Sports

વરસાદના લીધે ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ રદ થશે તો શું થશે? જાણો સમીકરણ…

ગયાના: T20 વર્લ્ડ કપ 2024ની ચાર સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા, ભારત અને અફઘાનિસ્તાનને અંતિમ ચારમાં સ્થાન પાક્કું કર્યું હતું. હવે પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અને બીજી સેમીફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. પ્રથમ સેમીફાઇનલ બ્રાયન લારા સ્ટેડિયમમાં અને બીજી ગુયાનાના પ્રોવિડન્ટ સ્ટેડિયમમાં યોજાશે.

ICC નોકઆઉટ મેચોમાં રિઝર્વ ડે હોય છે. જો વરસાદને કારણે મેચ એક દિવસે ન રમાય તો બીજા દિવસે રમાય છે. પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે નથી. બીજી સેમીફાઈનલ અને ફાઈનલમાં એક દિવસનું અંતર છે. આ કારણોસર અનામત દિવસ રાખવામાં આવ્યો નથી. જોકે, પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ માટે કોઈ અનામત દિવસ નથી પરંતુ તે જ દિવસે 250 વધારાની મિનિટ ફાળવવામાં આવી છે. સ્થાનિક સમય અનુસાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ સવારે 10 વાગ્યે શરૂ થવાની છે. જો કે ગયાનામાં 27 જૂને દિવસભર વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો વરસાદના કારણે સેમીફાઈનલ રમાય ન શકે તો ફાઈનલમાં કોને સ્થાન મળશે?

જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો રોહિત શર્માની ટીમ ફાઈનલ રમશે. નિયમો અનુસાર જો વરસાદના કારણે મેચ ન થાય તો સુપર-8માં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલ રમશે. ભારતીય ટીમ તેના ગ્રુપમાં ટોચ પર હતી જ્યારે ઈંગ્લેન્ડ બીજા સ્થાને હતું. 2020 મહિલા T20 વર્લ્ડ કપમાં પણ ભારત અને ઈંગ્લેન્ડ સેમીફાઈનલ હારી ગયા હતા. આવી સ્થિતિમાં ભારતે ગ્રુપ રાઉન્ડમાં ટોપ પર રહેવાને કારણે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Most Popular

To Top