Charchapatra

ભાષાને શું વળગે ભૂર,જે રણ જીતે તે શૂર

આપણા દેશમાં ભાષા જેટલા રાજ્ય એટલા વેશ છે અને રાજ્યમાં પણ બાર ગાવ બોલી બદલાય છે,ત્યારે ભાષાવાદના નામે રાજકીય રોટલા શેકીને સત્તાની સીડી બનાવનારાના દિવસો પુરા થઈ ગયા છે. હવે જમાનો ગ્લોબલાઈઝેશનનો છે,છતાં હજુ ભાષાવાદનું ભૂત હજુ ક્યારેક ધૂણે છે,કોઈક ભાષા વિશે બોલે એટલે સોશ્યલ મિડિયામાં લોકો કૂદી પડે અને કાગારોળ ચાલુ થઈ જાય છે, કોઈ પણ બોલે એમ કોઈ ભાષાનું મહત્ત્વ વધી કે ઘટી ના જાય કારણ કે આજના જમાનામાં પણ બધી જ ભાષા જરૂરી છે જેમ કે તમારે બેંગ્લોરમાં ધંધો કે નોકરી કરવી હોય તો કન્નડ ભાષાની જાણકારી જરૂરી છે તેવી જ રીતે તમિલનાડુમાં તમિલ ભાષા તો ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને વિદેશમાં અંગ્રેજી ભાષા તમારા રોજગાર અને આર્થિક ઉન્નતિ માટે જરૂરી છે.દરેક લોકોને પોતાની ભાષાનું ગૌરવ હોય છે અને હોવું જોઈએ,પણ બીજાની ભાષા પ્રત્યે નફરત ના હોવી જોઈએ.આપણા દેશમાં જાતિવાદ,કોમવાદ,ભાષાવાદ અને પ્રાંતવાદથી જે નુકસાન થયું છે તે ભરપાઈ થઈ શકે તેમ નથી.

આ બધા જ વાદ સમાજમાં ઝેર રેડવા સિવાય કશુંય કર્યું નથી અને એમાં રાજકારણ ભળે એટલે વોટ ભૂખ્યા દેશ બાળે અને આપણે પણ ગાડરિયા પ્રવાહમાં તણાઈ જઈએ છીએ અને નુકસાન થઈ જાય પછી બધું જ્ઞાન આવે છે.હિન્દી ભાષા વિરોધી આંદોલન અંગ્રેજ અનીતિ “બાંટો અને રાજ કરો” 1937 માં થયેલું અને 1965 માં રાજકીય કાગડાઓએ લાભ માટે ભાષાવાદનું ઝેર ઘોળ્યું તેમનું ભૂત હજુ પણ ધૂણે છે. આપણી હિન્દી ભાષા પ્રત્યે નફરત ફેલાવી પરંતુ એ જ લોકોને અંગ્રેજી પ્રત્યે પ્રેમ છે,એક વાત ચોક્કસ છે કે જે લોકો જે તે વિસ્તારની ભાષા જાણે છે,સમજે છે,બોલી કે લખી શકે છે,સારી સ્પીચ આપી શકે છે તે સફળ થઈ શકે છે,જેવો દેશ તેવો વેશ તેમ જેવો પ્રદેશ તેવી ભાષા શીખી લેવામાં ફાયદો જ છે.
સુરત – મનસુખ ટી.વાનાણી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

­

મોટાને મલાઇ નાના પર તવાઇ
હાલમાં જીએસટીની ચર્ચા વધારે પ્રમાણમાં થઇ રહી છે. આ ટેક્ષ ન ભરનાર રેડ પડતાં પકડાઇ છે. શું કરે કમાણી કરતાં ટેક્ષ વધારે!! કયાં ટેક્ષ નથી? જયારે વાહન ખરીદ કરી રજીસ્ટર કરવામાં આવે ત્યારે રોડ ટેક્ષ લેવામાં આવે છે તેમ છતાં હાઇ વે પર અનેક જગ્યાએ ટોલ ટેક્ષ ભરવો પડે. વાહન નવું ખરીદી ટેક્ષ, જુનું વાહન વેચો તેના પર પાછો ટેક્ષ, આ જ રીતે દરેક ખરીદ વેચાણ પર ટેક્ષ. લાઇટ બીલ, પાણીનું બીલ, ગેસ બીલ, ગેસના સિલિન્ડર પર ટેક્ષ. સામાન્ય જનતા મોંઘવારીમાં પીસાઇ રહી છે અને અબોલ થઇ ગઇ છે.

આવી ટેક્ષની મોટી રકમથી દેશની પ્રગતિ થતી હોય તો ઠીક પરંતુ જનતાના પસીનાની કમાણીનાં પંદર લાખ કરોડ (ગણિતનો શિક્ષક પણ મીંડાં ચઢાવવામાં ભૂલ કરે) જેટલી રકમ જયારે મોટા મોટા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે એટલે મોટાને મલાઇ નાના પર તવાઇ. દરેક નાગરિક સમજી શકે છે કે નાના લેણદાર લોનના પૈસા ભરપાઇ ન કરતાં તેની મિલકતની હરાજી કરવાની જાહેર નોટિસો દરેક સમાચારપત્રમાં જે તે બેંક મારફત આવે છે. જયારે પ્રજાના ટેક્ષના પૈસાની આટલી મોટી રકમની લોન જે મિલકત પર આપવામાં આવેલ એને હરાજી કરી પૈસા કેમ વસુલવામાં આવ્યા નહીં અને માફ કરવામાં આવ્યા?! મધ્યમ વર્ગ ગરીબી તરફ ધકેલાઇ રહ્યો છે અને ધનાઢય વર્ગ વધુ ને વધુ ધનવાન બનતા જાય છે.
અમરોલી          – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top