Gujarat

ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ કેવી રહેશે? અંબાલાલ પટેલે કરેલી આગાહી પતંગ રસિકોએ ખાસ જાણવા જેવી

ગાંધીનગર: છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી (Forecast) કરી છે. કેટલાંક હવામાન નિષ્ણાતો રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal rains) પણ આગાહી કરી રહ્યાં છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓની મજા બગડી શકે છે. હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર 14મી જાન્યુઆરીએ પૂરઝડપે પવન (High speed wind) સૂસવાટા બોલાવશે અને પતંગ ચગાવવું મુશ્કેલ બની જશે.

  • હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત માટે આગામી બે દિવસ યલો એલર્ટ (Yello Alert) જાહેર કરાયું
  • બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ લોકોને ધ્રુજાવશે
  • ઉત્તરાયણના દિવસે ઈશાન ખૂણેથી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે, અંબાલાલ પટેલની આગાહી

સમગ્ર રાજ્યમાં છેલ્લાં 4 દિવસથી ભારે ઠંડી (Winter) પડી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિત તમામ મોટા શહેરોમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. રાજ્યનાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડીગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું છે. રાજ્યમાં ઝડપી ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે, જેના લીધે લોકો ધ્રુજારો અનુભવી રહ્યાં છે. આ સ્થિતિ હજુ બે દિવસ રહે તેવી આગાહી છે.

સુરતમાં ઠંડીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 7 કિ.મી.ની ઝડપે સૂસવાટા મારતા ઠંડા પવન ફૂંકાયા
સુરતમાં મંગળવારની રાત 8 વર્ષની સૌથી ઠંડી રાત રહી હતી. ઠંડીએ 8 વર્ષનો રેકોર્ડ સુરતમાં તોડ્યો છે. મંગળવારની રાત્રે સુરતમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી પહોંચી ગયું હતું, જ્યારે 7 કિલોમીટરની ઝડપે સૂસવાટા મારતા ઉત્તરના ઠંડા પવન ફૂંકાયા હતા, જેના લીધે લોકો થથરી ગયા હતા.

ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું
રાજ્યના હવામાન વિભાગના મતે, તા. 12 અને 13મી જાન્યુઆરીના રોજ રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ અનુભવાશે. ઝડપી ઠંડા પવનો લોકોને ધ્રુજાવશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત માટે આગામી બે દિવસ યલો એલર્ટ (Yello Alert) જાહેર કરાયું છે. આખાય ગુજરાતમાં 13મી જાન્યુઆરી ગુરૂવાર સુધી જોરદાર ઠંડી પડવાની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં ઠંડીનું જોર હજુ વધે તેવી શક્યતા છે. કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડી જાય તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેની આગાહી કરી
અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે. એટલે ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોરે 12 વાગ્યા સુધી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે 6 કિ.મી.ની સ્પીડનો પવન રહેશે.
ત્યાર બાદ વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના 2 વાગ્યા સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી 10 કિમી થશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.

આગામી અઠવાડિયે ત્રણ દિવસ કમોસમી વરસાદની પણ આગાહી
ગુજરાત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. તે આગામી દિવસોમાં વધુ સ્થિતિ બગાડે તેવી શક્યતા છે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી અઠવાડિયે તા. 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. તે 13 જાન્યુઆરી સુધી રહેશે. આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.

રાજ્યમાં લોકો કોલ્ડવેવની અસરથી ધ્રુજ્યા
સમગ્ર ગુજરાતમાં અસહ્ય ઠંડી પડી રહી છે. મંગળવારે ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડતાં લોકો ઘરમાં પૂરાઈ રહ્યાં હતાં. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. એક જ અઠવાડિયામાં તાપમાન 5થી 7 ડીગ્રી ઘટી જતાં લોકો થથરી રહ્યાં છે. ઉત્તરાયણ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફર જોવા મળશે નહિ. એવું હવામાન વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Most Popular

To Top