Columns

રેડિયો તરંગો વધી જાય તો દુનિયામાં શું થાય?

દેશમાં ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકના સેટેલાઈટ ઈન્ટરનેટ માટે તૈયારી શરૂ થઈ ચૂકી છે. ભારતના અધિકારીઓ અને સ્ટારલિંકના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ ચૂકી છે. સ્ટારલિંકે ભારતની મોટી કંપનીઓ સાથે ઈન્ટરનેટ આપવા માટેના કરારો પણ કરી લીધા છે. આ બધું ચાલી રહ્યું છે ત્યારે આપણે એ જાણવું જોઈએ કે રેડિયો તરંગોની મદદથી સ્ટારલિંક કંપની ઈન્ટરનેટ આપશે પરંતુ જો એક હદથી વધારે રેડિયો તરંગો વધી જાય તો શું થઈ શકે?
2019માં સેટેલાઈટ ઈન્ટરનેટની સર્વિસ આપવા માટે ઈલોન મસ્કે સ્ટારલિંક નામની કંપની સ્થાપી હતી. પૃથ્વીથી 500-600 કિલોમીટરની ભ્રમણકક્ષામાં રહીને સ્ટારલિંકના સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. લગભગ 100 દેશોના 30 લાખ યુઝર્સ સુધી સેટેલાઈટ ઈન્ટરનેટની સર્વિસ પહોંચી ચૂકી છે. 12000 જેટલા સેટેલાઈટ લો અર્થ ઓર્બિટમાં સેટ કરવાનું આ કંપનીનું આયોજન છે. આખા પ્રોજેક્ટમાં લગભગ 10 અબજ ડૉલરનો ખર્ચ થાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.
દુનિયામાં કેટલાય દેશોમાં દર વર્ષે ઈન્ટરનેટની સર્વિસ પર કોઈ ને કોઈ કારણથી પ્રતિબંધ મુકાતો હોય છે. ખાસ તો લોક આંદોલનો વખતે સરકારો નાગરિકોનો અવાજ દબાવવા માટે દિવસો કે મહિનાઓ સુધી ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દે છે. એવા સમયે સેટેલાઈટ ઈન્ટરનેટ તેમની મદદે આવશે. મસ્કનો આ વિચાર પણ વિવાદાસ્પદ છે અને કેવી રીતે એ શક્ય બનશે તે મુદ્દો પણ ખરો જ. મોટાભાગના દેશો પાસે સેટેલાઈટ ઈન્ટરનેટ એક્સેસ નિયંત્રિત કરી શકાય એવી ટેકનોલોજી છે.
આ બધી ચર્ચા વચ્ચે રેડિયો તરંગોની માત્રા વધી જાય તો શું થાય એ જોઈએ. ઈન્સ્ટિટ્યૂટ ફોર રેડિયો એસ્ટ્રોનોમી, જર્મનીના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટારલિંક જેવી સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસથી રેડિયો ટેલિસ્કોપનો માર્ગ અવરોધાય છે. સેટેલાઈટ ઈન્ટરનેટ માટે ગોઠવવામાં આવેલા સેટેલાઈટથી 32% વધારે રેડિયો પ્રદૂષણ ફેલાય છે. આવા સેટેલાઈટનું મૂળ કામ છે ઈન્ટરનેટ વેવ્સ યુઝર્સ સુધી પહોંચાડવાનું. 550થી 650 કિલોમીટર દૂરની અંતરીક્ષની ભ્રમણકક્ષાથી પૃથ્વી પર આ વેવ્સ પહોંચાડવા માટે વેવ્સની સ્ટ્રોંગ લેન્થ જરૂરી છે. ત્યાં સુધી તો બધું ઠીક લાગતું હતું પરંતુ એની સાઈડ ઇફેક્ટ હવે સામે આવી છે. સેટેલાઈટમાંથી જે તરંગો નીકળે છે એ બ્રહ્માંડમાંથી આવતાં અન્ય રેડિયો તરંગોને રોકી દે છે. એ તરંગોમાં ભેળસેળ થાય છે. આ પ્રદૂષણ પૃથ્વી પર રેડિયો ઓબ્ઝર્વેશન માટે સેટ કરેલા સેન્સિટીવ ઉપકરણો સુધી સિગ્નલ્સ પહોંચવામાં બેહદ મુશ્કેલી ઊભી કરે છે.
રેડિયો તરંગો આંતરિક રીતે ટકરાય છે એટલા માટે કે ભ્રમણકક્ષામાં જ્યાંથી એની આવ-જા થાય છે ત્યાં હોવા જોઈએ એનાથી વધારે રેડિયો વેવ્સ છે. આ પરિસ્થિતિને રેડિયો સ્પેક્ટ્રમ પ્રદૂષણ પણ કહેવામાં આવે છે. પહેલી વખત સંશોધકોના ધ્યાનમાં આ રેડિયો પ્રદૂષણ આવ્યું છે. એ સાથે તેની માઠી અસરોની ચર્ચા શરૂ થઈ છે. જે વૈજ્ઞાનિકો આકાશગંગા, એલિયન્સ, બ્લેક હોલ્સ વગેરે પર સંશોધનો કરે છે તેમને સેટેલાઈટ ઈન્ટરનેટની કંપનીઓના સેટેલાઈટના રેડિયો તરંગોથી મુશ્કેલી પડે છે. હજુ તો આવી કંપનીઓએ નિર્ધારિત કરેલાં સેટેલાઈટમાંથી અડધા સેટેલાઈટ જ અંતરીક્ષમાં સેટ થયા છે. સ્ટારલિંકના 12000 સેટેલાઈટ સેટ જશે પછી એ તમામ પૃથ્વીથી 600 કિલોમીટરની ભ્રમણકક્ષા ફરતે મજબૂત રેડિયોનું સ્તર બનાવશે અને એમાંથી કદાચ બાહ્યાવકાશમાંથી આવતા તરંગો અટવાઈ જશે.
સ્પેસ સાયન્ટિસ્ટ માટે સ્ટારલિંકના સેટેલાઈટ્સ એકમાત્ર ચિંતા નથી. ભવિષ્યમાં ઘણી કંપનીઓ સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસમાં ઝંપલાવી રહી છે. એમેઝોનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ચીની કંપનીઓ પણ મેદાને પડી છે, ભારતીય કંપનીઓ સાથે વિદેશી કંપનીઓના કરારો થયા છે. એ બધાનો ઈરાદો 300 કરોડ ઈન્ટરનેટ યુઝર્સને સેટેલાઈટની મદદથી ઈન્ટરનેટ પહોંચાડવાનો છે. આટલી મોટી સંખ્યામાં યુઝર્સને રેડિયો સ્પેક્ટ્રમ મળવા માંડશે તો અલગ પ્રકારનું પ્રદૂષણ વધશે. વૈજ્ઞાનિકોની ખરી ચિંતા આ છે. તેમને ડર છે કે સેંકડો ઉપગ્રહો લો અર્થ ઓર્બિટરથી વધારે ડીપ સેટ થયા છે. ત્યાંથી જે સિગ્નલ્સ મળે છે એટલે પૃથ્વી પર કેટલીય સર્વિસ ચાલી રહી છે. એમાં લાઈવ પ્રસારણથી માંડીને મેપિંગ સર્વિસનો સમાવેશ થાય છે.
જો રેડિયો પ્રદૂષણ વધે તો આ તમામ સર્વિસ પ્રભાવિત થઈ શકે. રેડિયો પ્રદૂષણને અત્યારે કોઈ ખાસ ગંભીરતાથી લેતું નથી પણ અત્યારથી એનો ઉકેલ ન શોધાયો તો ભવિષ્યમાં અંધાધૂંધી સર્જાઈ શકે.

– હરિત મુનશી

Most Popular

To Top