અલોહાનેટ. આ નામની કંપની 1994માં બની છે. અલોહાનેટનું નામ કાને પડે કે આંખ સામે આવે તો આપણને સામાન્ય રીતે એ નામની ટેકનોલોજી કંપની સાંભરે છે, પણ એ નામે થયેલી એક ક્રાંતિ યાદ આવતી નથી. એ નામે એક એવી ક્રાંતિ થઈ હતી જેણે 20મી સદીના અંતને તો બદલ્યો જ બદલ્યો, પરંતુ 21મી સદીના બે દશકા પર નામ કોતરાવી દીધું. એ ક્રાંતિનું નામ છે – વાયરલેસ કમ્પ્યુટર કોમ્યુનિકેશન.
નોર્મેન એબ્રમ્સન નામના અમેરિકન યુવાને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી Ph.D પૂરું કર્યું. એ પછી સ્ટેનફોર્ડમાં જ વિઝિટર પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ થઈ. 8-10 વર્ષમાં તેમને હવાઈ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને પ્રોફેસર તરીકે તક મળી. જ્યારે તેમનું સ્ટડી ચાલતું હતું ત્યારે તેમણે એક એરક્રાફ્ટ કંપનીમાં પાર્ટટાઈમ રીસર્ચ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. એમાં તેમને કમ્પ્યુટર એન્જિનિયરિંગના ક્ષેત્રનું બહુ જ ઉપયોગી પ્રેક્ટિકલ નોલેજ મળ્યું. એ નોલેજ આગળ જતાં વાયરલેસ કમ્પ્યુટર સિસ્ટમ વિકસાવવામાં પણ મદદરૂપ બન્યું. હવાઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા પછી સંશોધનની તક વધી.
એક રીતે હવાઈ નોર્મેન એબ્રમ્સન માટે શુકનવંતુ સાબિત થયું. સર્ફિંગના શોખીન નોર્મેન દરિયાનાં મોજાં પર સવાર થઈને એક દિવસ સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના દિમાગમાં વાયરલેસ કમ્પ્યુટરિંગનો વિચાર ઝબકી ગયો. મોજાં જે રીતે આપમેળે મૂવ થાય છે એ જ રીતે તરંગોની મદદથી ડેટા પણ વાયર વગર મૂવ કરાવી શકાય-એ વિચારે તેમનો સંશોધનનો નજરિયો બદલી નાખ્યો.
હવાઈ યુનિવર્સિટીમાં એક સમયે એક જ કમ્પ્યુટર હતું, જેના આધારે દરેકને ડેટાનો એક્સેસ મળતો હતો. ફોર્મ ભરવા માટે એ વખતે પ્રયોગ ખાતર યુનિવર્સિટીએ કમ્પ્યુટર પ્રયોજ્યું હતું પણ એ માટે દિવસો પછી વારો આવતો હતો. ઘણા વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર્સ વસાવ્યા હોવા છતાં તેમને એક્સેસ મળે એવું શક્ય ન હતું. એ વખતે અમેરિકામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે માર્કેટમાં કમ્પ્યુટર્સ ઉપલબ્ધ બની ગયા હતા પરંતુ યુનિવર્સિટીમાં પણ બધાના કમ્પ્યુટર્સ જોડી શકાય એવી સિસ્ટમ વિકસી ન હતી.
હવાઈ યુનિવર્સિટી માટે તમામને વાયરથી કનેક્શન આપવું શક્ય ન હતું. એ મુશ્કેલી પામીને નોર્મેન એબ્રમ્સને રેડિયો તરંગોની ટેક્નિકને બેઝ બનાવીને વાયરલેસ કમ્પ્યુટર સિસ્ટમ વિકસાવવાની દિશામાં કામ કર્યું. વાયર વગર કમ્પ્યુટર્સના ડેટાને એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય તે માટે તેમણે મહિનાઓ સુધી પ્રયોગો કર્યા. એ પહેલાં રડાર સિગ્નલ પર તેમણે અઢળક રીસર્ચ કર્યું હતું. ફ્રિકવન્સી મોડયુલેશન પર પણ અપાર અભ્યાસ કર્યો હતો. તેમણે ડિજિટલ કોમ્યુનિકેશનને લગતા રીસર્ચ પેપર્સ રજૂ કર્યા. માત્ર રડાર સિગ્નલ કે વાયરલેસ કમ્પ્યુટરમાં જ નહીં પરંતુ એરર કરેક્ટિંગ કોડમાં પણ તેમનું નોંધપાત્ર અને પાયાનું પ્રદાન છે.
થોડાંક વર્ષની મહેનત પછી અને અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી પર પ્રયોગો કર્યા પછી 1971માં તેમણે હવાઈ યુનિવર્સિટીના માસ્ટર કમ્પ્યુટરના ડેટાને વાયરલેસ ટેક્નિકથી અન્ય કમ્પ્યુટર્સ સાથે જોડી દીધા. તેમનું આ કામ અલોહાનેટના નામથી ઓળખાયું. ઘણાં સંશોધકો આ ક્રાંતિને ‘ઓનલાઈન’ની શરૂઆત પાછળ પણ જવાબદાર ગણાવે છે. તેમણે જે સંશોધન હાથ ધર્યું હતું એ પ્રોજેક્ટનું નામ અલોહા સિસ્ટમ રાખ્યું હતું. એ દિશામાં આટલું કામ થયા પછી પણ તેમણે બીજા દોઢ દશકા સુધી વાયરલેસ સિસ્ટમને બહેતર બનાવવા માટે મથામણ ચાલુ રાખી. તેના પરિણામે 80ના દશકામાં સ્પ્રેડ સ્પેક્ટ્રમ ટેક્નિક ડેવલપ થઈ. નિવૃત્તિ પછી તેમણે 1994માં અલોહા સિસ્ટમ્સ નામની કંપની સ્થાપી.
એ કંપની વાયરલેસ કોમ્યુનિકેશન ક્ષેત્રે દુનિયાભરની ટેકનો કંપનીઓને ટેક્નિકલ માર્ગદર્શન આપતી હતી. ઘણી સ્માર્ટફોન કંપનીએ મોબાઈલમાં ઈન્ફ્રારેડ, બ્લુટૂથ અને WI-FIની સર્વિસ શરૂ કરી ત્યારે અલોહા સિસ્ટમ્સે એટલે કે નોર્મેન એબ્રમ્સને ટેકનિકલ સપોર્ટ આપ્યો હતો. તેમની વાયરલેસ ટેક્નિક પરથી જ પ્રેરિત થઈને 90ના દશકામાં મોબાઈલ નેટવર્ક અવેલેબલ બન્યું હતું. મોબાઈલ નેટવર્ક અને WI-FI સર્વિસ અલોહાનેટને આભારી છે. 1980 પછી 1G નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું ત્યારે વાયરલેસ સિગ્નલ આપવાની પદ્ધતિમાં અલોહાનેટની વાયરલેસ ટેક્નિક્સની બેઠી નકલ કરવામાં આવી હતી. વાયરલેસ કમ્પ્યુટર કોમ્યુનિકેશનમાં પાયાનું પ્રદાન આપવા બદલ નોર્મેન એબ્રમ્સનને ધ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સે પારિતોષિક આપ્યું હતું. રેડિયો તરંગો અને વાયરલેસમાં ટોચના 6 સંશોધકોમાં તેમને માનભેર સ્થાન આપવામાં આવે છે.
1990 પછી વાયરલેસ રિવોલ્યુશન શરૂ થયું ત્યારથી તો દરેક સર્વિસમાં નોર્મેનના મૂળ કોડિંગમાંથી કોપી-પેસ્ટ થઈ રહ્યું છે. આજે કમ્પ્યુટર્સ, લેપટોપથી લઈને સ્માર્ટફોન સહિતના કેટલાંય ડિવાઈસમાં વાયરલેસ સિસ્ટમ અભિન્ન હિસ્સો છે. વાયરલેસ ટેક્નિક વગર આજની ડિજિટલ ક્રાંતિની કલ્પના થઈ શકે તેમ નથી. આપણે એક સાદો મેસેજ કરીએ તેનાથી લઈને WI-FI કનેક્ટ કરીએ ત્યાં સુધીની તમામ સુવિધા નોર્મેનની વાયરલેસ પદ્ધતિને આભારી છે. ઈનફેક્ટ, સેટેલાઈટ ઈન્ટરનેટ પણ આ જ પદ્ધતિથી કામ કરે છે.
કોઈ એક ટેકનોલોજી આપણા હાથમાં પહોંચે તેની પાછળ કેટલાય દિમાગોની રાત-દિવસની મહેનત જવાબદાર છે. આપણા સ્માર્ટફોનમાં WI-FI કનેક્ટ કરતાં આપણને માંડ 5-7 સેકન્ડનો સમય લાગે છે પણ એ ટેકનિકને સ્માર્ટફોન સુધી પહોંચતા 5-7 દશકા લાગ્યા છે. બધી જ ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવતું હોય છે. એ જ રીતે વાયરલેસ ટેકનોલોજીમાં પણ ખૂબ પરિવર્તનો આવ્યાં છે, એટલે કોઈ એક સંશોધકને શોધનો સંપૂર્ણ યશ આપી શકાતો નથી. તેમ છતાં કેટલાક સંશોધકોને પાયો નાખવાનો યશ તો જરૂર મળે છે. વાયરલેસ કમ્પ્યુટરિંગ ટેકનોલોજીનો પાયો નાખવાનો શ્રેય નોર્મેન એબ્રમ્સનને મળે છે. નોર્મેન એબ્રમ્સને દાયકાઓ પહેલાં વાયરલેસ કમ્પ્યુટરિંગના ક્ષેત્રમાં સંગીન શરૂઆત કરીને એક મુકામ તય કર્યો હતો. એ જ પદ્ધતિ પરથી પછી WI-FIનો જન્મ થયો હતો.
– હરિત મુનશી