પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો પણ ભવ્ય અને વિશાળ હતા. તેમની સેવા માટે હજારો દાસ-દાસીઓ હતાં. પણ એક સમયે તેમના મનમાં વૈરાગ્ય જાગ્યો એટલે તેમણે નિશ્ચય કર્યો કે હવે સાધુ બની જવું અને બાકીનું જીવન પ્રભુકીર્તન અને પરમાર્થમાં પસાર કરવું તથા વનમાં જઇ સાધના કરવી. સંન્યાસનો વિચાર થયો. એટલે વનમાં જવાની તૈયારી કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે અમુક સામાન તો સાથે લઇ જવો જ પડશે જેમ કે સૂવા માટે એકાદ શેતરંજી તથા તકિયો લઇ જવો પડશે. વળી પાણી પીવા માટે એક કમંડળ જોઇશે, ભિક્ષા માગવા એકબે વાસણ જોઇશે. આમ થોડી વસ્તુ લઇ એ તો નીકળી પડ્યા વન ભણી.
જંગલ તરફ ચાલતા આગળ વિકટ રસ્તા આવતા ગયા. એક બાજુ ધોમધખતો તાપ હતો. મહેલોમાં રહેલા રાજા ભર્તૃહરિ વૈરાગ્યના કારણે આજે જંગલમાં ભટકતા હતા. તાપ સહન થતો ન હતો, એ વૃક્ષની છાયા શોધવા લાગ્યા, આગળ એક ઘટાદાર વૃક્ષ જોયું. ત્યાં એક માણસ કંઇ પણ પાથર્યા વગર તકિયા વગર ઊંઘતો હતો. એને જોઇ ભર્તૃહરિ પણ ઝાડ નીચે કંઇ પણ પાથર્યા વગર અને ઓશિકા વગર સૂઇ ગયા, થાકી ગયા હતા તેથી ઊંઘ આવી ગઇ. સાંજ પડે ઊઠયા અને જોયું કે ઓશિકા વગર પણ સરસ ઊંઘી શકાય છે.
કોઇ તકલીફ નથી એટલે એમણે પાથરણું અને તકિયો ત્યાં જ છોડી દીધાં અને આગળ ચાલ્યા. હવે પાણીની તરસ લાગી હતી. આગળ જતાં એક ખેતર જોયું, ત્યાં કૂવો હતો એટલે પાણી માટે ત્યાં ગયા. એ ખેતરનો ખેડૂત હાથમાં રોટલો લઇને ઝાડ નીચે બેસી ખાતો હતો. બીજા હાથમાં ડુંગળીનો ટુકડો હતો. ભર્તૃહરિ એને જોઇ રહ્યા. ખેડૂત રોટલો ખાઇ રહ્યા પછી કૂવામાંથી કાઢેલું પાણી ખોબા વડે પીવા લાગ્યો. રાજાએ જોયું કે પાણી પીવા કમંડળની કંઇ જરૂર નથી અને ખાવા માટે વાસણની પણ જરૂર નથી. ભર્તૃહરિએ પણ હાથના ખોબા વડે જ પાણી પીધું અને તરસ મીટાવી.
પેલા ખેડૂતે ઝૂંપડામાંથી એક પાથરણું લાવી મહારાજને બેસવા કહયું ત્યારે ભર્તૃહરિએ ના પાડી. એ પાથરણું છોડી નીચે જમીન પર બેસી ગયા. થોડી વાર થાક ખાઇ એ આગળ જવા નીકળ્યા ત્યારે એમણે કમંડળ અને વાસણો ત્યાં જ છોડી દીધાં. આગળ ચાલતા એક વૃક્ષ નીચે એક ગરીબ માણસ ફાટેલાં વસ્ત્રો પહેરેલો સૂતો હતો. તેને જોઇ થયું કે આ કેવાં વસ્ત્રોથી પણ ચલાવી લે છે. મારી પાસે જરૂર કરતાં વધારે વસ્ત્રો છે એટલે તેમણે પહેરેલાં કપડાં સિવાયનાં વધારાનાં વસ્ત્રો પેલા ગરીબ માટે ત્યાં જ છોડી દીધાં.
હવે મહારાજ ભર્તૃહરિ પાસે કંઇ બિનજરૂરી ન હતું. તેથી તેઓ અધિક હળવાશ અને શાંતિ અનુભવતા હતા. એ જ સ્થિતિમાં તેમણે વર્ષો સુધી વનવિચરણ કરી સાધના કરી. તેમને સાચું જ્ઞાન થયું કે ચીજવસ્તુઓ, ગાડીબંગલા કે મહેલો બધું બિનજરૂરી કે નિરર્થક છે. એનો મોહ ન હોવો જોઇએ. એ બધાનો મોહ છોડયો તો જ સાચો વૈરાગ્ય ગણાય. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે જે મનુષ્ય કામનાઓથી મુકિત મેળવે છે અને સંતુષ્ટ થતાં શીખી લે છે એ માણસ જ વૈરાગ્ય તરફ પ્રસ્થાન કરી શકે છે.