World

ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..

નવી દિલ્હીઃ ગોવામાં બોટ પલટી જતા 23 લોકોના મોત થયા અને 40 લોકોને બચાવી લેવાયા હોવાના સમાચાર સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની સત્યતા ચકાસતા તે વીડિયો ગોવાનો ન હોવાની માહિતી સામે આવી છે. આ વીડિયો ખરેખર આફ્રિકાનો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય આફ્રિકન દેશ કોંગોના પૂર્વ ભાગમાં કિવુ તળાવમાં ગુરુવારે સેંકડો મુસાફરોને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા હતા. દક્ષિણ કિવુ પ્રાંતના ગવર્નર જીન જેક્સ પુરુસીએ જણાવ્યું કે બોટમાં 278 લોકો સવાર હતા.

ગવર્નર જીન-જેક્સ પુરસીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે. અગાઉ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતાં વધુ મુસાફરો હતા. તેમણે જણાવ્યું કે કિટુકુ બંદરથી થોડા મીટર દૂર બોટ ડૂબી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે બોટ દક્ષિણ કિવુ પ્રાંતના મિનોવાથી ઉત્તર કિવુ પ્રાંતના ગોમા જઈ રહી હતી.

અકસ્માતની તપાસનો આદેશ
રાષ્ટ્રપતિએ અધિકારીઓને આ આપત્તિથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ અકસ્માતના સાચા કારણો શોધવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અકસ્માતની તપાસ થવી જોઈએ.

જૂનમાં બોટ દુર્ઘટનામાં 80ના મોત થયા હતા
અગાઉ જૂન મહિનામાં રાજધાની કિંશાસા પાસે બોટ ડૂબી જતાં 80 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. જાન્યુઆરીમાં, માઇ-નડોમ્બે તળાવમાં બોટ પલટી જતાં 22 લોકોનાં મોત થયાં હતાં. કિન્શાસામાં થયેલા અકસ્માતમાં બોટમાં 270થી વધુ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા હતા. દેશના રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેદીએ આ દુર્ઘટનાની માહિતી આપી હતી. એક નિવેદનમાં, રાષ્ટ્રપતિને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે માઇ-નડોમ્બે પ્રાંતની ક્વા નદીમાં હોડી પલટી ગઈ હતી જેના પરિણામે લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા.

ખોટી માહિતી સાથે વીડિયો વાયરલ થયો
દક્ષિણ આફ્રિકાની દુર્ઘટનાનો આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગોવાના દરિયામાં બોટ પલટી ગઈ અને અનેક લોકો માર્યા ગયાના સમાચાર વહેતા થયા છે, તે સદંતર ખોટા છે. આ દુર્ઘટના ગુરુવારે સવારે દક્ષિણ આફ્રિકામાં બની હતી.

Most Popular

To Top