ગરમી હવે દિનપ્રતિદિન નવા ને નવા રેકોર્ડ બનાવતી જાય છે. ઘાતકી ઉનાળો દેશ અને દુનિયાના આર્થિક તંત્ર માટે, જીવો માટે, પર્યાવરણ માટે અતિ નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે. સખત ગરમી તમામ જિંદગી માટે જોખમી છે. દેશમાં માંડ 10 ટકા લોકો પાસે એ.સી.ની સવલત હશે. બાકીનાં? વૃક્ષોની માવજત આસાન નથી. પણ ધડ દઇને આપણે કાપી નાંખીએ છીએ. વૃક્ષો એસી. કરતાં સારી ઠંડક કુદરતી રીતે આપે છે. ભારતમાં પર વ્યકિત 28 વૃક્ષો છે. યુ.કે. માં 47 છે, ચાઇનામાં 130 છે. અમેરિકામાં 699 છે. ઓસ્ટ્રેલિયામાં 3266 છે. ગ્રીનલેન્ડમાં 4664 છે. કેનેડેમાં 10163 છે. આ આંકડો જ બતાવે છે આપણે કયાં છીએ. એક તો આપણે ત્યાં વસ્તી વિશાળ છે. જરૂરિયાત વધતી જ રહે છે. વિકાસ હરણફાળ છે. સિમેન્ટ કોંક્રીટનાં જંગલો વધી રહ્યાં છે. સરકારથી લઇને કોઇ જ ગંભીર નથી. મિશન ગ્રીન રાહ જુઓ છે. ચાલો, પહેલા વરસાદે વૃક્ષારોપણની શરૂઆત આપણાથી જ કરીએ.
સુરત – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સાધુ કે રૂપ મેં શેતાન
રાજકોટના એક ગ્રામ્ય વિસ્તારના એક સંતે નકલી લગ્ન કરી યુવતીને ફસાવી હોવાના અહેવાલ અખબારી આલમ દ્વારા જાણવા મળ્યા. સંત એટલે શું? જે મોહ, કામ, ક્રોધ વિ. બાબતથી મુક્ત થયા હોય છે. એટલે સન્યાસી પણ કહેવાય છે. પણ મનોવૃત્તિ પર કાબૂ ન હોય તો સંત થવાનું યોગ્ય કહેવાય? સંસારમાં રહીને તમામ ભોગ ભોગવતા તમને કોણ રોકે છે? શું કામ સંતના અંચળા હેઠળ આવાં દુષ્કૃત્યો કરો છો? અને ચેલાને ગુરુજી પણ યુવતીને ધમકી આપવામાં મદદ કરે! શિષ્યને સન્માર્ગે વાળવાને બદલે એને દુષ્કર્મમાં પ્રોત્સાહન આપવાનું કયા ગુરુને શોભે?
અને ફેઈસબુકની મૈત્રી ક્યારેક અનહદ બદનામી કરે છે એની ચેતવણી યુવતીઓને વારંવાર અખબારો દ્વારા મળે જ છે! અને વારંવાર બોલાવી શારીરિક શોષણ એ સંત દ્વારા થતું હતું તો યુવતી ‘’અબુધ’’ હતી કે એને સ્વયંની સાથે શું થાય છે એનું ‘’જ્ઞાન’’ ન થાય?!! જ્યાં સુધી બહેનો, યુવતીઓ, મહિલાઓ આવા દંભી સાધુસંતોથી અભિભૂત રહેશે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટતી જ (બનતી જ) રહેવાની! સાધુ વેશે શેતાન ન બનો. સાચા સાધુત્વને લાંછન ન લગાડો. સંસારમાં રહીને જ તમામ ભોગ ભોગવો. કોઈ યુવતીનું જીવન બરબાદ ન કરો. યુવતીઓએ પણ સતર્ક રહેવું અત્યંત જરૂરી. જેથી ચરિત્રહનન ન થાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.