Charchapatra

વર્તમાન ચૂંટણી પ્રથામાં ક્યા સુધારાઓ આવશ્યક?

વર્તમાન સરકારે સત્તાગ્રહણ કર્યા બાદ કથિત વિકાસનું બ્યૂગલ જોરશોરથી ફૂંકાઈ રહ્યું છે. અખબારોમાં દિવસો સુધી મોટી જાહેરાતો પ્રગટ થાય છે. બીજી તરફ લોકોની પીડા અને તકલીફોમાં વધારો થઈ રહ્યાનું દીવા જેટલા સ્પષ્ટ છે. ભ્રષ્ટાચાર, ડરામણા કાયદાઓ, બેકાબૂ મોંઘવારી, કથળતું શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાંથી સરકારની પલાયનવાદ, ચોરી, લૂંટફાટ, હત્યા માનવ અધિકારોનું ઉલ્લંઘન વગેરે ઘટવાના બદલે વધી રહ્યા છે. શું આનો કોઈ ઉપાય નથી? કારણમાં ઉંડા ઉતરીએ તો ચૂંટણીમાં થતો વ્યાપક ભ્રષ્ટાચાર નજરે ચડે છે.

ભ્રષ્ટ ચૂંટણી પ્રથા આ બધા દૂષણોની જનક છે. આમ તો શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, પરિવહન, શાસન, દરેક ક્ષેત્રે ફેરફાર કરવા જેવા છે. પાયામાં ચૂંટણી પ્રથામાં બદલાવ આવે તો તેમાંથી નીપજતાં અનેક દૂષણો પર અંકુશ આવી શકે. આ બાબતે નીચેના મુદ્દાઓ વિચારણીય છે. 1) ચૂંટણી વખતે આચારસંહિતા પ્રગટ થવાની સાથે જ જે પ્રધાનો, ધારાસભ્યો ચૂંટણીમાં ઉમેદવાર હોય તેમના હોદ્દાનો અંત આવવો જોઈએ. કારણ કે આવા ચાલુ હોદ્દા પર રહી ચૂંટણી લડવામાં આવે તો તેઓ અન્ય ઉમેદવારો કરતાં વિશેષાધિકારો ભોગવી શકે છે.

તેમને દા.ત. પોલીસ રક્ષણ મળે છે, તેમની સભા યોજવામાં તેઓ તંત્રની મદદ લઈ શકે છે. હોદ્દા પર હોવાથી મતદારો પર અસર પડી શકે છે. આમ આવા ઉમેદવારો અને અન્ય ઉમેદવારો વચ્ચે અસમાનતા સર્જાય છે. 2) ચૂંટાયેલ સરકાર બહુમતિના જોરે ગબડાવવાની કોઈ પાસે સત્તા હોવી જોઈએ નહીં. આ નિયમનાં કારણે જ પક્ષપલ્ટા કે ટેકો પાછો ખેંચી લેવાના કારણે સરકાર અસ્થિર કરી શકાશે નહીં. કોઈપણ પક્ષની જે કોઈ સરકાર રચાય, તે પૂરી મુદ્દત સુધી ટકી રહેવી જોઈએ. 3) પક્ષપલ્ટુએ (ધારાસભ્ય, સાંસદ કે પ્રધાન તરીકે) હોદ્દા પરથી રાજીનામું ધરી દેવું જોઈએ.

તેને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને અન્ય કોઈ સરકારી કે અર્ધસરકારી હોદ્દો ધારણ કરવા પર પણ પ્રતિબંધ હોવો જોઈએ. 4) મોટા ભાગે એવું બને છે કે સરકારના પ્રધાનોને પક્ષીય પ્રવૃત્તિ ફાળવવામાં આવે છે. ધારાસભ્યો કે પ્રધાનો જાહેર નોકર છે. લોકહિતના કામો માટે તેમને ચૂંટવામાં આવે છે. તેમનું પક્ષનું કામ સોંપી શકાય નહીં. 5) વર્તમાન કાનૂની જોગવાઈ પ્રમાણે કોઈપણ ઉમેદવાર બે મતક્ષેત્રોમાંથી ચૂંટલી શકે છે. જો તે બંને મતક્ષેત્રોમાંથી ચૂંટાય, તો તેને એક બેઠક પરથી રાજીનામું આપવા ફરજ પડે છે, તેના પરિણામે ખાલી પડેલ બેઠક પર સરકારી તિજોરીમાંથી પ્રજાના પરસેવાના નાણામાંથી પેટા-ચૂંટણી યોજાય છે. કોઈપણ ઉમેદવારને બે બેઠકો પરથી ચૂંટણી લડવાની આઝાદી આપી શકાય નહીં.

6) ઘણી સંસ્થાઓના નિયમોમાં એ જોગવાઈ હોય છે કે સળંગ 3 બેઠક સુધી ગેરહાજર રહેનાર સભ્યાના સભ્યપદનો આપોઆપ અંત આવતો હોય છે. આ જોગવાઈ (ધારાસભા કે સંસદ)ને પણ લાગુ પડવી જોઈએ. ક્યાંક સરાકરી તંત્ર, તેમજ શાળા-કોલેજમાં એવી જોગવાઈ પણ હોય છે કે વગર રજાએ ગેરહાજર રહેનારનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. આ જોગવાઈ ગૃહના સભ્યોને પણ લાગુ પાડવી જોઇએ. 7) ગૃહના સભ્યોને બંધારણ, જમીન મહેસૂલ, પર્યાવરણ, માહિતી અધિકાર વગેરે કાયદાઓ તેમજ ગૃહ સંચાલનની સઘન તાલીમ અપાવી જોઈએ.
પાલનપુર- અશ્વિનકુમાર ન.કારીયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top