની ઉજવણી સમયે એક સંકલ્પ પુરુષ વર્ગ દ્વારા અવશ્ય કરી શકાય કે, શકય હોય એટલું મહિલાઓને સુરક્ષિત કરશું. પરિવારની મહિલાઓને માનસન્માન બક્ષી એમને સમકક્ષ ગણીશું. યુવકો દહેજ પ્રત્યે વિરોધ દર્શાવશે. સ્ત્રી ભૃણ હત્યા કદીએ ન કરાવીશું. દીકરીને દીકરા જેટલું મહત્વ આપીશું, કયાંય પણ કોઇ યુવતી કે બાળકીનું શોષણ થતું દેખાશે તો તરત જ સતર્ક થઇ પોલીસતંત્રને જાણ કરીશું. સ્ત્રી સન્માનની ભાવના આખા વર્ષ દરમિયાન દાખવશું તો વિશ્વ મહિલાદીન સાર્થક થશે! બાકી એક દિવસ સ્ત્રી સન્માનના વાવટા સંદેશા દ્વારા લહેરાવવાથી ૩૬૪ દિ. સ્ત્રીનું અપમાન યોગ્ય ન જ કહેવાય! મહિલાઓએ પણ આત્મ સન્માનની ભાવના અવશ્ય જાગ્રત કરવી જ જોઇએ. સ્વયંની સુરક્ષા મહિલાઓના હાથમાં જ છે.
સુરત – નેહા શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહિલા દિન કયારે સાર્થક ગણાય?
By
Posted on