તપસ્વી ઋષિ વિશ્વામિત્રનું તપોભંગ મેનકાએ કરેલું એ વાતની તો બધાને ખબર..! એટલે વિગતે કથા કરીને કોઈનું લોહી ઉકાળવું નથી. પણ આવું જ મનો-ભંગ ક્યારેક આપણી વાઇફો ઉર્ફે ‘kitchen queen’ પણ કરતી હોય. જો કે એમનો એ અબાધિત અધિકાર છે. આપણે વિચારમગ્ન હોઈએ ત્યાં જ, કોયલના કેકારવ જેવો ટહુકો પડે કે, ‘આજે જમવામાં શું બનાવું’ એટલે, ગરમ તાવડામાં ભજિયું ‘છમ્મ્મ’ થાય એવી વેદના થાય. કવિ બિચારો કોયલ ઉપર કવિતા લખતો હોય ને, કાગડાના રવાડે ચઢી જાય..! મારું પણ એવું જ છે..!
‘ટ્રમ્પદાદાની ટેંસી’ ઉપર લખવા તો બેઠો, પણ રામ જાણે ગાડું ક્યાં ખેંચાઈ જાય..! કારણ કે, મારી શૈલીની પણ ગોળાબારી ચાલુ જ છે કે, ‘‘નાથ..! આજે જમવામાં શું બનાવું..?’’ એના કપાળમાં કાંદા ફોડું, જ્યાં સુધી જવાબ નહિ આપું ત્યાં સુધી એ ઘાંટો બંધ નહિ થાય પણ શૈલી અને મેનકામાં થોડો ફેર..! મેનકા એટલે રૂપ રૂપનો અંબાર, ત્યારે શૈલી મને માંડ માંડ મળેલી..! મેનકાએ ઋષિનું તપોભંગ કરેલું, શૈલી મારું મનોભંગ કરે..! મેનકાને તો ઇન્દ્રે મોકલેલી, વાઈફને તો વાજતેગાજતે લાવેલા..! અને એ સાહસ પછી જ પતિ એટલે પરમેશ્વરનો એવોર્ડ મળેલો. એટલે સ્વાભાવિક છે કે, ગમે એટલા ટહુકા આવે તો પણ સહનશીલ અને નરમઘેંસ જ રહેવાનું..! કાળજું ભલે કઠ્ઠણ હોય, પણ હૃદયે મૃદુ રહેવાનું.
વાઈફને ફાવે એટલા વોલ્ટેજવાળા ઘાંટા પાડવાની છૂટ, આપણે જો પાડવા ગયા તો પતિભાવ લાજે ને જો ક્લીન બોલ્ડ થઇ ગયા તો બીજી મળે પણ નહિ ને આજકાલ તો લગન કરતાં છૂટાછેડામાં જ ખર્ચ વધારે આવે. તંઈઈઈ..? આપણે તો આભાર વંદના જ કરવાની કે, આપણી વાઈફને આપણા ખાવાના ટેસ્ટ અને ખાલી પેટની કેટલી ચિંતા છે..? સંતોષ લેવાનો કે, આપણને પૂછ્યા વિના બિચારી સહેજ પણ ‘હસબંધ-રેખા’ ઓળંગતી નથી..! અમારો ચમનિયો તો ત્યાં સુધી કહે કે, રમેશિયા..! બહુ હરખાવાની જરૂર નથી. કાગડા બધે જ કાળા..! દેવ જેવા દેવોને પણ રોજનો બળાપો રહેતો હશે કે, ‘‘આજે ફળાહારમાં શું પીરસું પ્રભુ..?’’ એવું રોજનું દેવી પૂછતી હશે..!
પૃથ્વી ઉપર એક પણ ઘર એવું ના હોય કે, જ્યાં પત્નીએ એના પતિને પૂછ્યું ના હોય કે, ‘‘નાથ..! આજે જમવામાં શું બનાવું..?’’ પત્ની હમેશાં પતિનું ભલું જ ઈચ્છતી હોય. એટલે તો પત્નીને પ્રિયદર્શિની અને પ્રાણેશ્વરી કહી છે. પ્રેમ હોય ત્યાં, પ્રેમના ધુમાડા પણ નીકળે ને ઝઘડા પણ થાય. ઝઘડ્યા વિના પ્રેમનો નિખાર જ નહિ આવે. અણી ચૂકેલો જેમ ૧૦૦ વર્ષ જીવે એમ, ટણી તો કાઢવી જ નહિ, ટણી કરવા ગયા તો અણી પણ નીકળે. શું કહો છો રતનજી..?
ભજીયાનું મૂળ ભૂખ, ને કજીયાનું મૂળ દુ:ખ..! યાદ રાખો જે પ્રાણેશ્વરી હોય તે જ પૂછે કે, ‘‘આજે જમવામાં શું બનાવું..?’’ પડોશવાળી ગમે એટલી પ્રિયદર્શિની હોય, વધેલું કૂતરાને ખવડાવશે, પણ તમને નહિ..! માટે વાઈફ આગળ એવા ઢેકાર તો ખાવા જ નહિ, કે, રામ રાખે તેમ રહીએ. જ્યારે પૂછે કે, ‘‘આજે જમવામાં શું બનાવું’’ તો ડોળા નહિ બતાવવાના, દિલ પાથરી દેવાનું. પાણીમાંથી મલાઈ કાઢવા ગયા તો પતી ગયા..! આપણે ક્યાં નથી જાણતા કે, બિચારી પૂછવા ખાતર જ પૂછે છે, બાકી સવારથી ચણાનું તો પલાળી જ રાખ્યું હોય….!હંઅઅઅઅને..?
મને ઘણી વાર વિચાર આવે કે, રેલ્વે-સ્ટેશન, એરપોર્ટ કે બસ સ્ટેન્ડના સ્થળે, જેમ ‘સમય સારણી’(ટાઈમ ટેબલ) હોય છે, એમ રોજે-રોજ બનાવવાની વાનગીનું પત્રક બનાવી, રસોડામાં ચોંટાડી રાખવું જોઈએ. રોજે-રોજ પૂછે જ નહિ કે, ‘‘આજે જમવામાં શું બનાવું નાથ..?’’ એમાં બે ફાયદા, મગજને શાંતિ મળે ને ખાવાની બાબતે કીચ કીચ મટે…! પૃચ્છા થાય જ નહિ કે, ‘‘આજે જમવામાં શું બનાવું..?’’ પણ આજકાલ એવું છે ને કે, જે ગમે તે મળતું નથી ને જે મળે તે ગમતું નથી..! આવા બળાપા નહિ કાઢવાના મામૂ..! આપણે આપણી વાઈફના માત્ર પતિ નથી, પરમેશ્વર પણ છીએ.
રડતા છોકરાને રમકડું પધરાવી દીધું હોય કે, ખતરનાક કેદીને સાંકળે બાંધ્યો હોય એમ, આપણને પતિ એટલે પરમેશ્વવરનો એવોર્ડ પણ મળેલો છે. એટલે મંદિરની મૂર્તિની માફક મૌન જ રહેવાનું. પ્રશ્નોતરી પ્રેમથી આવે કે ધમકીથી, મોંઢાનો નકશો નહિ બદલવાનો..! એને બિચારીને અનેક મૂંઝવણ હોય. એ ભલે ઊંઘી જાય, એની મૂંઝવણો ક્યારેય ઊંઘતી નથી. મૂંઝવણનો ભરાવો વધી જાય તો, શમણાનાં સ્વરૂપે પણ ટકોરા મારે..! મૂંઝવણો પણ એમની જિંદગીનો એક ભાગ છે..! પતિદેવોની મૂંઝવણ સામે પત્નીઓની મૂંઝવણ થોડી Soft (પોચી) હોય. કેટલીક વારસામાં, તો કેટલીક પોતે ઊભી કરેલી હોય..!
પોચી ભલે હોય, પણ આપણા ‘બ્લડ પ્રેસર’ વધારી દે..! એમાં કામવાળી, દૂધવાળી, છાપાવાળો, સ્કુલવાનવાળો કે કચરાવાળો જો આઘોપાછો થયો તો, પારો આસમાને ચઢી જાય. પતિ ભલે પરમેશ્વર હોય, એનું પણ આવી બને..! કહેવાય નહિ..! સમય કરતાં પતિ વહેલો ઘરમાં આવે તો પણ ઉપાધિ અને સમય કરતાં મોડો ગૃહ-પ્રવેશ કરે તો પણ ઉપાધિ..! ખંખેરાઈ પણ જાય. સારાં ચોઘડિયાં પણ એ વખતે સાથ આપતાં નથી. એટલે તો ઘણી વાર કહું છું કે, ગૃહ-પ્રવેશ કરો ત્યારે મોંઢું લબડેલું જ રાખવું. તાગ જોઇને જ હીહીહીહી કરવાનું..! કવિ કંગાળ કહે છે એમ,જમવાનું તો એક બહાનું છે, એમાં પ્રેમનું આદાનપ્રદાન છે. શાણા બનીને સંચરજો, એમાં જ આન છે,માન છે શાન છે.
લાસ્ટ બોલ
એક દિવસ તો મેં હિંમત કરીને વાઈફને કહી જ દીધું કે, “લાવ, આજે હું રસોઈ બનાવું.” પત્ની પણ ખુશ થઇ ગઈ. એટલે, YouTube ખોલી, “How to make Gujarati thali”લખ્યું. You tube ના રવાડે તો ચઢ્યો પણ રસોઈ તો વાઈફે જ બનાવવી પડી. કારણ કે, મને રસોઈ કરવામાં નીચેનાં પરિણામો મળેલાં..
૧. દૂધમાં ખાંડને બદલે મીઠું (sault) નંખાઈ ગયું.
૨. દાળમાં હિંગ વધારે પડી ગઈ અને અજમાનો વઘાર કરી નાંખો.
૩. ભાત ચડવા કરતાં બળી વધારે ગયો ને કુકરનો કલર બદલાઈ ગયો.
૪. રોટલીઓ ગોળ બનવાને બદલે જુદા જુદા દેશના નકશા જેવી બની ગઈ.
૫. રસોડામાં bomb blast થયો હોય એમ, બધું વેરણછેરણ થઇ ગયું. હજી બે ચમચા, પાંચ ચમચી ને લાઈટર શોધેલું મળતું નથી.
આવી ખાનાખરાબી નહિ થાય એટલે જ કદાચ વાઈફ પૂછતી હશે કે, ‘‘આજે જમવામાં શું બનાવું નાથ ..?’’
તારા કપાળમાં કાંદા ફોડું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.