હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનો એ બહુ પવિત્ર માસ ગણાય. શ્રાવણમાં ભગવાન શિવની આરાધના કરવાનું મહાત્મય અનેરું છે. આ માસ દાન પુણ્ય કરવાનો માસ ગણાય છે. આ પ્રસ્તાવના બાંધ્યા પછી એક ન સમજાય એવો પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે કે શ્રાવણ માસને જુગાર સાથે શું સંબંધ છે? જો શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણાતો હોય તો આવાં કામ ન કરવાં જોઈએ. પરંતુ મોટાભાગના ખેલીઓ શ્રાવણ માસની કાગડોળે વાટ જોતાં હોય છે અને ઠેરઠેર જાહેરમાં નહીં તો ખાનગીમાં જુગાર રમી લાખો કરોડો રૂપિયાની ઊથલપાથલ કરી નાંખે છે. એટલાં રૂપિયા જો શ્રાવણ માસમાં સત્સંગ કાર્યમાં, ભગવાનની પૂજા અર્ચનામાં કે લોક કલ્યાણના કામ માટે ખર્ચે તો એમને પૂણ્ય મળી શકે છે.
આ તો ઠીક પરંતુ જન્માષ્ટમીના દિવસે તો લગભગ નાના મોટાં તમામ નગરોમાં તથા ઘેર ઘેર જુગાર રમાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય જુગાર રમ્યાં હોય એવું કોઈ પણ જગ્યાએ સાંભળવા કે વાંચવા મળ્યું નથી. આ પ્રથા કોણે શરૂ કરી અને શા માટે જન્માષ્ટમીના દિવસે જુગાર રમવો એ કૂટપ્રશ્ન સમજની બહાર છે. જુગારમાં પાંડવો જેવાં મહાજ્ઞાનીઓએ પણ રાજપાટ ગુમાવી વનમાં ભટકવાનો વારો આવ્યો હતો. નળ રાજા પણ પોતાના ભાઈ પુષ્કરના જુગારના દાવપેચમાં હારી ગયા હતાં અને દમયંતી જેવી સતી પત્નીથી અલગ થવાનો વખત આવ્યો હતો. આમ લોકોને જુગારના પરિણામોની ગંભીરતાનું જ્ઞાન છે છતાં આ બદીમાંથી બહાર આવી શકતાં નથી.
હાલોલ, પંચમહાલ- યોગેશભાઈ.આર.જોશી