Columns

શું છોડવું શું રાખવું – એક કળા

એક જેલના જેલર ખૂબ જ દયાળુ, અનુભવી અને માનવતાવાદી હતા. તેઓ પોતાની જેલમાં કેદી સુધાર કાર્યક્રમ હેઠળ અનેક પ્રયોગો કરતા. રોજ સવારે પ્રાર્થના અને યોગ ફરજીયાત હતાં અને બધાં કેદીઓને પોતાને આવડતી હોય તે ભાષામાં છાપું વાંચવા માટે કહેતા, તે માટે જેલમાં તેઓ દરેક ભાષાનાં છાપાં મંગાવતાં. એક દિવસ જેલર સાહેબે રવિવારે સવારે ખાસ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કર્યું અને વિવિધ પ્રકારના રંગો, પીંછીઓ, કેનવાસ વગેરે મંગાવી અને બધા કેદીઓને બોલાવીને કહ્યું, ‘‘ જે ગમે તે, જેવું ગમે તેવું જેવું આવડે એવું, ચિત્ર દોરો. આજે ચિત્રકલા સ્પર્ધા છે.’’ બધા કેદીઓએ કેનવાસ અને મનગમતા રંગો ઉઠાવ્યા. બધા આનંદ અને ઉત્સાહમાં હતા. ઘણા વખતથી ન કરેલી પ્રવૃત્તિ કરવાની જાણે ખુશી હતી.

બધા કેદીઓએ જુદાં જુદાં ચિત્રો દોરવા માંડ્યાં. કોઈકે નાનપણની યાદોનાં ચિત્રો દોર્યાં, કોઈકે શાળામાં શીખવાડે તેવાં ચિત્રો દોર્યાં, કોઈકે પ્રાણી દોર્યાં, કોઇકે પંખી, કોઈકે માત્ર જેલ અને જેલની દીવાલ દોરી. એક કેદીએ હિંસક માનસિકતા દર્શાવતા ખૂન ખરાબાનું ચિત્ર દોર્યું, એક કેદીએ જેલર સાહેબનું ચિત્ર દોર્યું, એક કેદીએ જેલની નાનકડી બારીની બહાર દેખાતા સુંદર આકાશ અને ઊડતાં પંખીઓ, વાદળોનું દૃશ્ય દોર્યું. બીજા કેદીએ બારી બહારના દૃશ્યને દોરવાની કોશિશ કરી પણ આખા ચિત્રમાં માત્ર લંબચોરસ બારી અને કાળા લોખંડના સળિયા દોર્યા. બહારના સુંદર દૃશ્યને દોર્યું જ નહીં.

આ બધાં ચિત્રોને જેલર સાહેબે એક હોલમાં પ્રદર્શનની જેમ ગોઠવી દીધાં અને કહ્યું જુઓ તમે બધાએ તમારા મનની પ્રતિકૃતિ જેવાં ચિત્રો દોર્યાં છે. જેલર સાહેબે બારી બહારના કુદરતી દૃશ્ય અને બારીના લોખંડના સળિયાવાળાં બે ચિત્રોને એક દિવાલ પર બાજુ બાજુમાં ગોઠવ્યાં હતાં અને કેદીઓને કહ્યું, ‘કેદીઓ જુઓ, આ બે ચિત્રોને વધુ ધ્યાનથી જુઓ, શું પસંદ કરવું શું લેવું? શું રાખવું? શું છોડી દેવું? તે આ બે ચિત્ર પરથી તમને શીખવા મળશે. એક ચિત્રમાં સળિયાવાળી બારીની બહાર દેખાતા સુંદર કુદરતી દૃશ્યનું આલેખન છે.

ચિત્રમાં દૃશ્ય બારીની બહારનું છે પરંતુ વચ્ચે આડખીલીરૂપ બારીના સળિયા નથી. બીજા ચિત્રમાં દૃશ્ય એ જ બારીનું છે પણ બારી અને સળિયા જ છે. બહાર દેખાતા સુંદર દૃશ્યનું કોઈ નામ નિશાન નથી. સુંદર દૃશ્ય અને કુદરતી સૌંદર્ય જુઓ, વચ્ચેની આડખીલીરૂપ સળિયાઓને ભૂલી જાવ. જીવનમાં પણ જે સુંદર છે, જે સારું છે, જે ખુશી આપનારું છે તેની તરફ જુઓ. તેની તરફ આગળ વધો અને હાથ લંબાવો. જે દુઃખ આપનારું છે, નિરાશા આપનારું છે, તેને ભૂલી જાવ, તેની તરફ ધ્યાન ન આપો. શું રાખવું? શું સ્વીકારવું અને શું નહીં ? એ કળા શીખવા જેવી છે.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top