ઉત્તરાયણ આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે મકરસંક્રાતિના આ પર્વના દિવસે પતંગ શોખીનોમાં પતંગ ચગાવવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. પવન સાથ આપે તો આકાશને રંગબેરંગી પતંગોથી સજાવી દેવા પતંગ શોખીનો તૈયાર છે, ત્યારે એ જાણીએ કે તા. 14 જાન્યુઆરીને ઉત્તરાયણને દિવસે પવન કેવો રહેશે.
હવામાન નિષ્ણાતો અનુસાર પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની જરૂરિયાત રહે છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ પતંગ ચગાવવાને અનુકૂળ રહેશે. તેથી આ વર્ષે પતંગ ચગાવવા માટે વધુ ઠુમકા લગાવવાની જરૂર પડશે નહીં. આખાય રાજ્યમાં ઉતરાયણના દિવસે પવનની ગતિ 5 કિ.મી. કે તેનાથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સુરતની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિ.મી. થી લઈને 15 કિ.મી. સુધી રહેવાની સંભાવના છે. એટલે કે દિવસ દરમિયાન પતંગ રસિકોને ફૂલ મજ્જા પડી જવાની છે. પવન એટલો સારો ફૂંકાશે કે ઠુમકા મારવાની જરૂર નહીં પડે. પતંગ સરળતાથી ચગી જશે.