Business

હિન્દુઓને સંગઠિત કરવાના ઉપાય શો?

હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય, પેટા સંપ્રદાય, દેવ-દેવીઓ, ઇષ્ટપુરુષો, પંથો, ધર્મગ્રંથો, ધર્મગુરુઓ છે કે એમાંથી કોના આદેશોને હિંદુઓ માટે મૂળભૂત સમજવા એ સમસ્યા છે. દયાનંદ સરસ્વતીએ બધા હિંદુઓને એક ચોક્કસ મૂળભૂત તત્ત્વનિષ્ઠા પર આધારિત હિંદુ ધર્મના એક ખીલા પર બાંધવાની કોશિશ કરી હતી પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ખૂબી એ છે કે એક હિંદુને બીજા હિંદુનો ખીલો સ્વીકાર્ય નથી તો તેને બીજાના ખીલા સામે વાંધો પણ નથી.

બાપ શૈવ હોય અને દીકરો વૈષ્ણવ હોય તો કોઈ પણ પ્રકારના સંઘર્ષ વિના એક છાપરા નીચે જીવી શકે. એક જ ઘરમાં બે ખીલા હોય અને લહેર થઈ જીવન વ્યતીત થતું હોય. શ્રદ્ધાઓનો આ જે બગીચો છે અને એમાં દરેકને પોતપોતાની રીતે વિહરવાની સ્વતંત્રતા છે એ હિંદુ ધર્મની વિશેષતા છે. આ હિંદુઓની ખરી તાકાત છે, એક અનોખી ઓળખ છે; પણ કેટલાક લોકોને એમ લાગે છે કે આ હિંદુઓની નબળાઈ છે. હિંદુઓ પરાજીત થતા આવ્યા છે એનું કારણ અનેક ખીલાઓનું અસ્તિત્વ છે.

હવે જો એક ઈશ્વર, એક પેગંબર અને એક ધર્મગ્રંથ આધારિત અને હિંદુ ધર્મ કરતાં તો પ્રમાણમાં અનેક ગણા સંગઠિત ધર્મોની અનુયાયી પ્રજાને એક ખીલે બાંધવી શક્ય ન બનતી હોય તો હિંદુઓ માટે તો એ ક્યાંથી શક્ય બનવાનું. આ સિવાય દયાનંદ સરસ્વતીનો નિષ્ફળ પ્રયોગ સામે છે. તો પછી હિંદુઓને સંગઠિત કરવાનો ઉપાય શો?  ઉપાય એક જ છે, હિંદુઓની કોમી ઓળખ વિકસાવવાનો. તમે હિંદુ ધર્મમાં જન્મ્યા છો અને હિંદુ છો એટલું પૂરતું છે. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી.

તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના તમે હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકશો. તમારી તાકાતમાં વૃદ્ધિ થશે અને પછી જુઓ કોઈ તમારી સામે આંખ નહીં કાઢી શકે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આ શીખવાડવામાં આવે છે. હિંદુ તરીકેની ધાર્મિક શ્રદ્ધાકીય ઓળખ વિકસાવવાની જરૂર નથી, હોય તો તેને બાજુએ મુકો અને કોમી ઓળખ વિકસાવો. આને એ લોકો ‘હિન્દુત્વ’ કહે છે. હિંદુ હોવાના સર્વસામાન્ય અને સર્વમાન્ય લક્ષણો જે ધરાવતો હોય એ હિંદુ. વિનાયક દામોદર સાવરકરે પૃથકતાવાચક ‘ત્વ’ અન્વય ઉમેરીને હિંદુનાં વ્યવચ્છેદક લક્ષણો બતાવ્યાં છે; જે માત્ર હિંદુ જ ધરાવતો હોય, પછી તે ગમે તે પ્રકારનો હિંદુ હોય. જે હિંદુ હિંદુ પરિવારમાં જન્મ્યો હોય, જે હિંદુની પિત્રુભૂમિ (પિતૃભૂમિ, માત્રુભૂમિ નહીં, કારણ કે સ્ત્રી તો ક્ષેત્ર છે જેને વિધર્મી પુરુષ પણ ફલવતી કરી શકે. હિન્દુત્વ સમર્થક બહેનોએ આ માનસિકતાને સમજવી જરૂરી છે. તેમના અને તેમની કુખે જન્મ લેનારી દીકરીઓના લાભ ખાતર પણ સમજવાનો પ્રયાસ કરે.) હિન્દુસ્તાન હોય અને જેમની પવિત્રભૂમિ પણ હિન્દુસ્તાન હોય. બસ, આટલાં વિધર્મીઓથી હિંદુને અલગ પાડનારાં વ્યવચ્છેદક લક્ષણો ધરાવતો હિંદુ પોતાને હિંદુ તરીકે ઓળખાવતો થાય એટલું પૂરતું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં હિંદુને વિધર્મીથી નોખો પાડવા આ પણ શીખવાડવામાં આવે છે.

અહીં હમણાં મેં “ગમે તે પ્રકારનો હિંદુ હોય” એવો વાક્ય પ્રયોગ કર્યો ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો. ખિલાફત આંદોલન વખતે ગાંધીજીને અસહયોગ આંદોલનમાં સાથ આપનારા મૌલાના મહમ્મદઅલીને કોઈકે (સંભવત: સપડાવવાના ઈરાદે) પૂછ્યું કે તમે કહો છો કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે એટલે ઇસ્લામ ધર્મમાં જન્મ લેનારો માણસ શ્રેષ્ઠ જ હોવાનો. તમે એમ પણ કહો છો કે માત્ર મુસલમાન જ જન્નતનો અધિકારી છે, પછી તે ગમે તેવો હોય, કારણ કે તે મુસલમાન છે.

 શું આ વાત ખરી છે? મૌલાનાએ કહ્યું કે હા, આમાં કોઈ શંકા નથી. એ પછી સવાલ પૂછવામાં આવ્યો કે “તો પછી એ કહો મૌલાનાસાહેબ કે બળાત્કારી મુસલમાન અને મહાત્મા ગાંધીમાં શ્રેષ્ઠ કોણ? જન્નતનો અધિકારી કોણ” મૌલાના તો ઇસ્લામનાં મૂળતત્ત્વમાં પાકી નિષ્ઠા ધરાવનારા મૂળભૂતવાદી મુસલમાન હતા એટલે તેમણે નિ:સંકોચ કહી દીધું, મુસલમાન. આમ શ્રદ્ધાથી મુસલમાન હોય એ ઇસ્લામિક મૂળભૂતવાદીઓ માટે પૂરતું છે અને ઓળખથી હિંદુ હોય એ હિંદુ કોમવાદીઓ માટે પૂરતું છે, પછી હિંદુ કે મુસલમાન ગમે તેવો હોય.

મૂળભૂતવાદી રાજકારણમાં અને કોમી રાજકારણમાં નૈતિકતા જળવાતી નથી એનું આ કારણ છે. બન્ને પ્રકારના લોકો માણસને તેના ચારિત્ર્યથી નથી માપતા પણ તેની ધર્મશ્રદ્ધા અથવા ઓળખથી માપે છે. ગાંધીજી જેવા પવિત્રતમ મહાત્માનો મૌલાના મહમ્મદઅલીએ સાથ છોડ્યો હતો અને સાવરકરે સાથ આપ્યો નહોતો કારણ કે ગાંધીજી ધર્મ કરતાં માણસાઈને વધારે મહત્ત્વ આપતા હતા. તેમને બળાત્કારી મુસલમાન ચાલે, પણ ગાંધીજી જેવો સંસારનો પવિત્રતમ મહાપુરુષ ન ચાલે. તેમને હિંદુ ઓળખ ધરાવનારો ગમે તેવો હિંદુ ચાલે, પણ ગાંધીજી જેવો સંસારનો પવિત્રતમ સર્વશ્રેષ્ઠ હિંદુ ન ચાલે. આ એક મોરચે મૂળભૂતવાદીઓ અને કોમવાદીઓ એક ભૂમિકાએ ઊભા છે. માણસાઈના ત્રાજવાને નકારવાની બાબતે તેમને પોતપોતાનાં વ્યવચ્છેદક લક્ષણો વિકસાવવાની જરૂર નથી પડતી.

Most Popular

To Top