Columns

માણસ વૃદ્ધ ક્યારે થાય

એક દિવસ દરબારમાં અકબર બાદશાહે અચાનક બીરબલને એક વિચિત્ર સવાલ પૂછ્યો, બાદશાહ બોલ્યા, ‘‘બીરબલ, મારે જાણવું છે કે કયારે અને કઈ ઉંમરના દરવાજે પહોંચીને માણસ વૃદ્ધ થવા લાગે છે?’’ બીરબલ આવો વિચિત્ર સવાલ સાંભળી વિચારમાં પડ્યા અને બીજા બધા દરબારીઓ મનમાં રાજી થયા કે આજે બીરબલ જવાબ નહિ આપી શકે તો તેની ફજેતી થશે.

ચતુર બીરબલે વિચારીને માર્ગ કાઢ્યો અને કહ્યું, ‘‘જહાંપનાહ, આપનો સવાલ ઘણો કઠીન છે. શું હું શાંતિથી વિચારીને આવતી કાલે જવાબ આપું તો ચાલશે?’’ અકબર બાદશાહે કહ્યું, ‘‘ઠીક છે બીરબલ, હું તને વિચારવા માટે એક દિવસનો સમય આપું છું પણ આવતી કાલે બરાબર આ સમયે મને જવાબ મળવો જોઈએ.’’ બીરબલ દરબાર પૂરો થતાં ઘરે જવા નીકળ્યા અને આખા રસ્તે તેઓ આ સવાલનો જવાબ વિચારી રહ્યા પણ કોઈ સચોટ ઉત્તર મળતો ન હતો.ઘરે પહોંચીને પણ બીરબલ સતત વિચારમાં હતા. રાત્રે ભોજન પણ બરાબર ન કર્યું. બીરબલની પત્નીએ પૂછ્યું, ‘‘આપ બરાબર જમ્યા નહિ, કંઈ બોલતા નથી, શું વિચારો છો?’’

બીરબલે કહ્યું, ‘‘બાદશાહે મને એક વિચિત્ર સવાલ પૂછ્યો છે તેનો જવાબ વિચારી રહ્યો છું.’’ દીકરાએ પૂછ્યું, ‘‘શું સવાલ છે જેનો જવાબ તમારી પાસે નથી?’’ બીરબલે સવાલ કહ્યો કે ‘જીવનમાં કયારે અને કઈ ઉંમરના દરવાજે પહોંચીને માણસ વૃધ્ધ થવા લાગે છે?’’ દીકરાએ જવાબ આપ્યો, ‘‘મારા હિસાબે જયારે વાળ સફેદ થવા લાગે ત્યારે …’’બીરબલ બોલ્યા, ‘‘ના, ઘણાં લોકોના વાળ જુવાનીમાં પણ સફેદ થઈ જતા હોય છે.’’

બીરબલ આખી રાત વિચારતા રહ્યા…વહેલી સવારે તેમને જવાબ સૂઝ્યો. દરબારના સમયે તેઓ દરબારમાં પહોંચી ગયા.બાદશાહે તરત પૂછ્યું, ‘‘બીરબલ, મારા સવાલનો જવાબ મળ્યો?’’ બીરબલે વિનમ્રતા સાથે ઊભા થઈને કહ્યું, ‘‘જહાંપનાહ, હા, ઉત્તર મળી ગયો છે તે છે ‘ચિંતા.’ જીવનમાં કોઈ પણ ઉંમર હોય જે દિવસથી માણસને કોઈ ચિંતા સતાવવા લાગે છે તે દિવસ અને તે ક્ષણથી માણસ વૃદ્ધ થવા લાગે છે.

જ્યાં સુધી કોઈ ચિંતા નથી હોતી, મનમાં શાંતિ હોય છે ત્યાં સુધી માણસ કોઇ પણ ઉંમર હોય ખુશ,ચહેરા પર તાજગી ,આંખોમાં ચમક અને ચાલમાં આત્મવિશ્વાસ સાથે જવાન જ લાગે છે પણ જે દિવસે કોઈ સમસ્યા, કોઈ ડર, કોઈ ભૂલ, કોઈ પસ્તાવાના કારણે તેને કોઈ ચિંતા થવા લાગે છે તે ક્ષણથી તેની રાતોની ઊંઘ હરામ થઈ જાય છે, તેની ખુશી ગાયબ થઈ જાય છે અને તે અંદર આત્મા સુધી થાકી જાય છે અને ત્યારે તેની ઉંમર કંઈ પણ હોય તે વૃધ્ધ થવા લાગે છે.’’બીરબલે એકદમ સટીક જવાબ આપ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top