ગતાંકે ‘ રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ’ ને અનુલક્ષીને આપણે સ્તનપાનનું મહત્ત્વ સમજાવતો લેખ વાંચ્યો. હવે આ અંકે સ્તનપાન ક્યાં સુધી કરાવવું અને સ્તનપાન છોડાવી સામાન્ય દૈનિક આહાર પર બાળકને કઈ રીતે ઉતારવું તે જોઈએ. આપણે જોયું કે માતાના દૂધમાં બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી એવાં પોષક તત્ત્વો હોય છે, માતાનું દૂધ ખૂબ સુપાચ્ય હોય છે અને બાળકને રોગપ્રતિકારકશક્તિ પ્રદાન કરે છે પરંતુ નીચે મુજબનાં કારણોસર છ મહિના પછી બાળકને ધીરે ધીરે માતાના દૂધ ઉપરાંત ઉપરનાં પોષક તત્ત્વોની પણ જરૂર પડે છે. ધીરે ધીરે માતાનું દૂધ ઓછું કરાવીને પછી બંધ કરાવી ઉપરનો ખોરાક આપવાનો શરૂ કરવાની પ્રક્રિયાને અંગ્રેજીમાં ‘વીનિંગ’ કહે છે.
વીનિંગ શા માટે જરૂરી છે?
– બાળકના વિકાસ માટે લગભગ છ મહિના સુધી જરૂરી એવાં પોષક તત્ત્વો માતાના દૂધમાંથી બાળકને મળે છે પરંતુ ત્યાર બાદ બાળકનો વિકાસ ઝડપી બને છે જેના માટે માતાના દૂધ ઉપરાંત બીજા વિશેષ પોષક તત્ત્વોની બાળકને જરૂર પડે છે જે ઉપરના ખોરાક દ્વારા મેળવવા પડે છે. ( જો બાળક અધૂરા માસે જન્મ્યું હોય તો ક્યારથી વીનિંગ કરાવવું તેની સલાહ બાળકોના ડૉકટર પાસે પહેલાં લેવી.)
– જનમ ના છ મહિના સુધી બાળકનું પાચનતંત્ર નબળું હોય છે પરંતુ ત્યાર બાદ છ માસના ગાળા દરમ્યાન તે જટિલ ખોરાક પચાવવા ધીરે ધીરે તૈયાર થાય છે.
– છ માસ દરમ્યાન બાળકના જડબાંનું હલનચલન ચાવવાની પ્રક્રિયા માટે તૈયાર થાય છે.
કઈ રીતે જાણી શકાય કે હવે બાળક બહારનું ફૂડ લેવા માટે તૈયાર છે ? બાળકને બહારનો ખોરાક આપવાની શરૂઆત ક્યારે કરવી એ જાણવા માટે બાળકનાં કેટલાંક લક્ષણો પર ધ્યાન રાખવું જરૂરી બને.
- – બાળક પોતાની ડોક ટટ્ટાર રાખતું થાય.
- – બાળક બેસતું થાય
- – બાળક પોતાના હાથ અને આંગળીઓ વડે ખાદ્યપદાર્થોને પકડતું થાય
- – પોતાની આસપાસની વસ્તુઓ ઊંચકીને મોંઢામાં મૂકતું થાય
- – પોતાની મુઠ્ઠીને બચકાં ભરતું થાય
- – વારંવાર અડધી રાત્રે ઊઠતું હોય
- – માતાનું દૂધ લીધા બાદ પણ પેટ ન ભરાતું હોય એવું લાગે -ત્યારે સમજવું કે બાળક ને માતાના દૂધ સિવાય ઉપરનો આહાર આપવાની શરૂઆત કરવાનો સમય થઈ ગયો છે.
કેવા પ્રકારના ખોરાકથી વીનિંગ શરૂ કરી શકાય!? નીચે પ્રકારે, બાળકને ઉપરનો આહાર આપવાની શરૂઆત કરવી
- # શરૂઆતમાં બાળક કેટલી માત્રામાં ખાય છે એના કરતાં તે આપેલ ખાદ્યપદાર્થને સ્વીકારે છે કે નહિ તે જોવું જરૂરી બને છે.
- # બાળકને પાણી ઉકાળીને ઠંડું પડ્યા બાદ આપવું. રૂમના તાપમાને રહેલું પાણી બાળકને નવો ખોરાક આપવાની સાથે આપી શકાય.
- # જટિલ પ્રકારના ખોરાકને પચાવવા માટે બાળક તૈયાર થાય એટલે સૌ પ્રથમ ખાટો ન હોય એવો પ્રવાહી ખોરાક બાળકને ચખાડી શકાય. જેમ કે બાફેલાં શાકભાજીનો સૂપ, સફરજનનો જ્યુસ, બહારનું દૂધ ( ગાયના દૂધથી શરૂઆત કરી શકાય. જો ભેંસનું દૂધ આપવા માંગો તો ૫૦:૫૦% પાણી ભેળવી, ઉકાળી, ઠંડું પાડી આપવું.
- # શરૂઆતના ચાર-પાંચ મહિના દરમ્યાન શક્ય ત્યાં સુધી ખાંડ અને મીઠું આપવું નહિ. દરેક ઉપરના આહારનો મૂળ સ્વાદ બાળકને પારખવા દેવો. ખાંડ બાળકના દાંત પર અને મીઠું બાળકની કિડની પર અસર કરી શકે છે.
- # ચોખાનું ઓસામણ અને દાળનું ઓસામણ આપી શકાય.
- # નવમા મહિના સુધી ઘઉં , કઠોળ આપવા નહિ. ઘઉં , કઠોળ પચવામાં ભારે પડી શકે છે.
- # શરૂઆત પ્રવાહી અને બિલકુલ મીઠામસાલા વગરના ખોરાકથી કરી, ધીરે ધીરે સેમી શીરો, ઉપમા, ખીચડી જેવા ખોરાક તરફ નવમા મહિના સુધીમાં લઇ જઇ શકાય.
- # બાળકને નવો ખોરાક ચાખવા માટે ભૂખ લાગી હોય અને સ્તનપાન કરવાની તૈયારીમાં હોય ત્યારે આપવો .
- # શક્ય હોય તો જ્યારે બાળકને સેમી સોલિડ ખોરાક આપવાની શરૂઆત કરીએ ત્યારે આપણા ભોજનના સમયે અને જ્યારે આખો પરિવાર એકસાથે જમવા બેસતો હોય ત્યારે સૌની સાથે બાળકને બેસાડીને ખોરાક આપવાની શરૂઆત કરો. સૌનું જોઈ ને બાળક જલ્દી ખોરાક સ્વીકારવાની શરૂઆત કરશે.
- # બાળકને ટીવીની સામે લઈને અથવા મોબાઈલ બતાવીને ખોરાક આપવાની કોશિશ ન કરો. એક માતા માટે આ પ્રક્રિયા સરળ થશે પરંતુ બાળકનું ધ્યાન તે ખોરાકના સ્વાદ, સ્પર્શ, સુગંધમાં હશે નહિ અને તે ક્યારેય તે ખોરાકના મૂળભૂત સ્વાદને માણી નહિ શકશે. ખોરાક = કૃત્રિમ મનોરંજન એવી વ્યાખ્યા બાળકના મગજમાં ઠસાવવાનું ભવિષ્યમાં ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે.
- # મરચું, મસાલા, વેફર જેવો તળેલો ખોરાક, મેંદાના નાસ્તા, ચા, કોફી, ચોકલેટ જેવા પદાર્થો શરૂઆતના એક વર્ષના ગાળામાં આપવાનું ટાળવું.
- # દર અઢીથી ત્રણ કલાક બાદ ફળોનો રસ, સૂપ, ચોખા કે દાળનું ઓસામણ જેવું બાળકને ભૂખ લાગે ત્યારે આપવું. ખરું જોતાં બાળકને ખરી ભૂખ લાગે તે ઘડીની રાહ જુઓ . બરાબર ભૂખ લાગે ત્યારે બાળકની ખોરાકને સ્વીકાર કરવાની તૈયારી સારી હોય છે પણ હા, ખૂબ વધારે ભૂખ લાગી જતાં બાળક ચીડિયું બને તો ત્યારે એ બિલકુલ ખોરાકનો સ્વીકાર ન પણ કરે એવું પણ બને! આમ, ધીરે ધીરે માતાનું દૂધ બહારના ખોરાક સાથે આપતાં જઇ લગભગ દોઢ કે વધુમાં વધુ પોણા બે – બે વર્ષની ઉંમર સુધીમાં સ્તનપાન છોડાવી શકાય અને બાળકને સંપૂર્ણપણે ઘરના ખોરાક પર ઉતારી શકાય.