Comments

અરુણાચલ પ્રદેશ ચીનની ઘૂસણખોરીનો ભોગ બન્યું છે તે આક્ષેપો સામે સાચી હકીકત શું છે?

ભારતની ઉત્તર-પૂર્વમાં આવેલ મહત્ત્વના સરહદી રાજ્ય અરુણાચલ પ્રદેશની સીમાઓ તિબેટ, ભૂતાન, નેપાળ અને આસામનાં રાજ્યો સાથે કાં તો જોડાયેલી છે, કાં તો નિકટ છે. અરુણાચલ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી સૌથી વધુ વાચાળ રહ્યા હોવાનું જણાયું છે. સ્વામીના મત પ્રમાણે ‘અરુણાચલ પ્રદેશ તે માત્ર સરહદી રાજ્ય નથી. ભારતની ઓળખ અને વારસામાં એક મહત્ત્વનો ભાગ છે. આપણે એના વિકાસ તેમજ બહારનાં પરિબળો મહદ્ અંશે ચીન દ્વારા આ પ્રદેશમાં થતી ઘૂસણખોરી બાબત સજાગ રહેવું જોઈએ.’સુબ્રમણ્યમ સ્વામી ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં થયેલ ઘૂસણખોરી તેમજ વાંધાજનક પ્રવૃત્તિઓ અંગે મિડિયામાં જાહેર નિવેદન કરતાં રહે છે.

આ જ મતલબની વાત અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તાપીર ગાઓ દ્વારા પણ લોકસભામાં સરકારના ધ્યાને મૂકવામાં આવી. ચીન છાશવારે તેના અધિકૃત કબજા હેઠળના ચીની પ્રદેશ બાબતે પોતાને સૂઝે તેવા નકશાઓ બહાર પાડે છે. અરુણાચલ પ્રદેશ મુદ્દે એક સામાન્ય છાપ એવી ઊભી થઈ છે કે ચીનની દાનત આ બાબતમાં ખોરા ટોપરા જેવી છે. તાપીર ગાઓ અરુણાચલના સ્થાનિક સાંસદ છે. સુબ્રમણ્યમ સ્વામી ચીન બાબતમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા અને અનેક વખત ચીનની મુલાકાત લઈ ચૂકેલ વિદ્વાન એકેડેમીક અને રાજનીતિજ્ઞ છે.

ચીનના પ્રવકતા લીન જિઆંગ અરુણાચલ પ્રદેશ ઉપરનો ચીનનો દાવો મજબૂતાઈથી રજૂ કરતાં કહે છે કે, ‘અરુણાચલ પ્રદેશના આ વિસ્તાર ઉપર ભારત ગેરકાયદે કબજો ધરાવે છે.’લે કર વાત, બાબા નમો નારાયણ, તો બચ્ચા તેરે ઘર ધામા. વિદેશ મંત્રી જયશંકર સાચી રીતે જ લીન જિઆંગના આ ઉચ્ચારણને હાસ્યાસ્પદ જણાવે છે પણ અરુણાચલનો કબજો ગેરકાયદેસર ચીન પાસે છે કે કેમ અને ચીને કેટલા પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે એ અંગે હજુ પણ વિદેશસેવાના અધિકારીની માફક ડિપ્લોમેટીક મૌન સેવે છે. સ્વાભાવિક રીતે આને કારણે ચીનની આડોડાઈને વેગ મળે છે.

સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ વાત પહેલી વખત કહેવામાં નથી આવી. સ્વામી મારા મતે એક બોલકા અને રહસ્યમય રાજકારણી છે. એમણે ભલભલા માંધાતાઓ સામે માથું ઊંચક્યું છે પણ કોઈ એમનું કશું બગાડી શક્યું નથી. સ્વામી જેની પાછળ પડે એનાં મૂળ ખોદી નાખે એવી દઢ માનતા છે પણ સ્વામીનું આ ‘વન મેન ઓર્ગેનાઇઝેશન’ની ઊર્જાના તાર કયા પાવરહાઉસ સાથે જોડાયા છે તે કળી શકાતું નથી. સ્વામીની સાથે ભાજપાના જ અરુણાચલ પ્રદેશના સાંસદ તપીર ગાઓ જોડાયા છે. તેઓએ લોકસભામાં ધરાર કહ્યું હતું કે, ચીને ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરીને ૫૦ થી ૬૦ કિ.મી. સુધી ભારતીય પ્રદેશ ઉપર કબજો જમાવ્યો છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ડોકલામ પછી કોઈ જગ્યાએ ‘સ્ટેન્ડઑફ’ની પરિસ્થિતિ ઊભી થશે તો તે અરુણાચલ પ્રદેશ હશે. આવું ભાજપના સાંસદ જાતે જ કહે અને તે પણ લોકસભામાં ત્યારે એની ગંભીરતા બાબત કોઈ શંકા કરી શકાય નહીં. આમ કહીને એમણે સરકારને તાત્કાલિક આ બાબત સંજ્ઞાનમાં લઈ પગલાં લેવા અપીલ કરી હતી. આપણને એ યાદ છે કે, ૨૦૧૭માં ભારત અને ચીન ડોકલામમાં સામસામે આવી ગયા હતા અને એ ‘સ્ટેન્ડઑફ’૭૩ દિવસ ચાલ્યો હતો. ડોકલામના ત્રિભેટે ચીને એક રોડ બાંધવાનો પ્રયત્ન કર્યો છે, જેને આપણી સેનાની ટુકડીએ પડકારીને ‘સ્ટેટ્સ-ક્વો’જાળવી રાખવા ફરજ પાડી હતી.

ચીન પોતાના નકશાઓમાં આખા અરુણાચલ પ્રદેશને ‘દક્ષિણ તિબેટ’પ્રદેશ ગણાવે છે, જ્યારે ભારત એને ઉત્તર પૂર્વીય રાજ્ય તરીકે ભારતનું અવિભાજ્ય અંગ ગણાવે છે. કમનસીબી એ છે કે અહીંયા લાઇન ઑફ કન્ટ્રોલ અથવા તો બંને પક્ષોને માન્ય હોય એવી સરહદ અસ્તિત્વમાં નથી. ખરેખર અરુણાચલ પ્રદેશમાં ચીને ઘૂસણખોરી કરી છે? અને જો હા તો કેટલી? અને આ મુદ્દે ભારત ચૂપ કેમ છે? ચીન અરુણાચલ પ્રદેશમાં ૪૦ થી ૫૦ કિ.મી. અંદર ઘૂસેલું છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top