વરુણ ધવને પણ આખરે ડીસીપીની વર્દી પહેરી જ લીધી. હિન્દી ફિલ્મોના સ્ટાર્સને પોલીસ વર્દી પહેર્યા વિના આત્મવિશ્વાસ જ નથી આવતો. ‘બેબી જ્હોન’ માં તો તે ડીસીપી સત્યા વર્મા બનવા ઉપરાંત આઈપીએસ બેબી જ્હોનની ભૂમિકામાં પણ છે. ડબલ રોલ હોય તો ડબલ સફળતા મળે તેવી તેની ધારણા હશે. ‘બેબી જ્હોન’ ને સફળ કરવા આમ તો મોટી ફોજ ઉતારી છે. કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી ઉપરાંત સાન્યા મલ્હોત્રા પણ નાની ભૂમિકા કરશે અને સલમાન ખાન પણ ડીઆઈજી વરદ રાજન બનશે. હમણાં ફિલ્મો ચલાવવા આવા બધા નુસખા અજમાવવા પડે છે. આ ફિલ્મ તમિલમાં બનેલી ‘થેરી’ની રિમેક છે, જેનું દિગ્દર્શન એટલીએ કર્યું હતું. ફિલ્મ ખૂબ સફળ રહી હતી. એટલે તેની રિમેક બની છે. શરૂમાં આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટી કરે એવું વિચારાયેલું અને ત્યારે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ભૂમિકા કરવાના હતા. પણ રોહિત શેટ્ટીને રિમેક બનાવવામાં રસ નહોતો. એટલે દિગ્દર્શક પણ બદલાયા અને શાહરૂખ અક્ષયના બદલે વરુણ આવી ગયો. ‘બેબી જ્હોન’ મે મહિનામાં રજૂ થવાની હતી પણ હવે ક્રિસમસ વખતે રજૂ થઈ રહી છે.
ગયા વર્ષે વરુણની હીરો તરીકેની ‘બવાલ’ ફિલ્મ આવી હતી અને ત્યાર પછી તે ત્રણેક ફિલ્મોમાં નાની ભૂમિકામાં આવ્યો. ‘બેબી જ્હોન’ તેની આ વર્ષની એક માત્ર એવી ફિલ્મ ગણાશે જેમાં તે હીરો તરીકે છે. વરુણની કારકિર્દી જરા ધીમી પડી ગઈ છે. જો કે અત્યારે તેના જેવા ધીમા પડી ગયેલાં ઘણાં સ્ટાર્સ છે અને એટલે ‘બેબી જ્હોન’ સફળ રહે તેવી પ્રાર્થના તે કરતો હશે. વરુણ સારો અભિનેતા છે અને રણવીર સીંઘની જેમ ઘણી એનર્જી ધરાવે છે. પરંતુ અત્યારે બીજા અભિનેતાઓની જેમ જ સફળ ફિલ્મની શોધમાં અટવાયેલો છે. ગોવિંદા સાથે અનેક સફળ ફિલ્મ બનાવનાર ડેવિડ ધવન તેના પિતા છે પણ તે વરુણને સફળ બનાવતી ફિલ્મો બનાવી શકતા નથી. વરુણે પોતે જ પોતાનો રસ્તો નક્કી કરવો પડે તેમ છે.
અલબત્ત, તેની આવનારી ફિલ્મો પાસે ઘણી આશા રાખી શકાય તેમ છે. અનીસ બઝમી દિગ્દર્શિત ‘નો એન્ટ્રી-2’ છે તો એ જ રીતે ‘ભેડિયા-2’ છે જેમાં તે ક્રિતી સેનોન સાથે દેખાશે. એ જ રીતે તે ‘બોર્ડર-2’માં પણ સની દેઓલ સાથે છે. કરણ જોહર વરુણ અને ટાઈગર શ્રોફને લઈ એક ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ માં તે સાન્યા મલ્હોત્રા અને જાન્હવી કપૂર સાથે આવશે. ‘હે જવાની તો ઈશ્ક હોના હૈ’ ફિલ્મ ડેવિડ ધવનના દિગ્દર્શનમાં બની રહી છે જેમાં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર છે. શું આ ફિલ્મો વરુણને જોઈતું સ્થાન અપાવશે?
વરુણ કરતાં અત્યારે સારી સ્થિતિ હોય તો વિકી કૌશલની છે અને તે એકદમ પસંદગીપૂર્વક કામ કરી રહ્યો છે.
એક ફિલ્મ વધારે સમય લે તેનોય તેને વાંધો નથી હોતો. વરુણે શું એવું જ કરવું જોઈએ? ફિલ્મ લાઈનમાં એક સ્ટાર્સની રીત બીજા સ્ટાર્સને ખપ લાગતી નથી. પોતાના વ્યૂહ પોતે વિચારી કામ કરવાનું હોય છે. રણબીર કપૂર, રણવીરસિંઘ, કાર્તિક આર્યન અને વરુણ ધવનના પ્રયત્ન છે કે સલમાન, શાહરૂખ, ઋતિકની જગ્યા ભરી શકે પણ આ કાંઈ સહેલું નથી. આવનારા સમય વિશે કહેવું મુશ્કેલ છે પણ એકાદ-બે મોટી સફળતા ન મળે ત્યાં સુધી પ્રેક્ષકોની નજરમાં વસી જવું મુશ્કેલ છે. વરુણ ‘બેબી જ્હોન’ વડે પ્રેક્ષકોની નજરમાં ફરી વસી જશે? રાહ જુઓ… •