રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં ધોળા દિવસે એક યુવતીના ગળા ઉપર એક વિકૃત માનસ ધરાવતો યુવાન ચપ્પુ ફેરવી મારી નાખે અને સામે ઊભેલું ટોળું વીડિયો ઉતારે ત્યારે સુરતના સપૂત અરદેશર કોટવાલ હયાત હોત તો ધરતીએ તેને સામે ચાલીને પોતાનામાં સમાવી લીધા હોત. અરદેશર કોટવાલ પોતાની હકૂમતમાં ફરમાન બહાર પાડતા કે ‘મારા રાજમાં કોઈએ રાત્રે બારણાં બંધ કરવાં નહીં. જે બારણાં બંધ કરે તેને હું દંડ કરીશ’. ચોરની મજાલ છે કે ‘મારા રાજમાં ચોરી કરે?!’ 1950 ના અરસાના લાલગેટ પર ઇન્સ્પેક્ટર પંડ્યાજી કે 1960 ના દાયકાના ઇન્સ્પેક્ટર અને છેલ્લા ડીએસપી બનેલા કાવસજી દારૂવાળા કે ચોકબજાર ઇન્સ્પેક્ટર સુથાર કે, મહિધરપુરાના જાંબાઝ કનેરિયા અને અન્ય પોલીસ કમિશનરો પી. કે. દત્તા અથવા બંસલ જેવા બાહોશ પોલીસ અધિકારીઓની કામગીરી યાદ કરો અને બહુ લાંબે નહીં જતાં છેલ્લા એક માસમાં સુરતમાં થયેલ ખૂન, ચોરી, ધાડ વગેરે જેવા ગુનાઓની વિગત એકઠી કરો અને પોલીસ કમિશનર અજયકુમાર તોમરની રોજની ડંફાસ ભેગી કરો તો ખબર પડશે કે સુરતમાં ગુનેગારો પર પોલીસની હાક – ધાક કેવી છે!? ખુલ્લેઆમ ખૂન થાય અને તેની વીડિયો ઉતરે અને મરનારની સ્મશાનયાત્રામાં 200 પોલીસની ફોજ જોડાય તેના જેવી કરુણ અને હાસ્યાસ્પદ પરિસ્થિતિ બીજી શું હોઈ શકે !? અને તે પણ ગૃહ મંત્રીના ગામમાં?!
સુરત – સુનીલ રા.બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.