Columns

ખુશ રહેવા શું કરવું જોઈએ?

એક દિવસ ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી બેઠાં હતાં. તેમની પાસે ગરુડજી આવ્યા અને બોલ્યા, ‘ભગવાન, મારે તમને પૂછવું છે કે હું જયારે જયારે પૃથ્વી પર નજર નાખું છું તો મને કોઈ લોકો ખુશ દેખાતાં જ નથી.આ પૃથ્વી પર કયારેય કોઈ ખુશ હોતું જ નથી.એવું કેમ?’ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજી સામે જોઇને હસ્યા અને બોલ્યા, ‘કારણ કે તેમને ખુશ રહેતાં આવડતું નથી.’ ગરુડજી બોલ્યા, ‘પ્રભુ, તમે મને કહો કે ખુશ રહેવા માટે શું કરવું જોઈએ? તમે મને સમજાવો. હું પૃથ્વી પર જઈને બધાને સમજાવીશ.’ પ્રભુ મરક મરક હસ્યા અને લક્ષ્મીજી બોલ્યાં, ‘ભગવન, ખુશ રહેવાનો રસ્તો ગરુડને સમજાવો.પછી હું પણ એક વાત સમજાવીશ.’ભગવાન વિષ્ણુ ગરુડને સમજાવવા લાગ્યા.

તેમણે કહ્યું, ‘ગરુડ, ખુશ રહેવાનો કોઈ એક રસ્તો હોતો નથી.ખુશ રહેવા માટે માણસે અંદરથી ખુશ રહેવું જોઈએ.જો તે મનથી ખુશ રહેવા ઈચ્છે તો ચોક્કસ રહી શકે. કોઇ પણ સંજોગોમાં રહી શકે.જો માત્ર ખાલી એટલું કરે કે જીવનમાં જે વીતી ગયું છે તેને છોડી દે,જવા દે અને આગળ વધી જાય.જે તેની પાસે જીવનમાં છે ,જે બચ્યું છે કે જે મળ્યું છે તેને માટે કૃતજ્ઞ રહે. પોતાની પાસે જે છે તે બાબતે હંમેશા વિનમ્ર રહે અને જીવનમાં આગળ જે આવવાનું છે તે બાબતે તે સકારાત્મક રહે અને પ્રતીક્ષા કરે તો તે હંમેશા ખુશ રહી શકશે.’ ગરુડજી આ સાંભળી ઉત્સાહમાં આવી બોલ્યા, ‘પ્રભુ, હું હમણાં જ પૃથ્વીલોકમાં જઈને બધાને ખુશ રહેવાની આ રીત સમજાવી દઉં છું.’

લક્ષ્મીજી બોલ્યાં, ‘ગરુડજી, જરા થોભો. મારી પણ વાત સાંભળીને જાવ.આ પૃથ્વીલોક પર માણસોનો મોહ અને લોભ દિવસે દિવસે વધે છે એટલે ત્યાં કોઈ કંઈ છોડી શકતું નથી એટલે બધા ખુશ નથી.ત્યાં જે કંઈ મળે તે માટે બધા અભિમાન કરે છે અને બીજાને મળે તો ઈર્ષ્યા કરે છે એટલે ખુશ નથી.ત્યાં કોઈને જે મળ્યું છે તેની કિંમત નથી અને સંતોષ પણ નથી એટલે બધા ખુશ નથી.પૃથ્વીલોકમાં બધા આવતી કાલની સારા મનથી પ્રતીક્ષા નહિ પણ ચિંતા કરે છે એટલે ખુશ નથી.ગરુડજી, તમે જઈને સમજાવશો પણ જયાં સુધી તેઓ લોભ,મોહ,અભિમાન,અસંતોષ,સ્વાર્થ,ઈર્ષ્યા, ચિંતા કરવાનું છોડશે નહિ ત્યાં સુધી જીવનમાં કંઈ પણ થાય,ગમે તેટલું મળે અને કોઈ પણ સમજાવે ખુશ રહી શકવાનાં નથી.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top