ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા હંમેશ ઉકાળેલું પાણી અથવા ફિલ્ટર્ડ પાણી પીવું. વારંવાર સાબુથી હાથ ધોવા અને ગરમ પાણીથી કોગળા કરવા. ખોરકામાં વિશેષ કાળજી રાખવી. હળવો ખોરાક લેવો. સ્ટ્રીટ ફુડ, કાપેલાં ફળો અને ખુલ્લી મૂકેલી વસ્તુઓ ન ખાવી. સવારે વહેલાં ઊઠીને હૂંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવી પી જવું. અંદર થોડો મરીનો ભૂકો પણ નાખવો. સવારે બહાર ચાલવા ન જવાય તો ઘરમાં ચાલો. પ્રાણાયામ-કપાલભાતી અને અનુલોમ-વિલોમની ક્રિયાઓ કરવી. ચોમાસામાં ચામડીના રોગો જેવા કે ફન્ગલ ઇન્ફેકશન, ખસ-ખરજવું એલર્જી વગેરે જોવા મળે છે. માટે સ્નાન કરતી વખતે એન્ટિસેપ્ટિકનાં થોડાં ટીપાં ગરમ પાણીમાં નાંખવાં. બહાર નીકળો તો છત્રી કે રેઇનકોટ લઇ જવાનું ભૂલશો નહિ. બહારથી ભીંજાઈને આવો તો તુરન્ત શરીર લૂછી નાખી ગરમ પાણીથી સ્નાન કરી લેવું.
ખૂબ ટાઈટ કપડાં જેમ કે ટાઈટ જીન્સ, ટાઈટ અન્ડર ગાર્મેન્ટસ ન પહેરવાં. નાઈલોન-પોલીસ્ટરનાં કપડાં પણ ન પહેરવાં. બહાર નીકળતી વખતે વરસાદના જ શુઝ પહેરવાં. ઘરની આજુબાજ પાણીને જમા થવા દેવું નહિ. મોસ્કવીટો રીપેલન્ટનો ઉપયોગ કરો-ખાસ કરીને સાંજના સમયે. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા, લેપ્ટોસ્પાઈરોસીસ જેવા રોગો વિશેષ જોવા મળે છે. સૂતી વખતે મચ્છરદાની વાપરવી. પાણી ખૂબ પીતાં રહો. શરીરમાં થોડીક પણ ગરબડ લાગે તો તુરન્ત તમારા ફેમિલી ડોકટરનો સંપર્ક કરવો. દેશી ઉપચારમાં તુલસી-ફુદીનો-આદુનો ઉકાળો પીવો. રાત્રે એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવું.
શિકાગો, અમેરિકા – ડૉ. કિરીટ એન. ડુમસિયા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.