પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રોહિત શર્માના (Rohit Sharma) નેતૃત્વવાળી આ ટીમમાં સંતુલનનો અભાવ જોવા મળી રહ્યો છે. ટીમમાં 5 ઓપનીંગ (Opening) અને 3 મિડલ ઓર્ડર (Middle order) બેટ્સમેન (Batsman) છે, પરંતુ ટીમમાં એકેય ફિનીશર નથી. ટાર્ગેટ એચિવ કરવામાં ભૂમિકા ભજવી શકે તેવો એકેય અનુભવી બેટ્સમેન મિડલ ઓર્ડર કે લોઅર મિડલ ઓર્ડરમાં જોવા મળી રહ્યો નથી.
17 નવેમ્બરથી જયપુરમાં (Jaipur) ન્યૂઝીલેન્ડ-ભારત (New Zealand-India) વચ્ચે પહેલી ટી-20 (T-20) મેચ રમાશે. રોહિત શર્માની નેતૃત્વવાળી આ ટીમમાં પાંચ ઓપનરનો સમાવેશ કરાયો છે. રોહિત શર્મા, કે.એલ. રાહુલ, (K.L. Rahul) ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaikwad), ઈશાન કિશન (Ishan Kishan) અને વૈંકટેશ અય્યર (Vyankatesh Iyyer). જોકે, ભારત રોહિત શર્મા અને કે.એલ. રાહુલની ઓપનીંગ જોડી સાથે જ મેદાન પર ઉતરે તે લગભગ નક્કી જ છે. આવી સ્થિતિમાં મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરમાં અનુભવનો અભાવ સ્પષ્ટ વર્તાશે.
હાલની ટીમમાં એકમાત્ર ઋષભ પંત જ એવો ખેલાડી છે જે લાંબા સમયથી ટીમમાં રમી રહ્યો છે. તેના સિવાય સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ એય્યરની જે રીતે ટીમમાં આવનજાવન રહે છે તે જોતાં તેઓનો કોન્ફડીન્સ ઓછો હોય શકે છે. આવી સ્થિતિમાં તેઓ ટીમને મજબૂતી આપશે કે કેમ તે એક સવાલ છે. જોકે, યુવાન ખેલાડીઓ માટે આ એક તક પણ છે. જો તેઓ આ સિરીઝમાં હોમ કન્ડીશનમાં સારું પ્રદર્શન કરે તો ટીમમાં સ્થાન પાક્કું કરી શકે છે.
આ ટીમમાં ઓલરાઉન્ડરની પણ ખોટ જણાય છે. પસંદગીકારોએ વૈંકટેશ અય્યર પર ભરોસો મુક્યો છે, પરંતુ આ ડાબોડી બેટ્સમેન-સ્પીનરને પ્લેઈંગ 11માં સ્થાન મળે તે અંગે હજુ કશું નક્કી નથી. આવા સંજોગોમાં શ્રીલંકામાં બોલ અને બેટથી સારું પ્રદર્શન કરનાર દિપક ચાહર સિવાય ટીમ પાસે ઓલરાઉન્ડર તરીકે અન્ય કોઈ વિકલ્પ નથી. ટી-20માં અશ્વિન પાસે ઝડપી રનની કે ટોટલ સુધી પહોંચાડે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.
પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ પોતાના ટ્વીટર પર પ્રશ્ન ઉઠાવ્યો છે કે ટીમમાં પાંચ ઓનપર છે અને ફિનીશર તરીકે એક માત્ર ઋષભ પંત જ છે. આ સાથે અહીં એવી ચર્ચા પણ ઉઠી છે કે આઈપીએલમાં કેકેઆર તરફથી ઓપનીંગ કરનાર વૈંકટેશ અય્યરને ટીમ ફિનીશર તરીકે જોઈ રહી છે. કારણ કે વૈંકટેશને હાર્દિક પંડ્યાને સ્થાને પસંદ કરાયો છે.
આ ટીમમાં બોલર્સની ભરમાર છે. ખાસ કરીને સ્પીનર્સ. જાડેજાને આરામ અપાયો છે. તો બીજી તરફ લાંબા સમયથી ટીમની બહાર રહેલાં રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલને તક આપવામાં આવી છે. ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ ભૂવનેશ્વકુમાર સંભાળશે. તેની સાથે દિપક ચાહર, મોહમ્મદ સિરાજ અને યુવાન અવેશ ખાન છે. ટી-20 વર્લ્ડકપમાં ભૂવનેશ્વર કુમારનું પ્રદર્શન સારું રહ્યું નથી તે જોતાં મોહમ્મદ સિરાજની જવાબદારી વધી જશે.
આ તમામ પરિસ્થિતિઓનું આંકલન કરતા એ ચોક્કસ છે કે રોહિત શર્મા માટે સરળ કશું રહેશે નહીં. આ બિનઅનુભવી યુવાન ખેલાડીઓ સાથે રોહિત શર્મા ન્યૂઝીલેન્ડની સામે હોમ સિરીઝમાં કેવું પ્રદર્શન કરે છે તેની પર સૌ કોઈની નજર છે.
ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટે જાહેર થયેલી 16 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વેંકટેશ ઐય્યર, યજુવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ અને મહંમદ સિરાજ.