ભારતનું બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને બે જવાબદારી સોંપી હતી. એક બંધારણનું અર્થઘટન કરવાની અને બીજી ભારતના પ્રત્યેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની. આ સિવાય વડી અદાલતોના ચુકાદાઓ સામેની અપીલો વધારાનું કહો કે રાબેતાનું કામ થયું. મુખ્ય કામ હમણાં કહ્યું એ બે હતાં. અર્થઘટનની જવાબદારી સોંપવામાં આવી એનાં 3 કારણ હતાં. એક તો એ કે બંધારણ એક માનવઘડિત દસ્તાવેજ છે એટલે એમાં સ્થળ અને કાળની મર્યાદા હોવાની. સમય અને સમાજ બદલાતા રહે છે એટલે નવા પ્રશ્નો પેદા થાય છે અને જૂના પ્રશ્નોનું સ્વરૂપ બદલાય છે. બીજું એ કે ભારતીય રાષ્ટ્રમાં અનેક ભાગીદારો છે, દાવેદારો છે અને તેમનાં હિતો છે.
કેન્દ્ર, રાજ્યો, જિલ્લાઓ, નાગરિકો, ન્યાયતંત્ર, લોકપ્રતિનિધિ ગૃહો, રાજકીય પક્ષો, લોકશાહી સંસ્થાઓ, ધર્મ અને ધર્મસંસ્થાઓ, સમાજસંસ્થાઓ વગેરે અનેક ભાગીદારો છે અને તેમનાં બદલાતાં સ્વરૂપો અને હિતો હોય છે. તેમનાં હિતો જ્યારે ટકરાય ત્યારે સર્વોચ્ચ અદાલતે બંધારણનું અર્થઘટન કરવાનું આવે. વળી બંધારણ ઘડનારાઓએ તમામ દાવેદારો અથવા સત્તાકેન્દ્રો વચ્ચે સંતુલન જળવાય એવા રાષ્ટ્રની કલ્પના કરી છે. એ સંતુલન જળવાઈ રહે એ જોવાનું અને ન જળવાતું હોય તો ટોકવાનું કામ પણ સર્વોચ્ચ અદાલતનું છે.
બંધારણના અર્થઘટનનું કામ અહીં પણ કરવું પડે. ત્રીજું કારણ એ કે ભારતનું બંધારણ જે ભારત હકીકતમાં અસ્તિત્વ ધરાવતું હતું એનો દસ્તાવેજ નથી પણ હોવા જોઈતા ભારતનો દસ્તાવેજ છે. વાસ્તવિક ભારત અને બંધારણ ઘડનારાઓની કલ્પનાના ભારત વચ્ચે અંતર હતું અને આજે પણ છે. એ બંધારણ ઘડનારાઓની કલ્પનાના ભારતને સાકાર કરવાનું જેમનું કામ છે એ શાસકો અને બીજા દાવેદારો જે માર્ગ અપનાવે એ બાબતે પ્રશ્નો અને શંકાઓ પેદા થઇ શકે છે. સંઘર્ષ પણ થઇ શકે છે અને ત્યારે બંધારણની જોગવાઈઓનું અને બંધારણ કલ્પિત ભારતનું અર્થઘટન કરવું પડે અને એ કામ સર્વોચ્ચ અદાલતનું છે.
સર્વોચ્ચ અદાલતને બંધારણનું અર્થઘટન અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની મહાન જવાબદારી સોંપવામાં તો આવી પણ સર્વોચ્ચ અદાલત આખરે છે શું? બીજી સંસ્થાઓની માફક ન્યાયતંત્ર પણ માનવીએ બનાવેલી માનવીઓની સંસ્થા છે અને એ સંસ્થા પોતે ભારતીય રાજ્યમાં એક દાવેદાર છે અને તેમાં બિરાજમાન લોકો આખરે હાડચામના માનવી છે. ટૂંકમાં ન્યાયતંત્રનો સંસ્થાકીય સ્વાર્થ પણ હોઈ શકે છે અને ન્યાયમૂર્તિઓનો અંગત સ્વાર્થ પણ હોઈ શકે છે. આ સિવાય બંધારણનું અર્થઘટન કરનારાઓની ચોક્કસ વિચારધારા હોઈ શકે છે.
તો સવાલ બે હતા કે એકંદરે ન્યાયતંત્ર માટે યોગ્ય જજોની પસંદગી કેવી રીતે કરવી અને એમાં પણ સર્વોચ્ચ અદાલત માટે યોગ્યમાંથી યોગ્યતમ શ્રેષ્ઠ જજોને પસંદ કઈ રીતે કરવા? ન્યાયતંત્રમાં એવા જજો હોવા જોઈએ જેના ઉપર સામાન્ય સંજોગોમાં નજર રાખવી ન પડે અને અસાધારણ સંજોગોમાં નજર રાખવાની યંત્રણા પણ હોય. આખો મદાર જજોની પસંદગી અને તેમની સર્વોચ્ચ અદાલત સુધીની બઢતીની પ્રક્રિયા વિશેનો હતો. ન્યાયતંત્ર જેવી પવિત્ર અને મહત્ત્વની સંસ્થામાં યોગ્ય વ્યક્તિઓ પ્રવેશે અને ખોટા સિક્કાઓ ન ઘૂસી જાય એ કેવી રીતે બને? એને માટે શું કરવું જોઈએ?
આશ્ચર્યની વાત છે કે આ બાબતે બંધારણ ચૂપ છે. નિયુકિતમાં શાસકોને એટલે કે સરકારને બહાર રાખીને નિયુકિતની કોઈ ચોક્કસ પ્રક્રિયા બતાવવામાં આવી નથી. અહીં એક વાતની નોંધી લેવી જોઈએ કે જગતમાં કોઈ દેશમાં જજોની નિયુકિતની કોઈ ફૂલપ્રૂફ આદર્શ વ્યવસ્થા નથી. અલગ અલગ દેશમાં અલગ અલગ વ્યવસ્થા છે અને એ દરેકના પ્રશ્નો છે. દાખલો આપવો હોય તો અમેરિકાનો આપી શકાય.
અમેરિકાની અદાલતે ગર્ભપાત કરાવવાના સ્ત્રીઓના અબાધિત અધિકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. એ ચુકાદો જુનવાણી તો હતો જ પણ આગલા પ્રગતિશીલ ચુકાદાને ઉથલાવનારો પણ હતો. આનાં બે અર્થઘટન થઇ શકે. કાં તો આવડત વિનાના ખોટા જજો અમેરિકન ન્યાયતંત્રમાં ઘૂસી ગયા અને કાં જજો સમયના પ્રભાવથી મુક્ત નથી રહી શક્યા. જજો સમયના પ્રવાહોથી અને સામાજિક પ્રભાવોથી પ્રભાવિત ન થાય અને બંધારણને વફાદાર રહે એવી તેમની પાસે અપેક્ષા છે. ટૂંકમાં દેશના ન્યાયતંત્ર માટે યોગ્ય જજો કેવી રીતે શોધવા અને યોગ્ય સ્થાને નિયુક્તિ કેવી રીતે કરવી તેનો કોઈ ફૂલપ્રૂફ ઉપાય કોઈ દેશ પાસે નથી. કદાચ આ કારણે બંધારણ ઘડનારાઓએ આ સવાલ શાસકોના વિવેક ઉપર છોડ્યો હોવો જોઈએ.
હકીકત જે હોય તે પણ જજોની નિયુકિત કોણ કરે અને કેવી રીતે કરે એ બાબત આપણે ત્યાં સંદિગ્ધ છે એટલે તેનો લાભ અને ગેરલાભ ઉઠાવવામાં આવે છે. લાભ અને ગેરલાભ બન્ને પક્ષ ઉઠાવે છે, સરકાર પણ ઉઠાવે છે અને જજો પણ ઉઠાવે છે. આ સિવાય ભારત એક ઘડાઈ રહેલું રાષ્ટ્ર છે એટલે વખતોવખત એવા શાસકો આવતા રહેવાના જેમની રાષ્ટ્ર વિશેની પોતાની એક ક્લ્પના છે અને એ ક્વચિત બંધારણ કલ્પિત રાષ્ટ્રની વિભાવના કરતાં અલગ હોવાની. અત્યારે દેશને આનો અનુભવ થઇ રહ્યો છે અને ભૂતકાળમાં પણ થોડા પ્રમાણમાં આનો અનુભવ થયો હતો. જો અમેરિકા જેવા રૂઢ અર્થમાં ઘડાઈ ચૂકેલા રાષ્ટ્રની રાષ્ટ્ર વિભાવના સામે પડકારો પેદા થઇ શકે તો ભારત માટે તો એ મોટો પડકાર છે.