આને કુદરતની એક અજાયબી કહી શકાય, છે તો એ ખારા પાણીનું જળાશય, પણ એના વિશાળ વિસ્તારને કારણે એને ‘સમુદ્ર’ કહેવામાં આવે છે. તે જગતનો સૌથી મોટો ભૂવેષ્ટિત એટલે કે રશિયા, અઝરબૈઝાન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાન તથા ઈરાનના ભૂમિ વિસ્તારોથી ઘેરાયેલો એટલે કે ચારે બાજુથી બંધ સમુદ્ર છે. તે દરિયાઈ સપાટીથી ૨૭૯ મીટર નીચો છે. તેની મહત્તમ ઊંડાઈ ૧૦૦૦ મી. જેટલી છે. વોલ્ગા ઉપરાંત અરબ, એમ્બા, ટરેક, કુરા અને અત્રેક નદીઓનું પાણી તેમાં ઠલવાય છે. અનેકવિધ જૈવ પ્રણાલિઓ તેમ જ મધ્ય એશિયાના વ્યાપાર અને સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર રહી ચૂકેલો કાસ્પિયન સમુદ્ર છેલ્લાં થોડાં વર્ષોમાં હવે પોતાના અસ્તિત્ત્વ માટે ઝઝૂમી રહ્યો છે. તેનું જળસ્તર સતત ઘટતું ચાલ્યું છે અને તેના તળ નીચેના સ્રોત ઊઘાડા થવા લાગ્યા છે. મરણોન્મુખ થઈ રહેલો આ સમુદ્ર કેટલું ટકશે એ સવાલ છે.
કાસ્પિયન સમુદ્રની વધુ વાત કરતાં અગાઉ મધ્ય એશિયામાં જ આવેલા અરલ સમુદ્રની વાત કરવા જેવી છે. ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની વચ્ચે આવેલું આ જળાશય પીઠા પાણીનું સરોવર હતું પણ તેના વિશાળ વિસ્તારને કારણે એ પણ સમુદ્ર તરીકે ઓળખાતું હતું. બે નદીઓનું પાણી તેને ભરેલું રાખતું હતું. એ સમયે સંયુક્ત સોવિયેત સંઘે આ નદીઓના પાણીને અરલને બદલે કપાસની ખેતી માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એ સાથે અરલ સમુદ્રના ધીમા મૃત્યુનો આરંભ થયો. ચાર સાડા ચાર દાયકા સુધી આ ક્રમ ચાલતો રહ્યો અને અચાનક ૧૯૯૦માં સમગ્ર વિશ્વનું ધ્યાન આ દુર્ઘટના તરફ દોરાયું.
ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એક સમયે જ્યાં પાણીનાં મોજાં ઉછળતાં હતાં ત્યાં હવે ધૂળ ઊડવા લાગી હતી. વહાણો કાટ ખાતાં ત્યાંનાં ત્યાં જ પડી રહ્યાં હતાં. છેલ્લા અહેવાલ અનુસાર આ સમુદ્રનો પંચોતેર ટકા ભાગ સૂકાઈ જઈને હવે કેવળ પચ્ચીસ ટકા ભાગ જ બચ્યો છે અને તેના ૯૦ ટકા જેટલો મીઠા પાણીનો જથ્થો નાશ પામ્યો છે. સમગ્ર વિસ્તારની જૈવ પ્રણાલિની સાથોસાથ અર્થતંત્ર પણ પડી ભાંગ્યું. પર્યાવરણ ક્ષેત્રે આ દુર્ઘટનાને વિશ્વની સૌથી મોટી દુર્ઘટના લેખવામાં આવે છે. હવે તેની જળ સપાટી વધારવાના ઉપાયો હાથ ધરાયા છે, પણ જે નુકસાન થઈ ગયું એને શી રીતે ભરપાઈ કરવું?
કાસ્પિયન સમુદ્રનો અંજામ આવો આવી શકે છે અને તેનો આરંભ થઈ ચૂક્યો છે. એક અભ્યાસ અનુસાર આ સદીના અંત લગી તેનો ૩૪ ટકા જેટલો વિસ્તાર અને અઢારેક મીટર જેટલું તળિયું સૂકાઈ જશે. છેલ્લી સદી દરમિયાન કાસ્પિયન સીલની વસતિમાં ૯૦ ટકા જેટલો ચિંતાજનક ઘટાડો થયો છે. એકાદ વર્ષ પહેલાં જ કઝાખસ્તાનના કાંઠે બે હજાર જેટલી સીલ મૃત અવસ્થામાં મળી આવી હતી અને આવી ઘટના કંઈ પહેલ-વહેલી વારની નથી. મૂળ વાત એ છે કે હજી એકાદ દાયકા અગાઉ આ જ સ્થળે પચ્ચીસેક હજાર સીલની ગણતરી કરવામાં આવી હતી અને ૨૦૨૦માં કઝાખસ્તાનની ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈડ્રોબાયોલોજી એન્ડ ઈકોલોજી દ્વારા કરાયેલા હવાઈ સર્વેક્ષણમાં સીલ સદંતર ગેરહાજર જણાઈ હતી. ઈન્ટરનેશનલ યુનિયન ફૉર નેચર્સ રેડ લિસ્ટ એસેસમેન્ટ દ્વારા કાસ્પિયન સ્ટર્જન પ્રકારની માછલીની એક સિવાયની તમામ પ્રજાતિને અતિશય સંકટગ્રસ્તની યાદીમાં મૂકાઈ છે. કાસ્પિયન સીલનો પણ એમાં સમાવેશ થઈ ગયો છે. આવનારી કરુણાંતિકાની આ નિશાની છે અને એ અંગે યોગ્ય પગલાં તાત્કાલિક ભરવામાં નહીં આવે તો મોટી પર્યાવરણીય દુર્ઘટના સર્જાવાનું જોખમ ઝળુંબી રહ્યું છે.
આમ થવાનું કારણ? મૂળમાં છે પેટ્રોલિયમ ઉદ્યોગ. કઝાખસ્તાનનાં મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત છે. વિશ્વનાં સૌથી વિશાળ ૧૦૦ તેલક્ષેત્રોમાં તેનું સ્થાન છે અને રાષ્ટ્રના અર્થતંત્રમાં તેનો મહત્ત્વનો હિસ્સો છે. સોવિયેત શાસનથી મુક્ત થયા પછી આ કંપનીઓ સાથે રાષ્ટ્રના કરાર સંયુક્તપણે કરાયા છે, જેથી રાષ્ટ્રને ઉત્પાદનમાં પણ હિસ્સો મળે. કઝાખસ્તાનના બંધારણ અનુસાર નૈસર્ગિક સંસાધનોની માલિકી રાષ્ટ્રના નાગરિકોની છે, નહીં કે સરકારની. જો કે, સરકાર દ્વારા આ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.
અલબત્ત, વદીમની નામના પર્યાવરણ કર્મશીલ આ સમુદ્રને મરતો અટકાવવા મેદાનમાં ઊતર્યા છે અને તેમણે ‘સેવ ધ કાસ્પિયન મુવમેન્ટ’ આરંભી છે. દેશના નૈસર્ગિક સંસાધનોને પોતાની નજર સામે નષ્ટ ન થવા દેવા માટે તેમણે કમર કસી છે. તેઓ જોરશોરથી કહી રહ્યા છે કે ગુપ્તતા અને નિષ્ક્રિયતાના દિવસો ગયા. હવે વિગતોને જાહેર કરીને લોકોને પોતાના હકથી માહિતગાર કરવાના છે. શાસકો દેશના નાગરિકોની અંધારામાં રાખીને કે તેમની જાણબહાર એવાં પગલાં ન ભરી શકે કે જેથી પર્યાવરણ પ્રણાલિને હાનિ થાય. તેમણે સરકારને અદાલતમાં ઢસડી જવાની કાર્યવાહી આરંભી છે.
બીજા પણ કેટલાંક જૂથો આ બાબતે સક્રિય બન્યાં છે, પણ કાસ્પિયન સમુદ્રની બેહાલી નજરે દેખાય એવી, અવગણી ન શકાય એ હદની છે. નાના-મોટાં પગલાં લેવાશે, પણ પેટ્રોલિયમ ઉદ્યોગનું શું? દેશના અર્થતંત્રનો મુખ્ય મદાર તેની પર રહેલો હોવાથી એ બાબતે કશું થઈ શકે તો એ ચમત્કારથી કમ નહીં હોય! દેશના લોકો કેટલી જાગૃતિ દર્શાવે છે, કેટલા સંગઠિત થાય છે અને દેખીતા આર્થિક લાભને જતા કરીને લાંબાગાળાના ફાયદા માટે સરકાર સાથે કેવી રીતે વાટાઘાટો કરી શકે છે એ આગામી સમયમાં મહત્ત્વનું બની રહેશે. પણ ત્યાં સુધીમાં નુકસાન સતત થતું રહેશે એ નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.