નવી દિલ્હી: નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ સંસદમાં (Parliament) બજેટ (budget) રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છઠ્ઠું બજેટ હશે. આ વર્ષે યોજાનારી ચૂંટણીને કારણે આગામી બજેટ વચગાળાનું હશે. વચગાળાનું બજેટ હોવા છતાં બજેટથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સામાન્ય જનતાના હિતને લગતા બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પર તમામની નજર રહેશે. જણાવી દઈએ કે જે પણ વર્ષમાં ચૂંટણી થાય છે. વચગાળાનું બજેટ તે વર્ષની સરકાર રજૂ કરે છે. ચૂંટણી પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. જેને સામાન્ય બજેટ પણ કહેવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ ગુરુવાર (1 ફેબ્રુઆરી) ના રોજ સવારે 11 વાગ્યે નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં રજૂ કરશે. લોકસભામાં બજેટ રજૂ થયા બાદ સરકાર તેને પસાર કરે છે. ત્યાર બાદ રાજ્યસભામાં પણ સરકાર દ્વારા આ બજેટ પસાર કરવામાં આવે છે. વચગાળાનું બજેટ એ સરકારની આવક અને ખર્ચનો હિસાબ છે. જેમાં ચાલુ યોજનાઓનું બજેટ પણ નક્કી કરવામાં આવે છે.
તમે લાઈવ ક્યાં જોઈ શકો છો?
સરકાર સંસદ ટીવી અને ડીડી ન્યૂઝની ચેનલો પર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ભાષણનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ સાથે તમે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની વેબસાઇટ પર લાઇવ વાંચી શકો છો અને YouTube ચેનલ પર લાઇવ જોઈ શકો છો.
આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ અન્ય ટીવી ચેનલો ઉપર પણ પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત તમે વેબસાઈટ્સ ઉપર જઈને બજેટ લાઈવ વાંચી શકો છો.
બજેટના દસ્તાવેજો ક્યાંથી મળશે?
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું ભાષણ પૂરું થયા પછી, તમે કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશનની મુલાકાત લઈને બજેટ દસ્તાવેજ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ ગૂગલ પ્લે અને એપલ પ્લે સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ છે.