મીટિંગમાં તમારો પ્રોફેશનલ વ્યવહાર વર્ક પ્લેસ પર તમારી સકારાત્મક છબી ઊભી કરે છે એટલે ઓફિસ મીટિંગ અટેન્ડ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. મોડા પહોંચવાથી ઇમ્પ્રેશન ખરાબ પડે છે એટલે મીટિંગ શરૂ થવાની પાંચ મિનિટ પહેલાં કોન્ફરન્સ હોલમાં પહોંચી જાવ. કોઇ કારણસર મીટિંગમાં મોડા પહોંચો તો સોરી કહી ચૂપચાપ તમારી સીટ પર બેસી જાવ. મીટિંગમાં જતાં પહેલાં તૈયારી કરો. જે વાત તમે કહેવા ઇચ્છતાં હો તેની નોટ્સ બનાવો. એનાથી મહત્ત્વપૂર્ણ વાતો ભૂલી જવાશે નહીં. મીટિંગ સંબંધિત લેટેસ્ટ જાણકારી મેળવો. હંમેશાં સરળ ભાષામાં અને સંક્ષેપમાં તમારી વાત જણાવશો તો બધાં તમારી વાતમાં રસ લેશે.
તમારી વાત પૂરી થયા બાદ જો કોઇ તમને સવાલ પૂછે તો ધીરજથી જવાબ આપો. તમારા મુદ્દાઓ સાથે કોઇ સંમત ન થાય તો દલીલબાજી કરો નહીં. જો બોસ કે સીનિયરની વાત સાથે સંમત ન હો તો બધાં સામે એમની વાત કાપો નહીં. મીટિંગ પછી એમને એકલા મળી સકારાત્મક રીતે તમારા મુદ્દા સમજાવો. હંમેશાં પોતાની વાત કહેતી વખતે નજરોથી નજર મેળવીને વાત કરો. આઇ કોન્ટેકટમાં તમારો કોન્ફિડન્સ ઝલકે છે. મોબાઇલ હંમેશાં સાયલન્ટ પર રાખો. જેથી રીંગ વાગે તો અન્યો ડિસ્ટર્બ ન થાય. જો અર્જન્ટ ફોન લેવો જ પડે તો બહાર નીકળી વાત કરો.મીટિંગની મહત્ત્વપૂર્ણ ચર્ચા ડાયરીમાં નોંધી રાખો. મીટિંગમાં આસપાસ બેઠેલા લોકો સાથે વાત ન કરો. એ મીટિંગ એટિકેટ્સની વિરૂધ્ધ છે. મીટિંગ પૂરી થયા બાદ આભાર માનવાનું ભૂલશો નહીં.