દિવાળી (Diwali) અને નવા વર્ષની (New year) ઉજવણી(Celebration) બાદ હવે આજથી છઠ્ઠ (Chatth puja) મહાપર્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને બિહારમાં (Bihar) ઉજવાતા આ તહેવારની દિલ્હીથી (Delhi) ચોંકાવનારી તસ્વીરો સામે આવી છે. દિલ્હીની યમુના નદીમાં (Yamuna River) બરફ તરી રહ્યો હોય અને તેની આસપાસ શ્રદ્ધાળુઓ છઠ્ઠ પૂજા બાદ યમુના સ્નાન કરતા હોવાનું તસ્વીરોમાં દેખાય છે, પરંતુ ખરેખર આ બરફ નહીં પરંતુ ફીણ છે. તે પણ ઝેરીલું ફીણ.
દિવાળીના 6 દિવસ પછી કાર્તિક માસની છઠ્ઠની તિથિએ છઠ્ઠ પર્વ મનાવવામાં આવે છે. 4 દિવસ સુધી મનાવાતા આ પર્વના પહેલાં દિવસે નહાય-ખાયની પરંપરા હોય છે. આ પરંપરાને જાળવી રાખવાના હેતુથી શ્રદ્ધાળુઓ નદી કિનારે જઈ પૂજા કરતા હોય છે. દિલ્હીમાં રહેતા શ્રદ્ધાળુઓ કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીના કાંઠે આજે સવારે ગયા હતા, ત્યારે અહીંનું દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. અહીં નદીમાં ઝેરીલું ફીણ તરી રહ્યું હતું. આ ફીણ સાથેના ઝેરીલા પાણીમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા મજબૂર બન્યા હતા.
આતશબાજીના લીધે દિલ્હીની હવા-પાણી ઝેરીલું બન્યું
વાત એમ છે કે દિલ્હીના પડોશી રાજ્યોમાં પરાલી સળગાવવાને કારણે ને દિવાળીમાં થયેલી આતશબાજીને કારણે રાજધાની દિલ્હીની હવા ઝેરીલી બની ગઇ છે. યમુના નદીમાં અમોનિયાનું લેવલ વધી ગયું છે, તેને કારણે અહીં ફીણ બન્યું છે. અમોનિયાનું લેવલ વધવાને કારણે પાણીને પુરવઠો પણ બાધિત થયો છે.
ઝેરીલા ફીણના લીધે રાજકારણ ગરમાયું
યમુના નદીમાં ઝેરીલા ફીણને કારણે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના નેતા અમિત માલવિયાએ ટવીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નિશાન સાધ્યું છે તો ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ કેજરીવાલ સામે નિશાન સાધીને કહ્યું હતું એ જ કારણે યમુના કિનારે છઠ્ઠ પૂજા મનાવવા પર પ્રતિબંધ મુકાયો હતો.
ચાર દિવસ શ્રદ્ધાળુઓ મનાવશે મહાપર્વ
બિહારના લોકોમાં છઠ્ઠ પૂજાનું વધારે મહત્ત્વ હોય છે. છઠ્ઠ પૂજાના પ્રથમ દિવસની શરૂઆત સ્નાનથી થાય છે. આ તહેવાર 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે મહિલાઓ સ્નાન કર્યા પછી સૂર્યની પૂજા કરે છે અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરે છે. નહાય-ખાયની આ પરંપરા અનુસાર સૌથી પહેલાં ઘરની સાફ-સફાઇ કરવામાં આવે છે. છઠ્ઠ પર્વ 4 દિવસ મનાવવામાં આવે છે, પહેલા દિવસે નહાય-ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા અને ચોથા દિવસે ક્રમશ અસ્ત થતા અને ઉદય થતા સૂર્યને નદી અથવા તળાવમાં ઉભા રહીને અર્ધ્ય આપવામાં આવે છે.