Columns

ક્યા સોચા, ક્યા પાયા?મનનાં માનસરોવરમાં મારો ડૂબકી

અંતરાત્માને પટાવતા આવડે તો જીવતા આવડે!
(છેલવાણી)
ક વખત ત્રણ કાચબાઓએ પિકનિક પર જવાનું નક્કી કર્યું. પિકનિક માટે સેન્ડવિચ, બિસ્કિટ્સ, કોલ્ડ ડ્રિંક્સની બોટલ્સ વગેરે બાસ્કેટમાં પેક કર્યાં. પિકનિકની જગ્યાએ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એ લોકો બોટલ ઓપનર તો ઘરે જ ભૂલી ગયેલા. બુઢ્ઢા કાચબાએ, નાના કાચબાને પાછા જઈને લઈ આવવા કહ્યું. ત્યારે યુવાન કાચબાએ કહ્યું કે, “જો હું જઈશ તો તમે આ સેન્ડવિચ ખાઈ જશો!” બન્ને કાચબાઓએ વચન આપ્યું, “જ્યાં સુધી એ પાછો નહીં આવે ત્યાં સુધી કોઈ સેન્ડવિચ ખાશે નહીં!” પછી યુવાન કાચબો બોટલ ઓપનર લેવા નીકળ્યો.


પછી ઘણો સમય વિતી ગયો તો પણ પેલો યુવાન કાચબો પાછો આવ્યો નહીં. છેવટે થાકીને બુઢ્ઢા કાચબાએ કહ્યું, “મને લાગે છે એ હવે નહીં આવે. ચાલો આપણે સેન્ડવિચ ખાઈ જઈએ. “એટલામાં અચાનક જ યુવાન કાચબો ત્યાં પથ્થરની પાછળથી બહાર આવીને બોલ્યો, “મને ખાતરી હતી કે હું જઈશ એટલે તમે સેન્ડવિચ ખાઈ જ જશો! એટલે હું જવાનો નથી!”
પેલો કાચબો આપણું કમીનું મન છે. આપણી સાથે પણ ઘણી વાર આવું બનતું હોય છે. મનોચિકિત્સકો આને ‘સેલ્ફ ફુલ-ફિલિંગ પ્રોફેસી’ કહે છે. ઘણી વાર જે ધારો એ એવી હાલત થાય. ઘણી વખત એવું બને કે અજાણતામાં કરેલી ખરાબ ભવિષ્યવાણી જ્યારે સાચી પડી જાય છે.
મહાકવિ ટાગોરની એક કવિતા છે ‘દેવતાનો ગ્રાસ.’ એમાં એક માના અજાણતામાં બોલાયેલા શબ્દોની વાત છે. એક વખત ગામમાંથી કેટલાક લોકો હોડીમાં બેસીને તીર્થસ્નાને જવાનું નક્કી કરે છે. ત્યાં મોક્ષદા નામની વિધવા સ્ત્રી પણ ઘાટ પર આવે છે. ત્યારના સમયમાં મોક્ષદા વિધવા છે એટલે એને સાથે લઈ જતા બધા ખચકાય છે પણ ખૂબ વિનંતી પછી એને લઈ જવા સૌ માની જાય છે પણ એનો દીકરો પણ જીદ કરીને એની સાથે આવે છે. માએ દીકરાને ઘણું સમજાવ્યું કે તું માસી પાસે રહે પણ છોકરો ના માન્યો. ત્યારે મા, ગુસ્સામાં બોલે છે કે, “તારે દરિયે જવું છે ને! ચાલ તને દરિયાના પાણીમાં નાખી આવું!” છેવટે રાખાલ પણ એની સાથે હોડીમાં જાય છે. તીર્થસ્નાન કરી જ્યારે બધા પાછા ફરતા હોય છે ત્યારે અચાનક નદીમાં તોફાન આવે છે. હોડીનો ખલાસી કહે છે કે, “જરૂર કોઈએ દેવતાની માનતા પૂરી નથી કરી એટલે જ અચાનક આવું તોફાન આવ્યું છે.” બધાંએ પોતાની પાસે જે કંઈ ધન, વસ્ત્ર હતાં એ પાણીમાં નાખી દીધાં. એ જ ક્ષણે એક ભયંકર છાલક સાથે હોડીમાં પાણી આવી જાય છે. ખલાસી ફરી કહે છે કે, “દેવતાનું ધન કોણ પાછું લઈ જાય છે?” તરત જ એક બૂઢો કહે છે કે આ વિધવા મોક્ષદા પોતાનો દીકરાને પાછો લઈ જાય છે! એના દીકરાને પાણીમાં ફેંકો! મોક્ષદા બધાંને ખૂબ આજીજી કરે છે પણ કોઈ એની વાત સાંભળતું નથી. મોક્ષદા ભગવાનને પ્રાર્થના કરે છે કે, “મેં જે કંઈ કહ્યું હતું એ ગુસ્સામાં કહ્યું હતું! શું તમે કેવળ મારા શબ્દો જ સાંભળ્યા?” એટલામાં જોરથી વીજળી ચમકી ને પાણીની મોટી છાલક આવી. થોડી વાર પછી પેલી મોક્ષદા બેભાન થઈને પડી હતી અને રાખાલ બૂમો પાડતાં પાડતાં નદીનાં પાણીમાં પડીને અલોપ થઈ ગયો!
ઈંટરવલ:
જિસકા ડર થા બેદર્દી વો હી બાત હો ગઈ! (આનંદ બક્ષી)
એક સર્વે મુજબ તમે પોતે જે મનમાં વિચારો છો એને કમજોર માનતા નહીં. એનો પોઝિટિવ અને નેગેટિવ એમ બન્ને રીતે પ્રભાવ પડતો હોય છે. 1968માં એક પ્રયોગ મુજબ, એક શિક્ષકને કહેવામાં આવ્યું કે એમના આ પાંચ વિદ્યાર્થીઓ બહુ જ હોંશિયાર છે. હકીકતમાં એ સ્ટુડંટ્સ એવા કાંઇ નહોતા. પણ જ્યારથી એ પાંચ છોકરાઓને ટીચરે હોંશિયાર કહેવાનું શરૂ કર્યું ત્યારથી એ લોકો ભણવામાં બહુ સરસ રિઝલ્ટ લાવવા માંડ્યા… અને નવાઇની વાત તો એ હતી કે એ પાંચેય છોકરાઓ એમની આખી લાઈફમાં ધીમે ધીમે વધુ ને વધુ હોંશિયાર બનતા ગયા.
જૂઠા તો જૂઠા પણ આપણે આશાવાદી હોવાનો અને આત્મવિશ્વાસનો ખાલી અભિનય કરીને પણ સફળતા મેળવવાની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિક હાવર્ડ ઝીન કહે છે કે નિરાશાવાદ એ પોતે કરેલી ભવિષ્યવાણી બની જાય છે, જે આપણા સંજોગો સામે લડવાની ઇચ્છાને પાંગળી બનાવી દે છે.
કેટલાક ડૉક્ટરોએ અમુક દર્દીઓ પર નેગેટીવ અને પોઝિટિવ વિચારોને લઈને એક રીસર્ચ કર્યું. પરિણામ જોઈને ડૉક્ટરો ચોંકી ગયા. જે દર્દીઓના મનમાં દુખાવાના દવાની અસર થઈ નથી રહી એવા વિચારો ચાલતા હતા એવા દર્દીઓને દુખાવો વધી ગયો હતો. જ્યારે એમને આપવામાં આવતી દવાઓ દુખાવો ઓછો કરે જ છે એવું મેડિકલી સાબિત થયું હતું. બીજી તરફ એ જ દવા બીજા દર્દીઓને આપવામાં આવી. તેઓ વિચારતા હતા કે આ દવાથી એમને દુખાવામાં ઘણી રાહત મળે છે. એમને આ દવાની વધારે જલદીથી અસર થઈ રહી હતી.
ચાલો, આપણે પણ પોઝિટિવિટીના ડોઝ ગટગટાવીને એમ વિચારીએ કે હવે મોંઘવારી ઘટશે, બેરોજગારી ખતમ થશે, દેશમાં શાંતિ ને ભાઇચારો વધશે…. કાશ, હવે હાશ થશે! ઓશો રજનીશે કહેલું કે- “તુમ્હેં પરિણામ કી ચિંતા હે, પર તુમ ચિંતા કા પરિણામ નહીં જાનતે!” તો સંડે સવારે શુભ શુભ સુખાત્મક સારાં સારાં સપનાં જુઓ, એમ પણ હજુ સપનાં જોવા પર ક્યાં સેલ્સ ટેક્સ લાગ્યો છે?
આદમ: કાલે શેર માર્કેટ ઊઠશે.
ઈવ: તું કેટલા વાગે ઊઠીશ?

Most Popular

To Top