દેશની જનતાને આજે સોશ્યલ નેટવર્ક મારફતે ચકરાવે કોણ ચઢાવે છે? શા માટે આટલી બધી હદે વર્ગ વિગ્રહ કરાવવાની નવી પેરવી અને દેખાદેખીના ચકરાવા તેમજ કોમીવૈમનસ્ય વધારતા જતા, કહેવડાવાતા ધર્મ પ્રેમીઓ જરાતરા પણ તમારામાં અક્કલ હોશિયારી બાકી રહી હોય તો આજથી જ ચેતી જજો. આપણા દેશમાં શી ખબર કેવા કેવા તુંડમિજાજી અને નકરા બનાવટી ધર્મપ્રેમીઓનાં ટોળેટોળા ઊભરાતા જાય છે! છેલ્લા દાયકામાં ધાર્મિક વૈમનસ્ય છતું થયું છે, લાઉડસ્પીકર ઉપર હનુમાન ચાલીસા સારી વાત છે કે, રીતસરની ધાર્મિક અદેખાઈ અને ભારોભાર ઈર્ષ્યા જણાઈ આવે એવું નથી લાગતું?
આજકાલ મોટાભાગનાં સોશ્યલ નેટવર્કિંગના પડદા ઉપર સમુદાય અને ધર્મ, સંપ્રદાયને રીતસર નિશાને લઈ સદીઓથી ગવાતા અંગ્રેજી માધ્યમના નાના ભૂલકાના પ્રિય ગીત જીંગલ બેલને પણ બાનમાં લેવા સનાતન ધર્મની માતા તુલસીનો ઉપયોગ કરી લીધો. માની લઈએ કે આ સંસ્કાર સિંચનનો ભાગ હશે પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ તેમ આજે સર્વત્ર ધર્મ અને ધર્માંધતાના અંચળા ઓઢાડવાની જબરજસ્ત બાલિશ કોશિશો થઈ રહેલ છે. ખરેખર તો દેશની પ્રગતિની એકધારી સાચી દિશામાં અવરોધ ઉત્ત્પન કરી શકે છે, એવી દહેશત અસ્થાને તો નથી જ લાગતી.
સોનીફળિયા, સુરત- પંકજ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.