Columns

કેવી રીતે?

કોબે બ્રાયન્ટ અમેરિકાના મહાનતમ બાસ્કેટબોલ ખેલાડી, જેઓ બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી અમેરિકાની ટીમના મહત્ત્વના ખેલાડી હતા.તેના જીવનની કથની તેમણે આત્મકથા રૂપે લખી. નામ છે ‘ધ મામ્બા મેન્ટાલિટી:હાઉ આઈ પ્લે.’

આ પુસ્તક માત્ર કોઈ સ્પોર્ટ્સમેને જ નહિ પણ જીવનમાં આગળ વધવા માંગતા દરેક જણે વાંચવા જેવું છે.આ પુસ્તકમાં એક બહુ સરસ વાત છે કે જીવનમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ.કોબે જણાવે છે કે હું હંમેશા મહાનતમ બાસ્કેટ બોલ ખેલાડીઓ વિષે વાંચતો.તેમને જોતો અને પછી વિચારતો કે ‘જો મારે બાસ્કેટબોલ ખેલાડી બનવું હોય તો હું આ ખેલાડીઓ જેવો કેવી રીતે બની શકું?

આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે અને તેમાં પણ સૌથી વધારે મહત્ત્વના છે બે શબ્દો‘કેવી રીતે?’ આપણે જયારે એમ વિચારીએ કે હું શું બનું? હું કયાં સુધી પહોંચું? હું કઈ મંઝિલ મેળવું? ત્યાં સુધી તેમાં ધ્યેય અને પરિણામની વાત છે તે બધા વિચારે છે પણ વધુ મહત્ત્વનું છે ‘કેવી રીતે?’

‘હું જે બનવા માંગું છું તે કેવી રીતે બનીશ?’— ‘હું કેવી રીતે આગળ વધીશ?’—‘હું મારી મંઝિલ સુધી કેવી રીતે પહોંચીશ?’ આ પ્રશ્નો દરેક જણે પોતાની જાતને પૂછવા જોઈએ.કારણ કે કઈ રીતે તમે અપનાવશો તે જ તમારા જીવનનો નકશો બનાવશે.જીવન જીવવાની રીત..કામ કરવાની રીત …શીખવાની રીત …આ રીત જ તમને આગળ લઇ જશે.

હવે રીતનું મહત્ત્વ સમજી લીધા બાદ ફરી કોબે પાસેથી જાણીએ કે કેવી રીત અપનાવવી જોઈએ.કોબે લખે છે કે કોઇ પણ રીત અપનાવવા અને અમલમાં મૂકવા સૌથી પહેલાં જરૂરી છે ‘શિસ્ત’. બીજું જરૂરી છે ગાંડપણની હદ સુધીનું જે વસ્તુ મેળવવી છે તેનું વળગણ.એક જ લગની.ત્રીજું બધું ભૂલી જઈને મંઝિલ પર ધ્યાન આપવું.ભોગ આપવો અને ચોથું સૌથી મહત્ત્વનું છે સતત પરિશ્રમ.જે કામ કરો,જે શીખો તેની પર સતત મંડેલા રહેવું.રોજ થોડી વધારે મહેનત કરવી.રોજ અટક્યા વિના આગળ વધતાં રહેવું.

આખી આત્મકથા બહુ સરસ સંદેશ આપે છે પણ પોતાના ૪૧ વર્ષના જીવનકાળમાં આ રીતે જીવીને સર્વોત્તમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવનાર કોબેના જીવન પરની નાનકડી એનીમેશન ફિલ્મે તેમને ઓસ્કાર એવોર્ડ પણ અપાવ્યો હતો. આ બંને સર્વોત્તમ સફળતા પાછળનું કારણ હતું. તેમણે કામ કરવાની રીત પર ધ્યાન આપ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top