Comments

સ્ટાર્ટ અપને ટેકો આપતી નીતિઓનું સ્ટાર્ટ અપ કયારે?

ટેકનોલોજી અને નવીનીકરણ મજબૂત અને ટકાઉ આર્થિક વિકાસનો પાયો છે,જેને વિકસાવવાની જવાબદારી ઉદ્યોગ અને વ્યાપાર સાહસિકોની ગણાય. વિશ્વના જે અર્થતંત્ર ફાલ્યાં અને ટકી રહ્યાં તેમના વિકાસની યાત્રામાં આ બંને પરિબળોનું મોટું યોગદાન છે. આજે સ્ટાર્ટઅપ કહેવાતા વ્યાપારના પાયામાં નવીનીકરણ જ છે, જે એને અન્ય ધંધા કરતાં જુદા પાડે છે. કોઈ પણ દેશની આર્થિક પ્રગતિ માટે સ્ટાર્ટ અપને વિકસાવવાં જરૂરી છે.‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના બેનર હેઠળ પાછલાં દસ વર્ષ દરમ્યાન ભારતમાં સ્ટાર્ટ અપ અર્થતંત્ર ઠીક ઠીક પાંગર્યું છે.

આજે ૧.૫ લાખ સ્ટાર્ટ અપની સાથે ભારતનું સ્થાન વિશ્વમાં ત્રીજું છે.  પણ શું ભારતનાં સ્ટાર્ટ અપ ટેકનોલોજીમાં નવીનીકરણ પર કામ કરે છે? શું પાંચ ટ્રિલિયનનાં અર્થતંત્ર બનવા માટે એમની પ્રવૃત્તિઓ પર આધાર રાખી શકાય? આ મહત્ત્વના સવાલો ઘણા સમયથી પૂછાતા રહ્યા છે અને ભારતની સરખામણી સીધી ચીન સાથે થતી રહી છે. વિશ્વનું ૪૦ ટકા વેન્ચર કેપિટલ ચીનમાં જાય છે જ્યારે ભારતમાં માત્ર પાંચ ટકા આવે છે. ચીનમાં ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ અપ વિકસાવવામાં કરોડો ડોલરનું રોકાણ થાય છે.

AI આધારિત ઉદ્યોગોનાં મોડેલ ત્યાંના વેપારના વિકાસનું એન્જીન છે. જ્યારે ભારતમાં ઈ-કોમર્સમાં વધુ રોકાણ થાય છે. તાજેતરમાં આ સરખામણી કરતી ટીપ્પણી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટ અપ મહાકુંભમાં કરી.ગોયલે કહ્યું કે ઘણાં સ્ટાર્ટઅપો મૂળભૂત ટેક્નોલોજી સર્જ્યા વિના માત્ર જે ટેકનોલોજી ઉપલબ્ધ છે એના માળખા પર આધારિત સેવા આપે છે – જેમ કે ફુડ ડિલિવરી,ટેક્સીરાઈડ બુકિંગ, ફેશન,ઓન લાઈન સટ્ટાબાજી, ઘરે કરિયાણું પહોંચાડતી એપ.

તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જ્યારે ‘તેઓ’ (એટલે કે ચીન)  મશીન લર્નિંગ, રોબોટિક્સ અને “આગામી પેઢીની ફેક્ટરીઓ” ઊભી કરી રહ્યા છે જે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે, ત્યારે ભારતના સ્ટાર્ટ અપ્સ હજુ પણ ગ્લૂટન-મુક્ત આઈસ્ક્રીમ જેવી લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની વાતમાં ઉદ્યોગ સાહસિકો સામે ફરિયાદનો સૂર હતો. મહાકુંભ જેવા પ્રસંગે સૌને વાણિજ્ય મંત્રી પાસે પ્રોત્સાહનની અપેક્ષા હતી ત્યારે મંત્રીશ્રીના કડક વલણે સૌને ચોંકાવી દીધાં.

પિયુષ ગોયલે ઉઠાવેલા મુદ્દા ખોટા નથી. બિઝનેઝ સ્ટાન્ડર્ડ પ્રમાણે ૨૦૨૩માં ભારતનાં સ્ટાર્ટઅપના માત્ર ૫ ટકા જેટલું મૂડીરોકાણ ટેકનોલોજી સેક્ટરમાં થયું જ્યારે ચીનમાં ૩૫ ટકા જેટલું થયું! ભારતમાં સંશોધનની સંસ્કૃતિ નબળી જ રહી છે. જ્યાંથી ઓછા રોકાણે ત્વરિત વળતર મળે એવી દિશામાં મૂડી રોકાણનો પ્રવાહ દેખાય. ડિલીવરી એપ પ્લેટફોર્મમાં કરેલ રોકાણથી ઝડપથી વળતર મળે છે, કારણ કે શહેરી મધ્યમ વર્ગ ખૂબ ઝડપથી ‘ક્વિક કોમર્સ’ તરફ વળી રહ્યો છે.

ઘરે બેઠા કરિયાણું અને હોટેલમાંથી ખાવાનું આવે એ સગવડ ઝડપથી વેચાઈ રહી છે. જ્યારે બીજી તરફ  ટેકનોલોજીના નવીનીકરણ પર આધારિત વેપારમાં અનિશ્ચિતતા છે. ટેકનોલોજીમાં સંશોધન કરવા જરૂરી માળખાકીય સવલતો પણ અપૂરતી છે અને જોખમ લાંબા ગાળાનું છે એટલે નથી બેન્કોને રસ પડતો કે નથી ખાનગી રોકાણકારોને! રોજગારીની તકો પણ ગીગવર્કર માટે થઇ રહી છે જેમને નોકરીની કોઈ નિશ્ચિતતા નથી કે નથી મળતા કોઈ લાભ.

કોઈ પણ વેપારી ભારતની વિકાસયાત્રામાં જોડાવા માંગે છે પણ પહેલો તો પોતાનો ખાનગી લાભ જ જોવાના. વેપારમાં રોકાણનું જોખમ લેવા માટે રાષ્ટ્રપ્રેમ કામ આવતો નથી. એને માટે તો સરકાર તરફથી ઠોસ પ્રોત્સાહન જ જોઈએ. આ જ મુદ્દો પિયુષ ગોયલ ચૂકી ગયા. ચીનમાં ટેકનોલોજી સેકટરને  ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલું રોકાણ સરકાર તરફથી મળ્યું જે ભારતમાં થતાં રોકાણ કરતાં દસ ગણું વધારે છે. ત્યાં હાઈ-ટેક કંપનીઓને ટેક્સમાંથી રાહત આપી  પ્રોત્સાહન આપ્યું છે. સંશોધન પાછળ દેશની જી.ડી.પી.ના લગભગ ૨.૪ ટકા જેટલાં નાણાં વપરાય છે જ્યારે ભારતમાં ૦.૬ ટકા જેટલાં! ચીનના ખાનગી ઉદ્યોગો પણ ભારતની સરખામણીએ બમણા નાણાં સંશોધન માટે વાપરે છે.આ માનસિકતા અને સંસ્કૃતિને બદલવા જ સરકારની ભૂમિકા બહુ અગત્યની બને છે.

આ સંદર્ભે ભારતના સ્ટાર્ટ અપ સેકટરમાંથી આવેલી પ્રતિક્રિયાથી વ્યાપાર જગતને કામ કરવામાં પડતી મુશ્કેલીઓનો અંદાજ આવે છે. એક્સ (ટ્વીટર) પર ચાલેલી ચર્ચામાં ઘણાં લોકોએ મુક્ત મને સરકારી તંત્ર અને સરકારી નીતિઓની ટીકા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટિપ્પણી વર્તમાન સરકારના સમર્થક વર્ગમાંથી આવી છે. લોન મેળવવા પડતી મુશ્કેલીઓ, જી.એસ.ટી.ના પેચીદા ઢાંચાને કારણે ઊભી થતી મુશ્કેલી,આયાત થતાં કાચા માલ પર લાગતા ઊંચા ટેક્સ તેમજ બાબુશાહીમાં અટવાઈ જતી ફાઈલો જેવાં અનેક વિઘ્નો ઉપરાંત સરકારી તંત્રમાં રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે નવા સ્ટાર્ટ અપ ઉદ્યોગોને પડતી મુશ્કેલીની વાત પણ ઊઠી. ૨૦૨૪માં થયેલા એક સર્વે પ્રમાણે લગભગ ૬૪ ટકા ઉદ્યોગ સાહસિકોએ કબુલ્યું હતું કે તેમણે સરકારી કામ પૂરું કરાવવા લાંચ આપી હતી. ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત’નો વાયદો તો સપનું જ બની રહ્યો છે. ભારતે આર્થિક પ્રગતિ કરવી હશે તો દેશનો વેપારી વર્ગ શું કહી રહ્યો છે એ સમજવું  પડશે. સરકાર નીતિ બદલવાનું ક્યારે ‘સ્ટાર્ટ અપ’ કરી રહી છે?
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top