National

અબકી બાર કિસકા હોગા બિહાર? નીતિશના રાજ્યસભા પ્રયાણ બાદ મુખ્યમંત્રીના નામ અંગે હજી સસ્પેન્સ બરકરાર, શપથવિધિની તારીખ નક્કી

નીતિશ કુમાર રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. તેમનો કાર્યકાળ 10 એપ્રિલ પછી શરૂ થાય છે. તેઓ આવતા મહિને મુખ્યમંત્રી પદ છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમાર 13 એપ્રિલે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. 15 એપ્રિલે બિહારના નવા મુખ્યમંત્રી શપથ લે તેવી શક્યતા છે. એ પછી બિહારની ગાદીએ કોણ બેસશે એ નામ જાહેર નથી થયું. તેમ છતાં ભાજપના ઉમેદવારનું મુખ્યમંત્રી બનવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પ્રશ્ન એ છે કે નીતિશ પછી કયો ચહેરો મુખ્યમંત્રી તરીકે સહુની પસંદ બની શકે છે. નીતિશ કુમારના અત્યાર સુધીના નિવેદનો સૂચવે છે કે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનું નામ મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ છે. જોકે NDA પક્ષોના કહેવા મુજબ ટોચના નેતૃત્વ દ્વારા નિર્ણય લેવાશે, જેમાં નીતિશ કુમારનું માર્ગદર્શન પણ સામેલ હશે. બીજી બાજુ ભાજપ પોતાની પ્રથા બરકરાર રાખીને કોઈક આશ્ચર્યજનક નામની નિમણુંક કરી શકે છે.

જેડીયુના બે ડેપ્યુટી સીએમ, અધ્યક્ષપદ ભાજપ પાસે
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ભાજપને આ વખતે CM ક્વોટા મળશે તો JDU બિહારમાં બે ડેપ્યુટી સીએમ નિયુક્ત કરશે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંતને ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. પાર્ટીના અન્ય એક વરિષ્ઠ નેતાને બીજા ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવશે. જેડીયુમાં વિજય ચૌધરી જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ છે, જેમના પર નીતિશ કુમાર સંપૂર્ણ વિશ્વાસ કરે છે.

મળતી માહિતી મુજબ બિહાર વિધાનસભાના અધ્યક્ષનું પદ ભાજપ જાળવી રાખશે. દરમિયાન વિધાનસભા પરિષદના અધ્યક્ષનું પદ જેડીયુ પાસે જઈ શકે છે. આંતરિક રીતે આવી તૈયારીઓ ચાલી રહી છે. નવી સરકારમાં બીજા કોને કઈ નવી જવાબદારીઓ મળશે તે જોવાનું બાકી છે.

Most Popular

To Top