Vadodara

વૈભવી ઇમારતોના બિલ્ડરો માટે શ્રમજીવીની કિંમત કોડીની?

વડોદરા: શહેરમાં મસમોટી ઇમારતો બનવતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે મજૂરોના જીવની કિંમત કોડીની હોવાનું જણાઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા અને સલામતીના સાધનો વગર શ્રમજીવીઓને કામે લગાવી દેવામાં આવે છે. ગોત્રી રોડ ઉપર આવેલ જૂની આદર્શ હોસ્પિટલ અને હાલમાં એમ્પાયર – 1 નામની નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે ઘટેલી ઘટના બાદ તંત્રએ પણ જાગવાની જરૂર છે. અને શહેરમાં ચાલતી આવી કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર સુરક્ષાના સાધનો પૂરતા આપવામાં આવે છે કે કેમ તે ચકાસણી કરવી જોઈએ.

શહેરમાં જ્યાં જુઓ ત્યાં વિકાસની મોટી મોટી ઇમારતો જોવા મળે છે. જેટલી ઇમારતો બની ગઈ છે કદાચ એટલી જ હાલમાં નિર્માણાધીન છે. સિમેન્ટ કોન્ક્રીટના આ જંગલો ઉભા કરી રહેલ બિલ્ડરો માટે કામ કરતા શ્રમિકોની કોઈ કિંમત ન હોય તેમ લાગી રહ્યું છે. લક્ષ્મી લાલચુ બિલ્ડરો અને કોન્ટ્રાકટરો દ્વારા જરૂરી સુરક્ષા અને સલામતીના સાધનો વગર જ શ્રમિકો પાસે કામગીરી કરાવવામાં આવે છે. બિલ્ડરોને તો પોતાનો પ્રોફિટ જ દેખાતો હોય છે અને તેમાં કોઈનો ભોગ લેવાય તો લેવાય તેવી તેઓની માનસિકતા થઇ ગઈ છે. શહેરમાં હજારો સાઈટો નિર્માણાધીન છે. જેમાં સુરક્ષાના સાધનોની જો ચકાસણી કરવામાં આવે તો અનેક છીંડા બહાર આવી શકે તેમ છે.

બિલ્ડર સામે સહ અપરાધ માનવ વધનો ગુનો નોંધાશે?
એમ્પાયર – 1 ના નિર્માણાધીન બિલ્ડિંગમાં ભેખડ ધસી પડતા એક શ્રમજીવીનું મૃત્યુ થયું હતું જો કે આ ઘટનામાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે બિલ્ડર દ્વારા સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા ન હતા. ત્યારે આ ઘટનામાં બિલ્ડર સામે સહ અપરાધ માનવ વધનો ગુનો નોંધાશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.કારણ કે આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અથવા તો બિલ્ડરની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે. ત્યારે જવાબદારો સામે ઇપીકો 304 ની કલમ દાખલ કરવી જોઈએ તેવી પણ ચર્ચા છે.

પાલિકા તંત્ર માત્ર રજાચિઠ્ઠીમાં નિયમો લખી અને કોમન નોટિસ આપી છૂટી ગયું?
સામાન્ય રીતે નવી બિલ્ડિંગની પરવાનગી આપવાની હોય ત્યારે રજા ચિઠ્ઠીમાં વિવિધ નિયમો લખવામાં આવે છે અને બિલ્ડર તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા લેવાનાર પગલાં અંગે સૂચના આપવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ તેના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી નથી. પાલિકાના અધિકારીઓ ચકાસણી માટે જાય તો છે પરંતુ ચા – નાસ્તો કરીને જ પરત ફરતા હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટનામાં પણ પાલિકા દર વર્ષે ચોમાસામાં દરેક નિર્માણાધીન બિલ્ડિંગના બિલ્ડરોને નોટીસ આપે છે તે આપીને છૂટી ગઈ. ત્યારે પાલિકાની પણ જવાબદારી બને છે કે સમયાંતરે આવી સાઈટોની મુલાકાત લઇ કર્મચારીઓની સુરક્ષા અંગે ચકાસણી કરે

પોલીસ દ્વારા અકસ્માત મોત હેઠળ નોંધ કરાઈ
ગોત્રી રોડ ઉપર એમ્પાયર – 1 નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં સાઈટમાં એક તરફ ખાડામાં ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા. જે પૈકી 1 મજૂરનું મોત નીપજ્યું હતું. મજુરનો મૃતદેહ 2 કલાક સુધી માટીમાં દટાયેલો રહ્યો હતો અને મહામહેનતે તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગોત્રી પોલીસ દ્વારા હાલ સુધી માત્ર અકસ્માત મોત હેઠળ નોંધ લેવામાં આવી છે. ગોતી પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં બિલ્ડરના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top