જેમ 2020-2021માં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. પરિણામે અસંખ્ય આબાલવૃધ્ધ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. એ જ કોરોનાથી પણ વધારે હાહાકાર મચાવનારો અર્થાત્ ચપ્પુવાળાઓ કાયદાના કોઈ પણ ડર વગર સમાજમાં ઘૂમી રહ્યા છે અને તદ્દન નજીવી બાબતોએ નિર્દોષ લોકોને ચપ્પુ હુલાવીને ખૂન કરી નાંખે છે. ચપ્પુધારક નશેડી જો દારૂ પીવાના પૈસા માગે અને જો નહીં આપવામાં આવે એટલે બસ પેલો નશેડી ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને પેલી વ્યક્તિને જીવલેણ ઘા ઠોકીને મારી નાંખે છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ગમે તેમ ગાડીઓ ચલાવનારાઓને સાધારણ શબ્દોમાં કહેવામાં આવે કે ભાઇઓ જરા જોઇ-વિચારીને ગાડી ચલાવો તો સારું. બસ આટલી જ વાત. ચપ્પુ કાઢીને કહેનાર વ્યક્તિ ઉપર સાત પેઢીનું વેર વસુલતા હોય એમ ધડાધડ ઘા કરીને ચપ્પુધારકો નાસી છૂટતા હોય છે.
આમ અનેક નાની-બાબતોમાં ચપ્પુઓવાળા બેફામ બનતાં જોઇ શકાય છે. કરુણાની વાત તો એ છે કે હવે સગીરો પણ ખિસ્સામાં ચપ્પુ રાખતા થઇ ગયા છે. શાળા અને હાઇસ્કૂલોમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ દફતરોમાં ચપ્પુ રાખતા થઇ ગયા છે. આમ હમણાં હમણાં તો ચપ્પુ ઘુસાડી દઇ વ્યક્તિને મારી નાંખવાના બનાવો રોજે રોજ બનતા હોય છે. એમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. આ ચપ્પુ કલ્ચર ઉપર નિયંત્રણ લાવવા માટે રાજ્યમાં અને ખાસ કરીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવાં શહેરોમાં ચપ્પુ ઉપર બેન લાવવો જ જોઇએ. ચપ્પુવાળો પકડાય એટલે એને જેલભેગો જ કરવો જોઇએ. રાજ્યનું ગૃહખાતું ચપ્પુનિષેધનો કાયદો સત્વરે લાવે એ સમયની માગ છે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
