ભારત અને પાકિસ્તાન કે ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ હોય તો તે સમજી શકાય તેવી વાત છે, પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા બે મુસ્લિમ દેશો વચ્ચે તિખારા ઝરતા હોય તો તે નવાઈની વાત છે. તાજેતરમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની જમીન ઉપર અચાનક હવાઈ હુમલો કર્યો હતો. હવાઈ હુમલામાં કેટલાંક સ્ત્રીઓ અને બાળકો માર્યાં ગયાં હતાં, એવો અફઘાનિસ્તાનમાં રાજ કરી રહેલા તાલિબાનનો દાવો છે. પાકિસ્તાન કહે છે કે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી આતંકવાદીઓની છાવણીનો ખાત્મો બોલાવવા તેણે બોમ્બમારો કર્યો હતો. તાલિબાને પાકિસ્તાનના આ હુમલાનો જવાબ આપવાના સોગંદ ખાધા છે. જો તાલિબાન પાકિસ્તાન ઉપર વળતો હુમલો કરે તો ભારતના બે પડોશી દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના છે.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું અને એક શરણાર્થી શિબિરમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં ઘણાં લોકો માર્યાં ગયાં અને ઘણાં ઘાયલ થયાં હતાં. બીજી તરફ પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ અથવા પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા આવા કોઈ પણ હુમલાની ન તો પુષ્ટિ કરવામાં આવી છે કે ન તો તેને નકારી કાઢવામાં આવી છે.
બુધવારે સવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી આ કથિત હુમલા અંગે ત્રણ પોસ્ટ કરવામાં આવી હતી. આ સંદેશાને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખાવરિઝમી અને તાલિબાન સરકારના કેન્દ્રીય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પણ ફરીથી પોસ્ટ કર્યા હતા. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં માર્યા ગયેલાં અને ઘાયલ થયેલાં મોટા ભાગનાં લોકો વઝીરિસ્તાનના શરણાર્થી કેમ્પનાં છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
જો પાકિસ્તાન દ્વારા સરતચૂકથી આ હુમલો થયો હોય તો તેણે તે વાત કબૂલ કરવી જોઈએ; અન્યથા હુમલાને કારણે બે દેશો વચ્ચેના સંબંધો વધુ કથળી શકે છે. પાકિસ્તાનનું કહેવું છે કે ઉગ્રવાદના વધતા મોજાંનું કારણ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા અફઘાન જમીનનો ઉપયોગ છે, જેને રોકવામાં અફઘાન સરકાર નિષ્ફળ રહી છે. સરહદ પારથી ઉગ્રવાદીઓ પાકિસ્તાની સુરક્ષા દળો, ચીની અને પાકિસ્તાની નાગરિકો પર હુમલા કરે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને વારંવાર પુરાવા આપ્યા પરંતુ તાલિબાન સરકાર પાકિસ્તાનની આશંકાઓ દૂર કરી શકી નથી અને આ પછી પણ આતંકવાદી જૂથ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાન સામે વધુ મુક્તપણે હુમલાઓ કરી રહ્યું છે.
પાકિસ્તાન અગાઉ પણ આરોપ લગાવતું રહ્યું છે કે તહેરિકે તાલિબાન પાકિસ્તાન (TTP) ના અફઘાનિસ્તાનમાં ઘણાં ઠેકાણાં છે અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ માટે કરવામાં આવે છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ આરોપોને નકારે છે. પાકિસ્તાનની અપેક્ષાઓથી વિપરીત કાબુલમાં તાલિબાનની સરકાર આવ્યા બાદ પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓના હુમલામાં વધારો થયો છે. પાકિસ્તાન સેન્ટર ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ હુમલા નવેમ્બરમાં થયા છે, જેમાં ૨૪૦ લોકો માર્યા ગયા છે, જેમાં લગભગ ૭૦ સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે.
પાકિસ્તાને હજુ સુધી આ હવાઈ હુમલાને લઈને કોઈ ઔપચારિક નિવેદન જારી કર્યું નથી, જ્યારે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે તેને આ હુમલાનો બદલો લેવાનો અધિકાર છે. યાદ રહે કે આ પહેલી વાર નથી જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર તેના સરહદી વિસ્તારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હોય. પક્તિકા એ અફઘાનિસ્તાનનો પૂર્વીય પ્રાંત છે, જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર સ્થિત છે, જે પાકિસ્તાનના ત્રણ જિલ્લાઓને અડે છે. તેમાં બલૂચિસ્તાન પ્રાંતનો ઝોબ જિલ્લો અને ખૈબર પખ્તુનખ્વાના બે જિલ્લા, દક્ષિણ વઝિરિસ્તાન અને ઉત્તર વઝિરિસ્તાનનો સમાવેશ થાય છે.
દક્ષિણ વઝીરિસ્તાન એ એવો જિલ્લો છે જ્યાં આ મહિને ૨૧ ડિસેમ્બરે આર્મી પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૬ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાને આ હુમલાનો આરોપ સરહદ પારથી આવતા ઉગ્રવાદીઓ પર લગાવ્યો હતો. આ વર્ષે માર્ચમાં અફઘાન તાલિબાને કહ્યું હતું કે પાકિસ્તાની જહાજોએ અફઘાન સરહદ પર પક્તિકા અને ખોસ્તના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો. આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ઓપરેશનમાં હાફિઝ ગુલ બહાદુર જૂથના આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાની હવાઈ હુમલામાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકો માર્યાં ગયાં હતાં.
અફઘાનિસ્તાનની સશસ્ત્ર દળો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અફઘાન સંરક્ષણ મંત્રાલયના મહાનિરીક્ષક લતીફુલ્લાહ હકીમીએ દાવો કર્યો હતો કે અફઘાન આર્મી અને એરફોર્સમાં એક લાખ સિત્તેર હજાર સૈનિકો છે. આ પહેલાં ફેબ્રુઆરી ૨૦૨૨માં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે તેણે કહ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાન માટે ગ્રાન્ડ આર્મી બનાવી રહ્યું છે. તાલિબાને ૨૧ હેલિકોપ્ટરો અને વિમાનોમાંથી અડધાનું સમારકામ કર્યું હતું જે અમેરિકાએ ૨૦૨૧ માં અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચ્યું ત્યારે બિનઉપયોગી છોડી દીધાં હતાં. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ અફઘાન તાલિબાને ત્રણ લાખથી વધુ હળવાં હથિયારો, ૨૬ હજાર ભારે હથિયારો અને લગભગ ૬૧ હજાર સૈન્ય વાહનો પર નિયંત્રણ મેળવી લીધું હતું.
નવેમ્બર ૨૦૨૧ માં સત્તામાં આવ્યા પછી તાલિબાન સરકારે અફઘાન આર્મીના વિવિધ કોર્પ્સના નામ બદલીને ઇસ્લામિક નામો સાથેનો પત્ર જારી કર્યો હતો. તેમાંથી એક ૩૧૩ બદરી યુનિટ તરીકે ઓળખાય છે, જેનો વીડિયો પણ તે સમયે સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. તે વિડિયોમાં અફઘાન તાલિબાનના અધિકારીઓને તે યુનિટનો યુનિફોર્મ પહેરીને અને આધુનિક હથિયારો સાથે જોઈ શકાય છે. આ યુનિટને અફઘાન સશસ્ત્ર દળોના વિશેષ એકમ તરીકે ઓળખવામાં આવે છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન અને નાટો દળોને અચાનક પાછાં ખેંચી લીધા પછી તે દળો દ્વારા ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોની મોટી સંખ્યા અફઘાનિસ્તાનમાં રહી ગઈ હતી. આ લશ્કરી સાધનો અફઘાનિસ્તાનના તાલિબાન લડવૈયાઓએ કબજે કર્યાં હતાં.
પાકિસ્તાની સેનાએ ૨૦૧૪માં ઉગ્રવાદીઓને કચડી નાખવા માટે ઉત્તર વઝીરિસ્તાનમાં ઝર્બ-એ-અઝબ નામનું મોટું લશ્કરી ઓપરેશન શરૂ કર્યું હતું, જે લાંબા સમય સુધી ચાલુ રહ્યું હતું. આ ઓપરેશન્સમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ લાખો સ્થાનિક રહેવાસીઓને પણ યુદ્ધના ડરથી તેમનાં ગામો છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તેમાંથી ઘણાં પાકિસ્તાનનાં અન્ય શહેરોમાં ભાગી ગયાં, પરંતુ તેમાંથી કેટલાક ડ્યુરન્ડ લાઇન ઓળંગીને અફઘાનિસ્તાનમાં વઝીરિસ્તાન રેફ્યુજી કેમ્પમાં સ્થાયી થયાં હતાં.
અગાઉનાં વર્ષોમાં ઉત્તર વઝીરિસ્તાન અને પખ્તુનખ્વાના અન્ય આદિવાસી વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ પ્રમાણમાં સારી હતી પરંતુ તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા હુમલામાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે અશાંતિ મોટા ભાગે પાકિસ્તાની તાલિબાન મુવમેન્ટ અથવા ટીટીપીના ઉગ્રવાદીઓ દ્વારા થાય છે, જેઓ અફઘાનિસ્તાનમાં પોતાનાં ઠેકાણાંઓ ધરાવે છે અને ત્યાંથી પાકિસ્તાન પર હુમલો કરે છે. પાકિસ્તાનની આ નીતિ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.