વ્હાલા વાચકમિત્રો, ફરી એક શૈક્ષણિક વર્ષના અંતિમ પડાવ તરફ જઇ રહ્યા છીએ ત્યારે વાલીઓ, વિદ્યાર્થીઓ – ખાસ કરીને ધો. 10-12નાં- ઘણા બધા વિચારો, વાંચન છતાં કયાંક કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામની વાત આવે તો એને પ્રાથમિકતા આપી દેતા હોય છે. સામાન્ય રીતે વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓ જાન્યુઆરીથી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. મને યાદ છે કોરોના પહેલાંના વખતમાં સરદાર પટેલ યુનિવર્સિટીની બધી કોલેજોમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિષે માહિતીના પેમ્ફલેટ લઇને સુરતની કોઇ જગ્યાએ પ્રદર્શન રાખતા જેથી વાલી- વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મળતા વિકલ્પોથી માહિતગાર થાય. સાથે જ થોડાં વર્ષોથી વિવિધ જગ્યાએથી એજન્ટો પણ સગવડ આપે છે.
એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં એમની અપેક્ષા શું છે? 90 ટકા કરતાં વધારે સ્નાતકોએ કહયું કે જો અમને સમયસર એટલે કે ધો. 9 થી 10માં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધ વિકલ્પો, એના દ્વારા મળતી નોકરીની તકો, નોકરીમાં કયા પ્રકારનું કામ કરવાનું એ વિષે પૂરતી માહિતી મળી હતે તો અમે સ્નાતક કક્ષાએ વધુ સારી પસંદગી કરી શકયા હોત. મિત્રો, એક સંશોધક માટે સ્નાતકો દ્વારા અપાયેલાં સૂચનો બહુ જ મહત્ત્વના લાગ્યા. આપણે ત્યાં સામાન્ય રીતે પહેલા ભણો પછી કયા ક્ષેત્રે કામ કરશો તે વિચારો,ની લઢણ છે. જયારે પશ્ચિમી દેશોમાં મોટાભાગના વાલીઓ પોતાનાં સંતાનોને પૂછે કે તને કયા ક્ષેત્રમાં યોગદાન આપવાનું ગમશે. કેમકે આપણે આપણાં નોકરી/ધંધા કે વ્યવસાય દ્વારા સમાજમાં યોગદાન આપીએ છીએ અને સમાજને વધુ સાધનસંપન્ન બનાવી સુખ તરફ લઇ જતા હોઇએ છીએ.
છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનો સાથેના ક્રિયા પ્રતિક્રિયા- ઇન્ટરએક્શનમાં યુવાનો પૂછતા થયા કે કેટલા પગારવાળી નોકરી મળશે? એવા કોર્ષ વિષે પૂછે કે આ ભણવાથી નોકરીની શરૂઆત કેટલા રૂપિયાથી થાય? જે કોઇ સંસ્થા/શાળા/કોલેજ જયારે પણ કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે સમજવું પડે કે- કારકિર્દી માર્ગદર્શન એ વ્યકિતને (શાળા/કોલેજના વિદ્યાર્થીઓ અથવા વ્યાવસાયિકોને) પર્યાપ્ત શૈક્ષણિક અને વ્યાવસાયિક પસંદગીઓ કરવામાં અને કામની ભવિષ્યની માંગ અને જરૂરિયાતોને આધારે કારકિર્દીના નિર્ણયો લેવામાં મદદ કરવાની પ્રક્રિયા છે. આમ કારકિર્દી માર્ગદર્શન એક વ્યાપક વિકાસલક્ષી પ્રોગ્રામ છે જેમાં વ્યકિતઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક પસંદગીઓ બતાવવા અને અમલમાં મૂકવા માટે મદદ કરવાનું ધ્યેય હોય છે. કારકિર્દી એ એક યાત્રા છે. વ્યકિત પરિપકવ બની વિકાસ કરે છે. દરેક વ્યકિત માટે આવશ્યક છે અને એને આજીવન પ્રક્રિયા ગણી શકાય છે. કારકિર્દી માર્ગદર્શન અને કારકિર્દી પરામર્શ એવાં બે જુદાં જુદાં નામો સાંભળવા મળે છે. કારકિર્દી માર્ગદર્શન એક સામાન્ય માર્ગદર્શન છે. કારકિર્દીનાં સામાન્યત: ધ્યેયો તેમ જ શૈક્ષણિક વિકલ્પો વિષે માહિતી મળી રહેતી હોય છે. જયારે કારકિર્દી પરામર્શની પ્રક્રિયામાં વ્યકિતગત ધોરણે વ્યકિતની રુચિઓ, વ્યકિતત્વ, ક્ષમતાઓ અને અભિરૂચિઓનું મૂલ્યાંકન સાયકોમેટ્રીક પરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. પરીક્ષણનાં તારણોના આધારે વ્યકિતને ચોક્કસ દિશા તથા માર્ગ તરફ માર્ગદર્શન આપવામાં આવે છે.
કોને માટે?
ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓ માટે.
સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ લીધા પછી આગળ શું કરવું એ માટે કારકિર્દી માર્ગદર્શન તેમ જ કારકિર્દી પરામર્શ જરૂરી છે.
ફાયદા:
યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે થયેલ કારકિર્દી પરામર્શ વ્યકિતને શકિતઓ અને નબળાઇઓ વચ્ચેનો તફાવત પારખવા માટે સશકત બનાવશે. કારકિર્દી One-way direction હોવાથી બહુવિધ કારકિર્દી વિકલ્પો શોધવામાં મદદ તેમ જ તક આપશે. wનિતાંત- અનુસ્નાતક કક્ષાનો MBAનો વિદ્યાર્થી. મેટ્રોપોલીટન શહેરમાં ભણે છે. છતાં એના પપ્પાની ટ્રેડીંગની ફર્મમાં કોઇ કામ કરવામાં રસ નથી. એને તો માત્ર યોગા, હીલીંગ ટચ થેરાપીમાં રસ છે. આવી વ્યકિતઓને જો કારકિર્દી પરામર્શ મળ્યું હતે તો જીવનમાં જે સંઘર્ષ શૈક્ષણિક અને વ્યાવસાયિક ગેપનાં લીધે જોવા મળે છે તે જોવા નહીં મળતે.wModern career નાં 6 પગલાંઓ જે દરેકે પોતાના વિકાસ માટે જાણી વિકસાવવા જરૂરી છે. આજનાં જમાનામાં કારકિર્દીનાં પંથે જો સફળ થવું હોય તો આ 6 પગથિયાંને વિસ્તારપૂર્વક સમજો અને પોતાના સ્વ સાથે સરખાવો. જયાં જરૂર લાગે ત્યાં તમારા પ્રયત્નો સઘન કરો અને સફળ બની રહો.આમ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાર્થીઓને કારકિર્દી વિકસાવવામાં, એનાં શૈક્ષણિક આયોજનમાં જરૂરી નિર્ણાયક ક્ષમતા તેમ જ અન્ય ક્ષમતા વિકસાવવાની સતત ચાલતી પ્રક્રિયા છે.
‘Your career is your business. It’s time for you to manage it as a CEO’.