તા. ૩/૧૧ ના ગુજરાતમિત્રમાં સુરત મહાનગરપાલિકાની ફરિયાદ માટેની whatsapp વિશે લખાયું તે વિષય પર હું ચર્ચાપત્ર લખવા વિચારતો જ હતો અને ગુજરાતમિત્રએ પકડી લીધો અને વિગતે તેઓએ રજૂઆત કરી. મહાનગરપાલિકાના whatsapp માં હું વખતોવખત શહેરની સમસ્યાના ફોટા અને વિડિયો સહિત રજૂઆત કરું છું. પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમિત્રમાં જણાવ્યું તેમ જુદા જુદા 20 સવાલો પૂછવામાં આવે છે અને તે પુરા આપો તો જ ફરિયાદની નોંધ થતી હશે અને છેલ્લે આ ફરિયાદ ક્યાં પહોંચી તે અને ક્યાં કર્મચારીની જવાબદારીમાં આવે છે તેના નામ અને કર્મચારી નંબર સહિતની વિગત ફરિયાદીના મોબાઈલ પર પહોંચી જાય છે.
આ સારી સગવડ છે પણ આટલા બધા સવાલોના જવાબો દરેક ફરિયાદી આપવા બંધાયેલો નથી. મારી એક ફરિયાદ એક મહિના પહેલા 20 સવાલોના જવાબો આપી મેં મારી જવાબદારી અને જાગૃત નાગરિક હોવાની ફરજ પૂરી કરી પણ ત્યારબાદ એક માસ પછી મારે એ સ્થળે જવાનું થયું તો પાણી જે રીતે બગડી રહ્યું. મિત્રની મદદથી એ પાઇપમાં એક નાનો ડૂચો માર્યો અને મારી ફરજ બજાવ્યાનો સંતોષ માન્યો કે માનવો પડ્યો! એક માસ પહેલાની ફરિયાદ પર કામ જે કર્મચારીને ફરજમાં આવતો હતો તે એવી તે કેવી ફરજ બજાવી કે પાણીનો બગાડ યથાવત જ રહ્યો? આ ફરિયાદને કોઈ સુનાવણી કોઈ તપાસ કંઈ થશે કે પછી whatsapp ની જેમ કાગળનો વાઘ બનીને ચાલ્યા કરશે?
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.