એક ગામડાનો અભણ માણસ શહેરમાં આવ્યો. તેને વાંચતાં લખતાં આવડતું ન હતું. તેણે શહેરમાં જોયું કે મોટા ભાગનાં લોકો આંખ પર ચશ્માં પહેરીને છાપું કે મેગેઝીન કે પુસ્તક વાંચતાં. તેણે વિચાર્યું કે જો મારી પાસે આ આંખ પર પહેરવાનાં ચશ્માં હોય તો હું પણ વાંચી શકીશ. મારે એક ચશ્માં ખરીદી લેવાં જોઈએ. માણસે એક પુસ્તક લીધું અને પછી ચશ્માંની દુકાનમાં ચઢી ગયો અને દુકાનદારને ચશ્માં બતાવવા કહ્યું.
દુકાનદારે ચશ્માં બતાવ્યાં. એક પછી એક ચશ્માં પહેરીને તે પુસ્તક વાંચવાની કોશિશ કરતો પણ તે કંઈ વાંચી શકતો નહિ. ઘણાં ચશ્માં અજમાવ્યા બાદ પણ તે કંઈ વાંચી શક્યો નહિ એટલે તેણે ગુસ્સે થઈને કહ્યું, ‘‘અરે, આ બધાં ચશ્માં બેકાર છે. કંઈ વંચાતું જ નથી.’’ દુકાનદાર તેની સામે જોઈ રહ્યો, પછી તેણે તેના હાથમાં રહેલું પુસ્તક જોયું તો તે ઊંધું પકડેલું હતું. ગામડાનો માણસ બડબડ કરી રહ્યો હતો કે, ‘‘ચશ્માં પહેરવાથી બધાં વાંચી શકે,પણ તમારાં ચશ્માં પહેર્યા બાદ મને તો કંઈ વંચાતું નથી.’’ દુકાનદાર પરિસ્થિતિ સમજી ગયો. પછી ધીમેથી બોલ્યો, ‘‘તમને વાંચતાં –લખતાં આવડે છે?’’ માણસે કહ્યું, ‘‘ના મને વાંચતાં લખતાં નથી આવડતું એટલે તો ચશ્માં લેવા આવ્યો છું જે પહેરીને બધા વાંચે છે એટલે હું પણ વાંચી શકું.
પણ આ બધાં ચશ્માં બેકાર છે. મને કંઈ વંચાતું જ નથી.’’ ગામડાના ભોળા માણસનો સાચો જવાબ સાંભળી દુકાનદારને હસવું આવ્યું પણ મહાપરાણે હસવું રોકીને તેણે અભણ ગ્રાહકની સમસ્યા સમજીને તેને સમજાવ્યું, ‘‘ભાઈ, બહુ ભોળા છો તમે, આ ચશ્માં પહેરવાથી વાંચતાં આવડી જાય નહિ. ચશ્માં તો આંખોથી અક્ષરોને બરાબર જોવામાં મદદ કરે. વાંચવું હશે તો માત્ર ચશ્માં પહેરવાથી નહિ વાંચી શકાય. પહેલાં બારાખડીના અક્ષરોને ઓળખતાં લખતાં વાંચતાં શીખવું પડશે સમજ્યા.’’
દુકાનદારે સાચી સમજ આપી. આ એક થોડો રમૂજી પ્રસંગ છે પણ સમજણ ઊંડી છે. જેમ લખતાં વાંચતાં જ ન આવડતું હોય તો કોઈ ચશ્માં મદદ કરી શકતાં નથી તેમ જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર હોય તો કોઈ દીવાનો પ્રકાશ જીવન પ્રકાશિત કરી શકતો નથી. અજ્ઞાનતા દૂર કરવા માટે કોઈ ચશ્માં હોતાં નથી કે તે પહેરી લેવાથી અજ્ઞાનતા તરત દૂર થઇ જાય. અજ્ઞાનતા દૂર કરવા માટે પાયાની સમજણ કેળવવી પડે છે, મહેનત કરીને જ્ઞાન મેળવવું પડે છે અને જીવનમાંથી જયારે સાચા જ્ઞાનની જ્યોત પ્રગટે છે પછી જ અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.