Charchapatra

આ સિંધુ જળ કરાર શું છે?

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વળતા જવાબમાં ભારત સરકારે સૌ પ્રથમ કામ ‘સિંધુ જળ સંધિ’ પર પ્રતિબંધ મૂકી દીધો. આ સિંધુ જળ કરાર 19 સપ્ટેમ્બર, 1960માં કરાંચીમાં વર્લ્ડ બેન્કની મધ્યસ્થીથી થયો હતો જેના પર ભારતના વ.પ્ર.જ.નહેરુએ અને પાકિ.ના પ્રમુખ અયુબખાને સહી-સિક્કા કર્યા હતા. સતલજ, ચિનાબ, ઝેલમ, રાવિ, બિયાસ અને સિંધુ નદીઓનાં પાણીની વહેંચણી અંગેનો આ કરાર છે. ભારતને સતલજ, રાવિ અને બિયાસનાં પાણી પર નિયંત્રણનો અને પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબનાં પાણી પર નિયંત્રણનો અધિકાર મળ્યો છે.

આ છ નદીઓનું 80 ટકા પાણી વહીને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાય છે, જે પંજાબનું 85 ટકા અનાજ ઉત્પન્ન કરે છે. પાકિસ્તાનના પંજાબની 70 ટકા ગ્રામ્ય વિસ્તારની વસતિ કૃષિ પર નિર્ભર છે. જો આ પાણી બંધ કરવામાં આવે તો પાકિ.ને કૃષિ ક્ષેત્રે તથા હાઈડ્રો-ઇલેકટ્રીક પાવર પ્રોડકશનમાં મુશ્કેલી આવી પડે. પાકિ.માં વીજળીની ખેંચ ઊભી થાય. આ સિંધુ જળ કરાર અનુસાર ભારત પાકિ.ને સોંપવામાં આવેલી નદીઓ (સિંધુ-ચેનાબ-ઝેલમ)નું 20 ટકા પાણી અટકાવી શકે છે. આ કરાર રદ કરવાથી પાકિ.માં અનાજ અને વીજળીની ખેંચ ઊભી થાય. પરિણામે પાકિ.ની અર્થવ્યવસ્થા ભાંગી પડે એમ છે. યુદ્ધ માત્ર શસ્ત્રથી નહિ, શાસ્ત્રથી પણ લડી શકાય!
સુરત     – ડૉ. કિરીટ ડુમસિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top