Vadodara

શહેરના હૃદય સમાન વિશ્વામિત્રીની હાર્ટ સર્જરી ક્યારે?

વડોદરા: વડોદરાના હૃદય સમાન વિશ્વામિત્રીની ધોરીનસો હાલમાં બ્લોક થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ ધોરીનસો ખોલવા માટે તેની સર્જરી કરવાની જરૂર વર્તાઈ રહી છે. સર્જરી માટે વર્ષો અગાઉ પ્લાન તો ઘડી નાખયો છે પરંતુ તેનો પ્રોજેક્ટ રિપોર્ટ હજુ તૈયાર થઇ રહ્યો છે. અને બની શકે કે આ પ્રોજેક્ટ રિપોર્ટ આવતા અને તેનું અમલીકરણ કરતા હજુ વર્ષોના વ્હાણા વીતી જાય. પરંતુ એકે એક વડોદરાવાસી વિશ્વામિત્રી સાથે દિલથી જોડાયેલો છે. નેતાઓ કદાચ તેનાથી અળગા હોઈ શકે પરંતુ વડોદરાવાસીઓ વાતને વાચા આપવા ગુજરાત મિત્ર મુહિમ ચલાવશે. અને વિશ્વામિત્રી હંમેશા વહેતી રહે તે માટે તંત્રનું સતત ધ્યાન દોરતું રહેશે.

વિશ્વામિત્રી નદી એ મહી નદી અને નર્મદા નદીની વચ્ચે વહેતી નદી છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી આ નદીનું મૂળ પાવાગઢ ડુંગર છે. આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલાં ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે. ડોદરાના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં વડોદરાના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે.

વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે. તેમ છતાં આ નદી 100 થી વધુ મગરોનું ઘર છે. મગર માટે આ નદી આશ્રયસ્થાન ગણવામાં આવે છે. ભારતમાં આવેલી કદાચ આ એવી એક માત્ર નદી છે જે શહેરની મધ્યેથી પસાર થાય છે અને ખુબજ નાનો પટ ધરાવતી હોવા છતાં તેમાં મોટી સંખ્યામાં મગરો છે. ભારતની આ એકમાત્ર એવી નદી હશે કે જે કદાચ શહેરની મધ્યમાંથી પસાર થતી હશે.

વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને રિવર ફ્રન્ટ માટેનો પ્રોજેક્ટ વર્ષો અગાઉ મુકવામાં આવ્યો હતો. જો કે વચ્ચે કેટલાક અવરોધોના કારણે આ પ્રોજેક્ટ માળિયા ઉપર ચઢી ગયો છે. જે નેતાઓ વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ માટે મોટો મોટી વાતો કરીને લોકોની વચ્ચે ચૂંટાઈ આવ્યા હતા તેઓ હવે આ પ્રોજેક્ટ માટે વાત પણ નથી કરી રહ્યા જે દુઃખદ બાબત છે. ત્યારે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ગુજરાત મિત્ર પણ મુહિમ ચલાવશે. જેમાં પ્રજાને પણ જોડાઈ તેઓના પણ વિચારો વ્યક્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top