વિદેશમાં જન્મીને ભારતમાં અભિનેત્રી તરીકે કારકિર્દી બનાવનારમાં કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડિસ જરૂર છે પણ બીજી એવી ઘણી છે જે સફળ રહી શકી નથી. આમાં સની લીઓન કદાચ સૌથી પ્રથમ યાદ આવે. તે તેની ઈરોટીક ઇમેજને કારણે ખૂબ ચર્ચામાં રહી છે ને આજે પણ સનીની એક તસવીર પ્રિન્ટ થાય તો લોકો તરત જ તેને જોઇ લે છે. ‘મસ્તીજાદે’થી માંડી ‘રાગિણી એમએમએસ-૨’, ‘એક પહેલી લીલા’માં તે જરૂર હતી પણ હવે તેના નામે નવી ફિલ્મો આવી નથી રહી. ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’માં જરૂર આવે છે પણ તેની કારકિર્દી હવે ખાસ બચી નથી.
જેમ મલ્લિકા શેરાવતની કારકિર્દી આગળ નહોતી વધી તેનું સની લિઓનનું છે. બીજી છે એમી જેકસન જે ડગ્લાસમાં જન્મી છે. ‘એક દીવાના થા’થી તે હિન્દી ફિલ્મોમાં આવી પણ પછી તેના નામે ‘ફીકી અલી’, ‘સિંઘ ઇઝ બ્લિંગ’ જેવી ફિલ્મો જ ઉમેરાય શકી. છેલ્લે ‘તૂતક તૂતક તૂટિયા’માં તે આવી. હિન્દીમાં ન ચાલી તો તમિલ, તેલુગુમાં કામ કરવા માંડી પણ હવે ત્યાં પણ તેને નવી ફિલ્મો નથી મળતી. એવા નામોમાં એવલીન લક્ષમી શર્મા પણ છે જે જર્મનીના ફ્રેન્કફર્ટમાં જન્મી છે. તેના પિતા પંજાબી ખરા પણ મિકસ બ્લડ હોય તો મુશ્કેલી જ પડે. એવલીન જો કે ‘ફ્રોમ સીડની વિથ લવ’, ‘નૌટંકી સાલા’, ‘યે જવાની હે દીવાની’થી માંડી ‘જબ હેરી મેટ સેજલ’, ‘ભૈયાજી સુપરહીટ’, ‘સાહો’માં આવી પણ તે કેટરીના કૈફ નથી બની શકી. 2019 પછી તેની કોઇ ફિલ્મ રિલીઝ નથી થઇ એટલે તેને પણ ન ગણો તો ચાલે.
એવી વિદેશમાં જન્મેલી અભિનેત્રીઓમાં સપના પબ્બી છે. તે છેલ્લે ‘ડ્રાઇવ’માં આવેલી ને તે પહેલાં એક ફિલ્મમાં અહીં ન ચાલ્યું તો બે પંજાબી ફિલ્મમાં કામકરી લીધું. તે સાતેક વેબ સિરીઝમાં પણ આવી પણ તેને નવી ફિલ્મો નથી મળી રહી. અન્ય એક નામ તે સારાહ જેન ડિયાસનું. તે મસ્કત,ઓમાનમાં જન્મી અને તમિલ ફિલ્મથી શરૂઆત કરી. સાતેક હિન્દી ફિલ્મોમાં તે આવી. ‘માયા’, ‘કયા સુપર કુલ હૈ હમ’, ‘હેપી ન્યુ યર’, ‘ઝૂબાન’ વગેરે. પણ હવે પાંચેક વર્ષથી ફિલ્મો નથી. હા, હમણાં ‘તાંડવ’ વેબ સિરીઝમાં આયેશા પ્રતાપ સીંઘની ભૂમિકામાં તે જરૂર હતી.
આવા વિદેશમાં જન્મેલી અભિનેત્રી જે હવે નથી ચાલતી તેમાં ક્રિકેટર યુવરાજ સીનઘની પત્ની હેઝલ કિચ પણ છે. તે ‘બોડી ગાર્ડ’, ‘મેકિસમમ’, ‘ધર્મ સંકટ મેં’ વગેરેમાં હતી. છેલ્લે 2016માં એક ફિલ્મમાં આઇટમ નંબર કરી યુવરાજને પરણી ગઇ. હવે તેને યુવરાજની પત્ની તરીકે ઓળખો એટલું બસ. આવા પ્રશ્નો કલ્કી કોચેલીનને પણ છે. જો કે તે જન્મી છે પોંડિચેરીમાં પણ તે ફ્રેન્ચ માતા-પિતાનું સંતાન છે. અભિનેત્રી તરીકે સારી છે એટલે તેને ફિલ્મો મળે છે પણ તે ગ્લેમરસ લુક નથી ધરાવતી અને ઇન્ડિયન દેખાતી નથી એટલે વધુ ફિલ્મોની આશા ન રાખી શકે. બાકી, પાકિસ્તાનથી આવેલી અભિનેત્રીઓ ચાલી શકી હોત જો તેમનામાં ટેલેન્ટ હોતને સ્ટાર સપોર્ટ હોત. પણ પાકિસ્તાની હોય તે આજે ન જ ચાલે.