ટી. વી. ચેનલો 24 કલાક સમાચાર અને બીજા પ્રોગ્રામ ટેલીકાસ્ટ કરે છે, તો પણ એક ચેનલ એક મિનિટમાં પચાસ ખબર બતાડે તો તેની હરીફાઈમાં બીજી ચેનલ બે મિનિટમાં બસ્સો ખબર બતાડે છે. (આમાં મોટે ભાગે તો અમુક સમાચાર વારંવાર રિપીટ થતા રહે છે) એમાં પરેશાન દર્શકો જ થાય છે વિચાર કરો કે બે મિનિટમાં બસ્સો સમાચાર બતાડે તો તે કેટલું ઝડપથી કરવું પડે. તમને એ સમજતાં કેટલું ધ્યાન આપવું પડે. વધારામાં બે સમાચાર વચ્ચે સંગીત પણ વાગે અને કેટલી તકલીફ પડે. સમાચાર (ટી.વી.માં) જોવા વાળા મોટે ભાગે સીનીયર સીટીઝન હોય છે તેમના માટે તો આ ટોર્ચર કે સજા છે છતા પણ દેશમાં ટી.વી. ચેનલો માટે કોઇ વિશેષ કાયદા કે ગાઇડ લાઈન નથી ચેનલો પર આવતી જાહેરાતોથી એમને તગડી આવક થાય છે.
એટલે એમને દર્શકોની તકલીફની કંઇ પડી નથી. કેન્દ્ર સરકાર દ્વારા કેબલ ઓપરેટરો પર નિયંત્રણ આવ્યા પછી તમારી પસંદગીની ચેનલો જોવા પૈસા આપવા પડે છે એટલે મર્યાદિત ચેનલો જે ફ્રી હોય અથવા જેની ફી ઓછી હોય તે જોવી પડે છે. આશા રાખીએ મોદીજી ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં ત્રીજા નંબર સુધી લાવે, પણ સામાન્ય માણસ અને ખાસ કરી મધ્યમ વર્ગને ભુલી ન જાય તો સારૂં. આ માટે કેટલાક કાયદામાં જરૂરી ફેરફાર કરવા પડે તો જરૂરથી કરે.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોર્ટની દુકાનનું નામ બદલવાથી ઝાઝો ફેર શું પડવાનો
મંદિર-મસ્જિદ હોય કે, કોર્ટ કચેરી યા પછી અખબારી કાર્યાલય એ છેવટે તો દુકાન જ કહેવાય! સૂચિત દુકાન એટલે કથિત દુકાનદારી/વ્યાપાર/વ્યવસાય વિગેરે. અત્રે નમ્ર અરજ એવા પ્રકારની છે કે, તારીખ ૧જુલાઈથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિધિવત રીતે અમલી થતાં ન્યાયિક ક્ષેત્રમાં કાયદા વિભાગ દ્વારા મહત્ત્વના અને અગત્યના ફેરફારના એક ભાગ રૂપે એડીશનલ/ચીફ/મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ- કોર્ટોનું નામકરણ બદલી કાઢી મેટ્રોપોલીટન કોર્ટના સ્થાને જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ રાખવાનું પ્રગટ થયેલા જાહેરનામાની રુએ નક્કી થયું.
તેથી ઝાઝો ફેર શું પડવાનો? શેરડીવાળાનો ભાઈ ગંડેરીવાળો. અલબત્ત, અત્રેની કોર્ટોમાં ફરજ બજાવતા ઘણા ખરા બેન્ચ ક્લાર્ક, સ્ટેનો, બેલિફ વિગેરે સત્તાના નશામાં છાટકા થઇ, ઉપરવટ જઈ, સતાનો દુરુપયોગ કરી, પોતાની જાતને જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટ સાથે સરખાવીને યા ખુદને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમજવાનો ખ્વાબ યા ફાંકો રાખી મનમાં મેજિસ્ટ્રેટ નામક વાઘા પહેરીને બે વેંત અધ્ધર ફરતા હોય છે! મી.લોર્ડ! લોર્ડશિપ! હોંનોર! આપ નામદાર- મહેરબાન જાણો છો ખરા! બંધબેસતી પાઘડી પહેરવી નહીં.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.