કેવી હોય ઑડિયન્સ પ્રત્યેની જવાબદારી?!
મોટા ભાગે ફિલ્મ અને અફેર માટે હેડલાઈનમાં આવતા એક્ટર્સ ઘણી વાર હેડલાઈનમાં વિલનનાં રોલમાં છપાતા હોય છે. એટલે એક બાજુ મોટા પરદા પર સોસાયટી, ભેદભાવ, દેશભક્તિની વાતો કરતાં, ખોટાકામ કરતાં વિલનને મારમારતાં હીરો રિયલ લાઈફમાં એવા નથી હોતાં તે પોતે જ સાબિત કરે છે. ફિલ્મ શરૂ થવાં પહેલા નંદુને ‘ફુ-ફું’ નહીં કરવાની સલાહ આપતા ખિલાડી કુમાર પોતે એક પાનમસાલાની જાહેરાત માટે કેટલા ટ્રોલ થયા હતાં એ તો ખબર જ છે. આવા તો બોલિવૂડ અને તાજેતરમાં તો સાઉથનાં સ્ટારનાં પણ ઘણા કિસ્સાઓ છે, જેમાં તેઓ પાનમસાલા, તમાકુ જેવા પ્રોડક્ટ અને કાયદેસર રીતે શંકાસ્પદ બેટિંગ એપ્લિકેશન માટે લાખો-કરોડો રૂપિયા લઈને જાહેરાત કરે છે. આ કામથી તેમનાં ફેન્સ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં નૈતિકતાની કિંમત એક એડવર્ટાઈઝમેન્ટ ડીલ જેટલી જ છે?
જુલાઈ 2025માં સાઉથનાં મજેદાર અભિનેતા વિજય દેવરકોંડા જેની આ મહિનાના અંતે (ફક્ત સાઉથની ભાષાઓમાં જ) ફિલ્મ આવવાની છે તેનાં સહિત 29 જેટલા ઈન્ફલૂએન્સર્સ સામે કાનૂની નોટિસ ફટકારાઈ છે. કારણ કે બધાએ વિવાદિત ઓનલાઈન ગેમિંગ/બેટિંગ એપ્લિકેશન માટે પ્રમોશનલ વીડિયો કર્યો હતો. આ એપ પર “સ્કિલ બેઝ્ડ ગેમિંગ” ના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં તેનો ફોર્મેટ જુગાર રમવા માટે પ્રમોટ કરવાનો હતો. આ ઘટના પછી સોશ્યલ મીડિયા પર લોકોનો ભારોભાર રોષ ફાટી નીકળ્યો વિરોધમાં હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. જો કે આ કિસ્સો કંઈ એકમાત્ર નથી અને આગળ પણ થશે જ. પણ કોઈ સેલેબ્રિટી આમ શું કામ કરે છે તેની ચર્ચા ટૉક ઓફ ધ ટાઉન કરી રહ્યું છે. એક સેલેબ્રિટી લગભગ 10 થી 50 કરોડની ફી મેળવે છે, તો સામે આવાં પાનમસાલા અથવા બેટિંગ એપની એક જ જાહેરાત માટે લગભગ 5 થી 15 કરોડ જેટલી ફી મળી જાય છે! એટલે કે હાઈ માર્જિન. ફિલ્મ કરતાં ઓછું કામ કરી વધારે પૈસા કમાવા મળે છે. જેમાં કોઈ મહેનત પણ ખાસ કરવી પડતી નથી. માત્ર એક-બે દિવસનાં શૂટ માટે કરોડો મેળવો. મોટા ભાગનાં સેલેબ્રિટી માટે એડમાં આવવું માત્રને માત્ર કોમર્શિયલ ડીલ જ હોય છે, તેની પાછળ તેમનો આશય એવો નથી જ હોતો કે લોકો પાનમસાલા ખાય કે સટ્ટો રમે. આ બધા ઉપર તેમની PR ટીમોનો પ્રભાવ હોય છે. ઘણીવાર મેનેજરો, એજન્સીઓ અને બ્રૅન્ડ ડીલ્સ અને બીજા ઘણા દબાણ હેઠળ કલાકાર આવી ડીલ ચુપચાપ સાઇન કરી લે છે.
પણ આ બધા પછી શું થાય છે તેની સાડાબારી આ કલાકારો રાખતા નથી. માર્કેટ રિસર્ચ મુજબ, જ્યારે કોઇ સેલિબ્રિટી એવું કહેં કે તેણે કોઇ બ્રૅન્ડ પસંદ કરી છે, ત્યારે સામાન્ય યુવાન 3 ગણાં વધારે તે બ્રૅન્ડને ટ્રાય કરવાનું વિચારે છે. ખાસ કરીને નાના શહેરોના યુવાઓ માટે તો બોલિવુડ સેલિબ્રિટીઓ ‘રોલ મોડેલ’ છે. અને એક રીતે આ એડ્વર્ટાઇઝ માત્ર પ્રોડક્ટસ નથી વેચતી, પણ લાઇફસ્ટાઇલ અને ઇમેજ પણ વેચે છે. જ્યારે અજય પાનમસાલા ખાય કે સલમાન થમ્સઅપ પીવે તો એક સામાન્ય યુવકને પણ તેમ કરવાની ઈચ્છા થાય. જો કે આ બધા માટે એમ તો કાયદાની જોગવાઈ છે 2022માં ASCI એ આવી જાહેરાત નીતિ બહાર પાડી હતી જેમાં પાનમસાલા, તમાકુ અથવા બેટિંગ એપ્સના પ્રચાર માટે સેલિબ્રિટીઓને વધુ જવાબદારીપૂર્વક પસન્દ કરે તેમ કહેવામાં આવ્યું હતું. પણ તે નિયમોની કાગળ સુધી જ સીમિત રહે છે. ઉદાહરણ તરીકે, તમાકુ અથવા ગુટખા પ્રતિબંધ હોવા છતાં, કોઈ બીજું નામ કે પાનમસાલા તરીકે જાહેર કરી પબ્લિશ થાય છે. અને આવું આજકાલથી નથી બની રહ્યું. 2003માં મહાનાયક બચ્ચન સા’બ એ પણ પાન મસાલાની કંપની માટે જાહેરાત કરી હતી, જે બાદે તેઓએ ખુલ્લેઆમ કહ્યું કે “તે સમયની જરૂરિયાત હતી ત્યારે કર્યું આજે નહિ કરું.”
હવે જ્યારે એક તરફ યંગ જનરેશન સેલિબ્રિટીઓમાંથી પ્રેરણા લે છે, ત્યારે આ સેલેબ્રિટીઝે વિચારવું પડશે કે તેઓ માત્ર પ્રોડક્ટનો ફેસ નથી પણ સમાજ માટે જવાબદાર છે. પાનમસાલા અને જુગારની એપ્સના માધ્યમથી તેઓ કેવી છબી ઉભી કરે છે? જ્યારે દિલીપ કુમાર, રાજકપૂર અને મનોજ કુમાર, દેવાનંદની ફિલ્મો સમાજ માટે ઉદાહરણ બનતી હતી, ત્યારે આજના સેલેબ્રિટીઝ શું વેચી રહ્યાં છે? •
