આંધ્રપ્રદેશથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તિરુપતિ જિલ્લાના થોટ્ટામ્બેડુમાં એક વ્યક્તિએ ઝેરી સાપને ચાવીને મારી નાંખતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારના લોકો ચોંકી ગયા છે. લોકો તે માણસ અને મૃત સાપને જોવા માટે તે માણસના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. નોંધપાત્ર વાત એ હતી કે સાપે પહેલા માણસને કરડ્યો હતો, ત્યારબાદ તે માણસે સાપને પકડી લીધો અને તેને દાંતથી ચાવીને મારી નાંખ્યો.
આ વિચિત્ર ઘટના ચિયાવરમ ગામ નજીક બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેંકટેશ ગુરુવારે મોડી રાત્રે નશાની હાલતમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને કાળા સાપ ડંશ માર્યો હતો. તેથી વેંકટેશને ગુસ્સો આવ્યો. નશામાં ધૂત વેંકટેશે સાપને પકડી લીધો અને દાંતથી કરડી મારી નાંખ્યો હતો.
મરેલો સાપ લઈ પથારીમાં સૂઈ ગયો
વેંકટેશ કરડતા સાપ મરી ગયો હતો. જોકે, ત્યાર બાદ પણ વેંકટેશે સાપને છોડ્યો નહોતો. તે સાપને પોતાની સાથે ઘરે લઈ આવ્યો હતો. મરેલા સાપને તેના પલંગ પાસે મૂક્યો અને તેની બાજુમાં સૂઈ ગયો. દરમિયાન શુક્રવાર સવાર સુધીમાં સાપનું ઝેર શરીરમાં ફેલાઈ જતાં વેંકટેશની હાલત ખરાબ થઈ ગઈ હતી.
સવારે બધાને આશ્ચર્ય થયું
સવારે જ્યારે તેમના પરિવારે આ ઘટના જોઈ, ત્યારે તેઓ ચોંકી ગયા. તેમણે વેંકટેશને પૂછપરછ કરી કે રાત્રે શું બન્યું હતું. થોડા સમય પછી વેંકટેશની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેમના પરિવારે તેમને શ્રીકાલહસ્તીની સરકારી પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ ગયા. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ તેમને અદ્યતન સારવાર માટે તિરુપતિની SVRR સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
સાપને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ
ઘરની અંદર સાપ જોવા માટે ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ. આ ઘટનાએ ચિયાવરમના રહેવાસીઓને આઘાત પહોંચાડ્યો છે, ઘણા લોકોએ તેને ભયાનક અને અવિશ્વસનીય ગણાવ્યું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વેંકટેશની હાલત હજુ પણ ગંભીર છે.
ક્રેટ સાપે ડંશ માર્યો હતો
ક્રેટ સાપને સામાન્ય ક્રેટ અને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રેટ સાપ ભારતમાં જોવા મળતા ઝેરી સાપમાંનો એક છે. તે ખૂબ જ ઝેરી છે. તેનો રંગ કાળો છે. તેના પર ચમકતા પટ્ટાઓ હોય છે. ક્રેટ સાપ મોટાભાગે રાત્રે બહાર નીકળે છે. તે ઘણીવાર ખેતરો, ઘરો અથવા ખુલ્લા ઝાડવાળા ખેતરોમાં જોવા મળે છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં, તે આશ્રય મેળવવા માટે વસાહતોમાં આવે છે. ક્રેટ સાપના ડંખની ખાસ વાત એ છે કે તેનાથી કોઈ દુખાવો થતો નથી. આ જ કારણ છે કે જ્યારે તે કોઈને કરડે છે, ત્યારે વ્યક્તિને લાંબા સમય સુધી તેનો અનુભવ થતો નથી. જોકે, ઝેર શરીરને ધીમે ધીમે અસર કરે છે.