સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ જણાવવાનું કે જે વૃધ્ધો ફેમીલી પેન્શન મેળવે છે તેઓ પાસે તેઓએ પુન:લગ્ન નથી કર્યા તેની ખાતરી કરાવતી પૂર્તિ કરાવવામાં આવે છે, જે કાયદેસર અને વ્યવહારુ છે, પરંતુ આવી પૂર્તિ રૂા. ૩૫૦ ના સ્ટેમ્પ પેપર પર કરાવવાનો આગ્રહ રખાય છે. એને કારણે વૃધ્ધો શારીરિક, માનસિક અને આર્થિક રીતે વિટંબણા ભોગવે છે. આ અંગે આ પત્ર લખતાં પહેલાં મેં કમિશ્નરશ્રી, મેયરશ્રી તથા કંપની સેક્રેટરીને વિનંતી કરતો ઇમેલ પાઠવ્યો હતો. પરંતુ કોર્પોરેશન કયારે ય કોઇ કમ્યુનિકેશનના જવાબ આપવામાં માનતું નથી તેવો અહેસાસ થતાં આ પત્ર લખ્યો છે. આ માંગણી એટલા માટે કરવામાં આવે છે કે પેન્શનના મૂળભૂત કાયદાઓમાં કયાંયે એવું લખ્યું નથી કે આવી બાંહેધરી સ્ટેમ્પ પેપર પર લેવી. વળી કોઇ પણ સરકારી ખાતામાં (રાજય અને કેન્દ્ર સરકારના), બેંકોમાં એલઆઇસી કે જીઆઇસી માં આવી બાંહેધરી એટલે કે અન્ડર ટેકીંગ કે ફેમીલી પેન્શનરે પુન:લગ્ન નથી કર્યા. તે સ્ટેમ્પ પર લેવામાં આવતી નથી. કોર્પોરેશન યોગ્ય વ્યવહારુ અભિગમ અપનાવે એવી વિનંતી છે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
