Comments

આરોપીની મિલકત પર બુલડોઝર ચલાવવામાં ક્યો ન્યાય છે?

નાના હતા ત્યારે અંધેરી નગરીના ગંડુ રાજાની કથા વાંચી હતી, જેનો ગાંડો રાજા કોઈ પણ ગુના માટે કોઈને પણ આડેધડ સજા ઠપકારી દેતો હતો. ભારતનાં કેટલાંક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી આવી આડેધડ ન્યાયની પદ્ધતિ શરૂ થઈ છે, જેમાં કોઈ આરોપીનો ગુનો સાબિત પણ થાય તે પહેલાં બુલડોઝર વડે તેનું ઘર કે દુકાન તોડી પાડવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ કઢંગી ન્યાયપદ્ધતિના પુરસ્કર્તા છે. તેમના બુલડોઝરનો ભોગ મોટે ભાગે મુસ્લિમો બનતા હોવાથી કટ્ટર હિન્દુત્વવાદીઓ તેમના વખાણ કરતા થાકતા નથી; પણ તેઓ એ વાત ભૂલી જાય છે કે ભારતનાં બંધારણમાં કે કાયદાપોથીમાં ક્યાંય ગુનેગારોને આ રીતે સજા કરવાની વાત લખવામાં આવી નથી.

હકીકતમાં ભારતની ન્યાયપદ્ધતિમાં ઘણી ખામીઓ છે. મોટા ભાગના કેસોમાં આરોપીને ન્યાય મળતાં દાયકાઓ નીકળી જાય છે, જેને કારણે ગુનો આચરનારાઓમાં કાયદાનો ડર રહ્યો નથી. આ પરિસ્થિતિમાં ગુનેગારને ઝડપથી સજા થઈ છે, તેવો સંકેત લોકોને આપવા બુલડોઝરની સિસ્ટમ વિકસાવી કાઢવામાં આવી છે, પણ તેમાં નવાણિયા કૂટાઈ જાય છે. જો આરોપીના બંગલામાં કોઈ ગેરકાયદે બાંધકામ ન હોય તો પણ તેના પર બુલડોઝર ચલાવી દેવામાં ક્યો ન્યાય છે? અને જો આરોપીના મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તો તેના પર બુલડોઝર ચલાવવામાં કેમ વિલંબ કરવામાં આવ્યો?

ભારતમાં બુલડોઝર દ્વારા ન્યાયની પ્રથા ખૂબ આગળ વધી ગયા પછી મોડે મોડે સુપ્રીમ કોર્ટે પણ તેની નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દેશનાં ઘણાં રાજ્યોમાં આરોપીઓની મિલકતો પર બુલડોઝર કાર્યવાહી અંગે કડક ટિપ્પણી કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથની ખંડપીઠે કહ્યું કે કોઈના ઘરને માત્ર એટલા માટે કેવી રીતે તોડી શકાય કે તે આરોપી છે. જસ્ટિસ બી.આર.ગવઈએ ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે કેવી રીતે કોઈનું ઘર માત્ર એ આધાર પર તોડી શકાય કે તે કોઈ કેસમાં આરોપી છે? હવે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં પણ ગાઈડલાઈન ઘડવાનું નક્કી કર્યું છે.

દેશનાં અનેક રાજ્યોમાં વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર વડે ઈમારતો તોડી પાડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. એપ્રિલ ૨૦૨૨માં દિલ્હીના જહાંગીરપુરીમાં ડિમોલિશનની કાર્યવાહીના આયોજન સમયે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જહાંગીરપુરીમાં વર્ષ ૨૦૨૨માં હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા નિમિત્તે સાંપ્રદાયિક હિંસા થઈ હતી, જે બાદ વહીવટીતંત્રે આ વિસ્તારનાં ઘણાં મકાનોને ગેરકાયદેસર બાંધકામની નોટિસ મોકલી હતી અને બુલડોઝર વડે તોડકામ શરૂ કરવાની તૈયારી કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી પરંતુ અરજદારોએ એવી ઘોષણા માંગી હતી કે સત્તાવાળાઓ સજા તરીકે બુલડોઝરનો ઉપયોગ કરી શકતા નથી.

આ અરજદારોમાંનાં એક ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અને સીપીએમ નેતા બ્રિન્દા કરાત પણ હતાં, જેઓ જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી દરમિયાન સ્થળ પર પહોંચ્યાં હતાં. સપ્ટેમ્બર ૨૦૨૩માં જ્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે કેટલાક અરજદારોના વકીલ દુષ્યંત દવેએ રાજ્ય સરકાર દ્વારા આરોપીઓના મકાનો તોડી પાડવાના વધી રહેલા કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘરનો અધિકાર એ બંધારણની કલમ ૨૧ હેઠળ જીવનના અધિકારનું એક પાસું છે. તેમણે તોડી પાડવામાં આવેલા મકાનોનાં પુનઃનિર્માણનો આદેશ આપવા કોર્ટને વિનંતી કરી હતી.

ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોઈ પણ ઈમારતને તોડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે વ્યક્તિ પર કોઈ ગુનાનો આરોપ હતો. અમે એફિડેવિટ દ્વારા બતાવ્યું છે કે નોટિસ ઘણા સમય પહેલા મોકલવામાં આવી હતી. ડિમોલિશન પ્રક્રિયા એક સ્વતંત્ર બાબત છે જેનો કોઈ ગુના સાથે કોઈ સંબંધ નથી. બીજી તરફ અરજદારોના વકીલ દુષ્યંત દવે અને સી.યુ. સિંહે જવાબમાં જણાવ્યું હતું કે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા કારણ કે તેઓ અમુક કેસમાં આરોપી હતા.

ઉત્તર પ્રદેશ સરકાર વતી તુષાર મહેતા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે સુપ્રીમ કોર્ટની આંખમાં ધૂળ નાખવા બરોબર હતો. દેશમાં અને ઉત્તર પ્રદેશમાં એવા કેટલાય કિસ્સાઓ બન્યા છે કે કોઈ આરોપી પર ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તેના ગણતરીના કલાકોમાં બુલડોઝર વડે તેનું મકાન તોડી પાડવામાં આવ્યું હોય અને બીજે દિવસે મીડિયામાં તેની ગર્વભેર જાહેરાત પણ કરવામાં આવી હોય. જો તુષાર મહેતાના જણાવ્યા મુજબ ગેરકાયદે બાંધકામ માટે અગાઉ નોટિસ આપવામાં આવી હોય તો તેને તોડવામાં કેમ વિલંબ કરવામાં આવતો હતો? શું તેનો માલિક બીજો કોઈ ગુનો કરે તેની રાહ જોઈને મકાનનું તોડકામ કરવામાં આવતું હતું?

સુપ્રીમ કોર્ટની બેન્ચે પણ સ્પષ્ટ કહ્યું છે કે અમે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરીશું, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે કોઈપણ અનધિકૃત બાંધકામને રક્ષણ આપીશું. બેન્ચે બંને પક્ષોને આ કેસમાં માર્ગદર્શિકા નક્કી કરવા માટે સૂચનો સાથે તેની પાસે આવવા કહ્યું છે અને આ કેસની આગામી સુનાવણી ૧૭ સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. બેન્ચે મૌખિક રીતે કહ્યું હતું કે કોઈપણ ઇમારતને તોડી પાડવા માટે કાયદા છે, પરંતુ તેનું ઉલ્લંઘન થતું જોવામાં આવ્યું છે.

તાજેતરના ભૂતકાળમાં કોઈ પણ ગુનાના આરોપીનું મકાન બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હોય તેવા સંખ્યાબંધ કિસ્સાઓ બન્યા છે, જેમાંનો એક અયોધ્યા રેપ વીથ મર્ડર કેસ છે. અયોધ્યા પ્રશાસનના કહેવા અનુસાર ૧૨ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારના આરોપીની બેકરી પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર વિજય સિંહે જણાવ્યું હતું કે મોઈદ ખાન નામના વ્યક્તિની બેકરી તોડી પાડવામાં આવી છે. આ બેકરી તળાવની ટોચ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.

પોલીસે બળાત્કારના કેસમાં બેકરીના માલિક મોઈદ ખાન અને તેના એક કર્મચારીની ધરપકડ કરી હતી. આ બે લોકોએ બે મહિના પહેલા એક સગીર પર બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટની સોમવારની કાર્યવાહી પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે ઝડપી ન્યાયની આડમાં, બહુજન અને ગરીબોના પરિવારો વારંવાર ભયનું રાજ સ્થાપિત કરવાના ઈરાદા સાથે ચલાવવામાં આવતાં બુલડોઝરના પૈડાં નીચે આવી જાય છે.

રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી કે સુપ્રીમ કોર્ટ આ અત્યંત સંવેદનશીલ વિષય પર સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરશે. કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે પણ આ મામલે કહ્યું કે આરોપી સામે બુલડોઝિંગ ઓપરેશન કરવામાં આવે તો કોર્ટ અને બંધારણની શું જરૂર છે. આ બર્બર યુગની યાદ અપાવે છે કે દેશમાં સરમુખત્યારશાહી છે અને કોઈ બંધારણ નથી. ઘર તોડવું કે નહીં, જેલમાં જવું કે નહીં, દંડ ભરવો કે નહીં એનો નિર્ણય અદાલતે લેવો જોઈએ. ઉત્તર પ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર પણ આ પગલાંને બંધારણીય માનતા નથી.

જસ્ટિસ ગોવિંદ માથુર કહે છે કે ગુનાખોરી રોકવાના નામે કાયદાનું ઉલ્લંઘન ન કરી શકાય. ગુનાઓને રોકવા માટે પ્રશાસનનું સક્રિય હોવું જરૂરી છે, પણ આ માટે કાયદો તોડી શકાય નહીં. એવું ન હોઈ શકે કે ગુનાઓને રોકવા માટે CrPC, અદાલતો અને કાયદાના શાસનની અવગણના કરવામાં આવે. જો આ સમસ્યાના મૂળમાં જઈએ તો ભારતની ધીમી ન્યાયપદ્ધતિ સુધારવાની જરૂર છે, જેને કારણે આવા સવાલો પેદા થતા હોય છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top