Columns

જીવનમાં કેવા બનવું જોઈએ

આશ્રમમાં  અભ્યાસ પૂરો કરીને જઈ રહેલા શિષ્યોનો વિદાય સમારંભ હતો. આજે ગુરુજીનું છેલ્લું પ્રવચન સાંભળવા મળવાનું હતું. બધા શિષ્યો ગુરુજીના શબ્દો સાંભળવા આતુર હતા. ગુરુજીએ કહ્યું, ‘‘શિષ્યો આજે તમારો આશ્રમમાં છેલ્લો દિવસ છે પણ જીવન સંઘર્ષની શરૂઆતનો પહેલો દિવસ છે. તમારા બધાના મનમાં વિચારો હશે, સપનાંઓ હશે કે તમે આગળ શું બનશો ? ચાલો, તમે બધા મને જણાવો.’’

શિષ્યોને સલાહ સૂચન આપવાના સ્થાને ગુરુજીએ તેમને પ્રશ્ન પૂછ્યો. બધા શિષ્યો ઉત્સાહમાં આવી બોલવા લાગ્યા…. કોઈકે કહ્યું અતિ શ્રીમંત બનીશ… કોઈકે કહ્યું સમાજસુધારક બનીશ… અન્યે કહ્યું સૌથી તાકતવર બનીશ… કોઈકે કહ્યું દાનવીર બનીશ… આમ ઘણા જવાબો મળ્યા. ગુરુજીએ બધાના જવાબ સાંભળ્યા પછી આગળ કહ્યું, ‘‘શિષ્યો, આ બધું તમે તમારાં કાર્યોથી બનશો એટલે કે તમે શું બનશો? આ સવાલનો જવાબ છે પણ આજે હું તમને તમે કેવા બનજો? ની અંતિમ સમજ આપવા માંગું છું. તે ધ્યાનથી સાંભળજો અને તમારા સ્વભાવ અને વર્તનથી એવા બનજો.’’

બધા એક  નથી. ગુરુજીના આગળના શબ્દો સાંભળવા તૈયાર થઈ ગયા. ગુરુજીએ કહ્યું, ‘‘તમે તમારાં વાણી, વર્તન, સ્વભાવથી સ્વયં એવાં બનજો કે તમે જ્યાં હો,જેની સાથે હો, કુટુંબમાં, મિત્રવર્તુળમાં બધા તમને પ્રેમ કરે. જ્યાંથી તમે આગળ વધી જાવ કે જ્યાંથી ચાલ્યા જાવ ત્યાં તમને બધા પ્રેમથી યાદ કરે…જ્યાં તમે જાવ ત્યાં બધા તમને પ્રેમથી આવકાર આપે અને જ્યાં હજી તમે પહોંચ્યા ન હો ત્યાં બધા તમારી આતુરતાથી રાહ જુએ. જયારે તમે આવી સ્થિતિ નિર્માણ કરી શકો, તેવા બની જશો ત્યારે જીવનમાં ઉચ્ચતમ સફળતા મેળવી છે તેમ સમજજો.’’ એક શિષ્યે પૂછ્યું, ‘‘ગુરુજી, આ ઉચ્ચતમ સફળતા મેળવવા વિચાર, વાણી અને વર્તન કઈ રીતે કેળવવાં પડે?’’

ગુરુજીએ સરસ જવાબ આપ્યો, ‘‘નીચા નમો અને મીઠા બનો. બધાને પ્રેમ અને સન્માન આપો. જો તમે જીવનમાં હંમેશા બધા સાથે મીઠી વાણી રાખી બોલશો,વર્તનમાં નમ્રતા અને સાલસતા રાખશો અને દરેકને સ્મિત સાથે સાથ સહકાર આપતાં રહેશો. યાદ રાખજો, કોઈ વિષે ખરાબ બોલવું નહિ, પાછળથી નિંદા કરવી નહિ, અભિમાન કે ક્રોધમાં કોઈનું અપમાન કરવું નહિ. પ્રેમ અને માન મેળવવા હોય તો પ્રેમ અને સન્માન આપતાં શીખજો તો જરૂર ધીમે ધીમે ઉચ્ચતમ સફળતા મેળવી શકશો.’’ ગુરુજીએ જીવનમાં કેવા બનવું જોઈએ તેની ઉત્તમ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top