Columns

ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર મોદી સાથે વાત કરી તેમાં ભારતે ગભરાવા જેવું શું છે?

અમેરિકાને એક એવા રાષ્ટ્રપતિ મળ્યા છે, જેઓ રાજકારણી ઓછા છે અને વેપારી વધુ છે. રાજકારણીઓ હંમેશા દંભ કરતા હોય છે અને દરેક વાક્ય જોખી જોખીને બોલતા હોય છે. વેપારીઓ હંમેશા પૈસાની વાત કોઈ પણ જાતના દંભ વગર કરતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સોગંદવિધિમાં દુનિયાભરના નેતાઓને બોલાવ્યા પણ ભારતના વડા પ્રધાન મોદીને ન બોલાવ્યા ત્યારે જ ભારતના નેતાઓને ખ્યાલ આવી ગયો હતો કે ટ્રમ્પ મોદીથી નારાજ છે, પણ તે નારાજીનું કારણ સમજાતું નહોતું.

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ભારતથી નારાજ થવાનાં એક કરતાં વધુ કારણો મોજૂદ છે. પહેલું કારણ ભારતથી અમેરિકા જતાં વસાહતીઓ છે, જેઓ ત્યાં વસી જાય છે અને અમેરિકનોની નોકરીઓ ઝૂંટવી લે છે. હકીકતમાં આ એક ભ્રમ છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. અમેરિકાની પ્રગતિમાં ભારતનાં વસાહતીઓએ જેટલો ફાળો આપ્યો છે, તેટલો ફાળો બીજા કોઈ દેશનાં વસાહતીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે વસાહતીઓને ભારત પાછા મોકલીને હિસાબ ચૂકતે કરવાની તૈયારી કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને મોદી સામે બીજો વાંધો એ છે કે તેઓ રશિયા, ચીન, બ્રાઝિલ વગેરે દેશો સાથે મળીને ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સની કરન્સી લાવવાની તૈયારી કરી રહ્યા છે. જો કે બ્રિક્સની કરન્સી લાવવા સામે હજારો મુસીબતો છે, તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ તેથી ચિંતામાં છે, કારણ કે જો બ્રિક્સના દેશો આપસનો વેપાર ડોલરમાં કરવાનું બંધ કરી દે તો અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડે તેમ છે. આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની કરન્સી લાવનારા દેશો પર ભારે જકાત નાખવાની ધમકી આપી છે.

આ માહોલમાં ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી દૂર કરવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સામે ચડીને ફોન કર્યો ત્યારે તેમને ટ્રમ્પની નારાજગીનું વધુ એક કારણ જાણવા મળ્યું હતું. આ કારણ ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર ખાધ છે, જે ૨૦૨૪ના જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન ૪૧ અબજ ડોલર જેટલી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ આ ખાધ ઘટાડવા માટે મોદી ઉપર અમેરિકાનાં શસ્ત્રો ખરીદવા દબાણ કરી રહ્યા છે, જે ભારત માટે ધમકી સમાન છે.

સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત બાદ વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત છે. ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોઈ ઝાટકીને કહ્યું કે ભારતે વધુ અમેરિકન શસ્ત્રો ખરીદવાં જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર યોગ્ય રીતે થવો જોઈએ, એટલે કે અમેરિકાને વેપારમાં ખાધ ન રહેવી જોઈએ. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે નક્કર વાતચીત થઈ હતી. વડા પ્રધાન મોદીના વ્હાઇટ હાઉસ જવાના પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવી છે. વડા પ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં મળી શકે છે. વડા પ્રધાન મોદી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પેરિસમાં આયોજિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં ભાગ લેવા જશે અને ત્યાંથી તેઓ વોશિંગ્ટન ડીસી માટે રવાના થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વન પર પત્રકારોને કહ્યું કે મારી તેમની સાથે લાંબી વાતચીત થઈ છે અને તેઓ આવતા મહિને વ્હાઇટ હાઉસ આવવાના છે. વ્હાઇટ હાઉસે પ્રથમ વખત પોતાના નિવેદનમાં વડા પ્રધાન મોદીના આગમનનો સત્તાવાર સંકેત આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ પરસ્પર સંમત તારીખે ટૂંક સમયમાં મુલાકાત કરશે. બંને નેતાઓએ પરસ્પર લાભ અને વિશ્વાસપાત્ર ભાગીદારી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણના મુદ્દાઓ પર વાતચીત થઈ છે.

વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારત દ્વારા અમેરિકા પાસેથી વધુ સુરક્ષા સાધનો ખરીદવા અને સંતુલિત દ્વિપક્ષીય વેપાર પર ચર્ચા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારતને ટેરિફ કિંગ કહે છે. ટ્રમ્પ અવારનવાર ભારતના વેપાર સરપ્લસનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. તેનો અર્થ એ કે ભારત અમેરિકામાં ઊંચી કિંમતનો માલ વેચે છે અને ઓછી ખરીદે છે. ડોનાલડ ટ્રમ્પ હંમેશા કહેતા આવ્યા છે કે ભારત અમેરિકાથી આયાત થતા સામાન પર ઊંચો ટેરિફ લાદે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં ભારતનો GSP દરજ્જો ખતમ કરી દીધો હતો.

આ અંતર્ગત ભારતને તેનાં કેટલાંક વિશિષ્ટ ઉત્પાદનોની અમેરિકાને ડ્યુટી ફ્રી નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે અમેરિકાએ કહ્યું હતું કે ભારતે તેના માર્કેટમાં અમેરિકાની પહોંચ માટે ઘણા અવરોધો ઊભા કર્યા છે, જેના કારણે અમેરિકાના બિઝનેસ પર નકારાત્મક અસર પડી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે, પરંતુ તેમણે ભારતને તાકીદ કરતાં અમેરિકન સંરક્ષણ સાધનો ખરીદવાનો આગ્રહ કર્યો છે અને દ્વિપક્ષીય વેપારને સંતુલિત કરવા કહ્યું છે.

ભારત સામે ટ્રમ્પની ધમકી અંગે ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે લખ્યું છે કે જો ડોનાલડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદે છે તો તે અમેરિકાની આર્થિક દાદાગીરી હશે. અમેરિકાની અર્થવ્યવસ્થા ભારત કરતાં ઘણી મોટી છે. અમેરિકાની અર્થવ્યવસ્થા ૨૯ ટ્રિલિયન ડૉલરની છે, જ્યારે ભારતની માત્ર ૪ ટ્રિલિયન ડૉલરની છે. અમેરિકામાં માથાદીઠ આવક ૬૬ હજાર ડોલર છે, જ્યારે ભારતમાં તે માત્ર ૨,૪૦૦ ડોલર છે. અમેરિકા વિશ્વની આર્થિક વ્યવસ્થાને નિયંત્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થાય છે અને તેનાથી અમેરિકાનું વર્ચસ્વ વધે છે.

અમેરિકન નીતિઓ વિશ્વભરની અર્થવ્યવસ્થાને અસર કરે છે. અમેરિકા પોતાની તુલના ભારત સાથે કરી શકે તેમ નથી. સ્પર્ધા સમાન ધોરણે ચાલી રહી છે. અમેરિકાની વેપાર ખાધ મુખ્યત્વે ચીન સાથે છે. ચીન સાથે અમેરિકાની વેપાર ખાધ ૩૦ ટકા છે, EU સાથે તે ૧૬ ટકા છે અને કેનેડા સાથે ૧૫ ટકા છે, જ્યારે ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ માત્ર ૩.૨ ટકા છે. આ મામલે ભારત નવમા સ્થાને છે. છેલ્લા બે દાયકામાં ભારતની અમેરિકા પાસેથી સંરક્ષણ સાધનોની ખરીદી વધી છે. તાજેતરમાં જ ભારતે અમેરિકા સાથે ત્રણ અબજ ડોલરના પ્રિડેટર ડ્રોન સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત રશિયા પર તેની સંરક્ષણ નિર્ભરતા સતત ઘટાડી રહ્યું છે અને સંરક્ષણ ખરીદીનો વ્યાપ વધારી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી નહીં પણ તેની પાસેથી મહત્તમ શસ્ત્રો ખરીદી કરે. અમેરિકાની આ વિચારસરણી વ્હાઇટ હાઉસના નિવેદનમાં પણ જોવા મળે છે. બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકાએ પોતાના નિવેદનમાં ઈન્ડો-પેસિફિકનો ઉલ્લેખ કર્યો છે અને ક્વાડને આ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. જો કે, ભારતના નિવેદનમાં ઈન્ડો-પેસિફિકનો કોઈ ઉલ્લેખ નથી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા હતા.

અમેરિકા હંમેશા દુનિયાના દેશોને પોતાની લશ્કરી તેમ જ આર્થિક તાકાતથી દબાવીને પોતાનો વિકાસ કરતું આવ્યું છે. વિદેશ વ્યાપારમાં ડોલરની ઇજારાશાહીનો લાભ લઈને અમેરિકા દુનિયાભરનો માલ ખરીદી રહ્યું છે અને મફતમાં વાપરી રહ્યું છે. તેને કારણે અમેરિકામાં ઉત્પાદન ઘટી ગયું છે અને બેકારી વધી ગઈ છે. તેના દોષનો ટોપલો અમેરિકા વસાહતીઓ પર નાખી રહ્યું છે. જો અમેરિકા ખરેખર સુપર પાવર તરીકેનું પોતાનું સ્થાન ટકાવી રાખવા માગતું હોય તો તેણે દાદાગીરીની ભાષા બંધ કરવી જોઈએ અને પોતાનું ઉત્પાદન વધારવું જોઈએ. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ અમેરિકાની મુલાકાત લેશે ત્યારે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપે છે, તેના પરથી તેમની નેતૃત્વશક્તિની કસોટી થવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top