Entertainment

ફાયરિંગ સમયે સલમાન ખાન શું કરી રહ્યા હતા? ભાઇજાને મુંબઇ પોલીસ સમક્ષ નોંધાવ્યું નિવેદન

મુંબઇ: સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર ફાયરિંગના (Firing) મામલામાં ગુરુવારે અપડેટ સામે આવ્યું હતું. હવે આ કેસમાં સલમાન ખાન અને તેમના ભાઈ અરબાઝ ખાને મુંબઈ પોલીસ (Mumbai Police) સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અસલમાં 14 એપ્રિલે બાઇક સવાર ઇસમોએ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યુ હતું. આ પછી બંને ફરાર થઈ ગયા હતા. ત્યારે બંદૂકમાંથી નીકળેલી એક ગોળી સલમાનના એપાર્ટમેન્ટની અંદર પણ પહોંચી ગઈ હતી. મુંબઈ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ આ કેસમાં બંને બાઇક સવારોની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેમજ તેમને હથિયારો પૂરા પાડનાર વ્યક્તિ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ સાથે જ આ ફાયરિંગનું કનેક્શન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે હોવાનું સામે આવ્યું હતું. ત્યારે નિવેદન નોંધાવતા સલમાન ખાને જણાવ્યું હતું કે ફાયરિંગના દિવસે શું થયું હતું. તેમજ તે દિવસે અને તે સમયે તેઓ શું કરી રહ્યા હતા.

સલમાન ખાને નિવેદન નોંધાવ્યું
અગાઉ 4 જૂને બપોરે 12 વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારીઓ સલમાન ખાનનું નિવેદન લેવા તેના ઘરે પહોંચ્યા હતા. સલમાન ખાનનું નિવેદન નોંધવામાં તેમને લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો હતો. જ્યારે અરબાઝ ખાનનું નિવેદન નોંધવામાં તેમને બે કલાકનો સમય લાગ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમ સલમાનનું નિવેદન નોંધ્યા બાદ સાંજે 5.30 વાગ્યા પછી તેના ઘરેથી નીકળી હતી.

અરબાઝ ખાનનું નિવેદન 4 પેજમાં જ્યારે સલમાન ખાનનું નિવેદન 9 પેજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સલમાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે તેના ઘરે પાર્ટી હતી, જેના કારણે તેમને સૂવામાં મોડું થયું હતું અને સવારે ગોળીબારનો અવાજ સાંભળીને તેમની આંખ ખુલી હતી.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં 13 જૂન સુધીમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કુલ 29 લોકોના નિવેદન નોંધ્યા છે. ઘટના સમયે સલમાન ખાનના પિતા સલીમ ખાન ઘરે હાજર હતા. જોકે વૃદ્ધાવસ્થાના કારણે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જો જરૂર પડશે તો સલીમ ખાનનું નિવેદન નોંધવામાં આવશે.પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
હમણા સુધી આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક અનુજ થપાને 1 મેના રોજ પોલીસ લોકઅપમાં કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી. આ સાથે જ નવી મુંબઈ પોલીસે આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાન પર હુમલો કરવાના કાવતરાના સંબંધમાં હરિયાણાના બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના કથિત સભ્ય સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

આ ટોળકીએ અગાઉ સલમાન ખાનના ઘરની રેકી
પોલીસે જણાવ્યું હતું કે ગેંગના ચાર સભ્યોએ સલમાન ખાનના બાંદ્રામાં સ્થિત ઘરની નજીકના વિસ્તાર, પનવેલમાં તેના ફાર્મહાઉસની ‘જાસૂસી’ કરી હતી. આ લોકો એ જગ્યાઓ પર પણ ગયા હતા જ્યાં સલમાન ખાન શૂટિંગ માટે જતા હતા. હાલમાં લોરેન્સ બિશ્નોઈ એક અલગ કેસમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.

Most Popular

To Top